Columns

હુસ્ન કે લાખો રંગ તેમાં અનેક બેશરમ

યશરાજ ફિલ્મ્સની ફિલ્મોમાં વાર્તાનો અંત રાબેતા મુજબ નાટયાત્મક હોતો નથી એ જ તેમાં છૂપાયેલી એક નાટયાત્મકતા હોય છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે કે પછી દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મો એક આખા પેકેજ શો તરીકે જોવાની હોય છે, જેમાં લવ, રોમાન્સ અને સેકસ છલકાઇ જતા હોય. DDLJ અને DTPH જેવી કુટુંબ સાથે બેસીને જોઇ શકાય એવી ફિલ્મો પણ બનાવી છે. મુખ્યત્વે એમની ફિલ્મો શહેરી ભારત માટે હોય છે જયાં સિનેમા ગૃહો છે. છતાં અમુક દૃશ્યો શહેરોનાં લોકોને પસંદ ન પડે તેવા હોય. DDLJ માં કાજોલને માત્ર એક અર્ધપારદર્શક શર્ટ પહેરાવીને ડેન્સ કરાવેલો. ત્યારે ઘણાને એ સેકસી જણાયું હતું અને ઘણાને કામોત્તેજક. પણ કોઇ વિવાદ થયો ન હતો.

કાજોલે સફેદ શર્ટ પહેર્યું હતું. DDLJમાં મોટી ખાનાખરાબી, ધમાચકડી અને હિંસા બાદ દીકરી (કાજોલ)ને કહે છે, ‘જા સીમરન જી લે અપની જિંદગી’ અને ફિલ્મ પૂરી થઇ જાય. સ્ટાન્ડર્ડ મુજબ ફિલ્મનો એન્ડ આવતો નથી તેથી દર્શકોને પ્રથમ તો નવાઇ લાગી. સુખાન્ત હતો પણ તે આણવા માટેની કોઇ નાટકીયતા ન હતી. કોઇ લોકેટ મળી આવ્યું ન હતું. છતા અંદરના મસાલાને કારણે ફિલ્મ ખૂબ ચાલી. મરાઠા મંદિરમાં રેકર્ડ નોંધાવ્યો. ‘દિલ તો પાગલ હૈ’ માં અરુણા ઇરાની કાચના ગણેશની બે મૂર્તિઓ નાયક અને નાયિકાને શુભેચ્છા સાથે ભેટ આપે છે. દર્શકોને એમ સમજવાની આદત પડી ગઇ હોય છે કે ફિલ્મના અંત માટે આ મૂર્તિઓ મહત્વની બની રહેશે પણ એ ફિલ્મનો અંત આવ્યો ત્યારે મોટાભાગનાને લાગ્યું કે વાર્તામાં ભગવાનને કારણ વગર લવાયા હતા. છતાં એક ભાવુકવર્ગ તેનાથી અભિભૂત થઇ જતો હોય છે.

કારણ વગર તેઓ કરોડો રૂપિયા શા માટે વાપરે? મહોબ્બતેની વાર્તા પણ આવી રીતે આધુનિક યુગના રોમાન્સમાં ચાલતી હતી. અંગ્રેજીમાં આવી વાર્તાઓ પલ્પ ફિકશન કહેવાય. જે તેના અંત માટે વંચાતી નથી પણ વાંચન દરમિયાન થતાં હાર્દિક, શારીરિક ગલગલિયા માટે વંચાતી હોય છે. લેખિકા બાર્બરા કાર્ટલન્ડે રોજના ધોરણે આવી એક વાર્તા લખતી હતી જે વાંચવાની અધૂરી રહી જાય તો પણ વાચકે ગલગલિયા સિવાય કશું જ્ઞાન ગુમાવવાનું હોતું નથી. એણે 675થી વધુ રોમાન્સ નોવેલ્સ લખી હતી. મિલ્સ એન્ડ બૂન્સનો પણ આવો જ એક વાચક વર્ગ હતો. ગુજરાતીમાં વિઠ્ઠલ પંડયા, રસિક મહેતા વગેરે હતા. હવે એ સમય રહ્યો નથી. પછી તો પલ્પ સિનેમા આવી. નાના નાના શહેરોમા સિનેમા ઘરો બંધાયા. એ જમાનો પણ ગયો, જયારે લોકો 2-5 રૂપિયામાં ફિલ્મો જોઇ આવતા.

