Columns

ચાલો સમજીએ

દૃશ્ય એક
એક મોલમાં એક નાનો છોકરો તેની મમ્મી સાથે શોપિંગ કરી રહ્યો હતો.મમ્મી શોપીંગમાં વ્યસ્ત હતી,ત્યારે નાનો છોકરો રમતો રમતો થોડો આગળ દોડી ગયો અને મમ્મીનું ધ્યાન ન હતું. છોકરો આમતેમ દોડાદોડી કરી રહ્યો હતો અને તે રમતાં રમતાં બાજુની દુકાનમાં જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં દોડી ગયો અને ત્યાં તેનો પગ ફેવિકોલ ભરેલા ડબ્બામાં પડ્યો અને તે પછી પગ બહાર કાઢી શક્યો નહિ.રડવા લાગ્યો….આ બાજુ મમ્મીનું ધ્યાન ગયું કે તેનો છોકરો ક્યાંય દેખાતો નથી.

તેણે આમતેમ જોયું, શોધાશોધ કરી …અને દીકરો ન દેખાતાં બુમાબુમ કરી મૂકી …અને મમ્મી ગુસ્સામાં મોલના સ્ટાફને ખીજવા લાગી બોલી, ‘શું આવું જ તમારું મેનેજમેન્ટ છે, એક નાનો છોકરો કયાં જાય?..જલ્દી તમારા મેનેજરને બોલાવો ….જલ્દી સી.સી. ટી.વી. કેમેરા ચેક કરો.મોલમાં દોડાદોડી થઇ ગઈ.થોડી વાર બાદ ખબર પડી કે છોકરાનો પગ બાજુની દુકાનમાં ફેવિકોલના ડબ્બામાં ફસાઈ ગયો છે અને બધા ત્યાં ભેગા થયા..મમ્મીની બુમાબુમ ચાલુ હતી…પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કે પોતાના દીકરાને કંઈ કહેવાને બદલે મમ્મી મોલના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવી રહી હતી. બધાએ મહામહેનતે છોકરાના પગને બહાર કાઢ્યો અને મમ્મી બડબડ કરતાં કોઈને થેન્કયુ કહ્યા વિના દીકરાનો હાથ પકડી નીકળી ગઈ.

દૃશ્ય બીજું
નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક સ્ત્રી પોતાના નાના દીકરાને લઈને કામ પરથી આવતાં આવતાં ગરદીવાળા રસ્તા પર શાક લેવા ઊભી રહી. એણે દીકરો કયારે હાથ છોડાવી આગળ દોડી ગયો તેની તેને ખબર ન પડી.દીકરો આગળ દોડતાં દોડતાં ઘણો આગળ નીકળી ગયો અને એક બાઈકની અડફટે આવતાં આવતાં બચ્યો અને બાજુની ગટરમાં પડ્યો.આ બાજુ માનું ધ્યાન ગયું અને તે આંખોમાં આંસુ સાથે આમતેમ દીકરાને શોધવા લાગી….બધાને પૂછવા લાગી કે મારા દીકરાને જોયો છે? જરા મને તેને શોધવામાં મદદ કરો…

આજુબાજુ બધા તે છોકરાને શોધવા લાગ્યા.ત્યાં તો બાઈકવાળો પોતે તે છોકરાને ગટરમાંથી કાઢીને તેની મા ને શોધતો આવી પહોંચ્યો.મા રડતી રડતી છોકરાને ભેટી પડી અને પછી ખીજાઈ ગઈ કે હાથ છોડીને ગયો જ કેમ? મા એ પેલા બાઈકવાળાનો આભાર માન્યો અને આજુબાજુ દીકરાને શોધવા માટે મદદ કરનાર બધાનો ઘડી ઘડી આભાર માની આગળ વધી.  પ્રશ્ન થાય કે આ બંને દૃશ્યમાં ભૂલ કોની ?અને વાંક કોનો ? વર્તન કોનું સારું અને ખરાબ ? પણ આ પ્રશ્નોમાં ન પડીએ અને સમજીએ કે બીજાનો વાંક કાઢવા કરતાં પોતાની ભૂલ પર ધ્યાન આપવું અને મદદ કરનારનો હંમેશા દિલથી આભાર માનવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top