50 પૈસામાં ભેળપૂરી પણ ખાઇ આવતા. એ પછી મલ્ટીપ્લેકસ આવ્યાં. નાના સિનેમા હાઉસો બંધ પડયા. દરેક જગ્યાએ મનોરંજન છલકાઇ પડયું છે. તેમાં પછી કોઇ પણ પ્રકારની હોય. શાહરૂખ ખાનની ફિલ્મ આવવાની હોય ત્યારે વિવાદ અચૂક થાય, પણ એની ફિલ્મ કયારેય અટકી નથી. અમુક ફલોપ ગઇ છે. હાલમાં ‘પઠાણ’ ફિલ્મને ખૂબ પબ્લિસિટી મળી રહી છે. ‘બેશરમ રંગ’ ગીતે વિરોધનો વંટોળ પેદા કર્યો છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારના એક મંત્રી નરોત્તમ મિશ્રએ આગેવાની લીધી છે, પણ તેના કારણે પઠાણને ખૂબ પ્રસિધ્ધિ મળી. ગયા શનિવાર સુધીમાં 10 કરોડ લોકોએ નેટ પર બેશરમ રંગ જોયું હતું. હવે નવા પરિપ્રેક્ષયમાં વિચાર તો આવે જ કે આમીર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કોઇનો ઉપહાસ થયો ન હતો.

કોઇ ધર્મની હાંસી ઉડાવાઇ ન હતી. ફિલ્મની કે તમામ સાચી ખોટી કહાનીઓમા કિરદાર માનવ જાત જ હોય છે. કોઇના પર તો ફિલ્મ બનાવવી પડે. કયાંક કોઇકનું ખરાબ તો કોઇનું સારૂં ચિત્રણ કરવું પડે. એવું ન કરવું હોય તો વોલ ડીઝનીની માફક જંગલ બૂક પર લાયન કિંગ જેવી ફિલ્મો જ બનાવવી પડે. છતાં ભારતમાં વસવાટ વિશેનાં નકારાત્મક મંતવ્ય, અગાઉની એક ફિલ્મમાં હિન્દુ દેવતાનું અપમાન, તુર્કીના શાસકની પત્નીને જઇને મળવું વગેરે કારણોસર હિન્દુઓના એક વર્ગમાં આમીર ખાન પર લોકો સાચે, ખોટે ભડકયા હતા.

તેમાં આમીર ખાન અર્ધનગ્ન કિશોરી પુત્રી સાથે, વિદેશીઓની માફક બર્થ ડે ઉજવે વગેરે તસવીરોએ હિન્દુઓ અને અન્ય લોકોમાં ભાવના ફેલાવી હતી કે આ લોકો ભારતીય પરંપરા અને સંસ્કૃતિને તોડવા મથી રહ્યા છે. આ કુલ લાગણીઓનો સરવાળો એટલે લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર. આ પ્રથમ વખત એક બહિષ્કાર એક ફિલ્મ સર્જક અને કલાકારોને ખૂબ નડી ગયો. તેમાંય સ્ક્રીન પર હસ્તમૈથૂનના દૃશ્યો આપ્યા બાદ પરમતૃપ્તિ અનુભવી ચૂકેલી JNUની બ્રેન્ડ ધરાવતી સ્વરા ભાસ્કર ફિલ્મની તરફેણ કરવા જાહેરમાં આવી જાય ત્યારે કોઇનો ઉધ્ધાર ન થાય, પણ ફિલ્મનું નખ્ખોદ વળી જાય. હમણા એ રાહુલ ગાંધીનો ખભો પકડીને ચાલી. શું થશે કોંગ્રેસનું?

JNUની બીજી મૂક અને અઘોષિત બ્રેન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ આ વખતે વિવાદમાં છે. તેમાં વળી ભગવા રંગની બિકિનીમાં એનિમલ સેકસ જેવી અદાકારી આપી છે અને દાવો કરવામાં આવે છે કે ફિલ્માન અજુગતુ કશું નથી. અગાઉ આવું સપનાંઓ તરીકે ચાલી જતું. પણ ફિલ્મમાં કશું અજુગતુ નથી તેમ કહેવું તેઓ અર્થ એ થાય કે ભારતમાં દરેક પ્રેમી યુગલો રોજબરોજ, ચોરે ચૌટે, મોલમાં કે હોડીમાં આવી રીતે વર્તન કરે છે અને તેમાં કશું અજુગતું સમજતાં નથી પણ વાસ્તવિકતા ઉલટી છે. ઘણા મા-બાપ આ ગીતને ફિલ્મમાં યથાવત રખાય તો સાથે બેસીને જોવાનું પસંદ નહીં કરે. તેઓની એ માન્યતા પણ મજબૂત થશે કે વિદેશોની સંસ્કૃતિ ભારતમાં ઘૂસાડવા આ કલાકારો વસ્ત્રો વગર તનતોડ મહેનત કરી રહ્યા છે.

શાહરૂખ ખાન તો ચતુર બિઝનેસમેનની બુધ્ધિ ધરાવતો કલાકાર છે અને બેશર્મ રંગ તરીકે ભગવા રંગને ગણાવે ત્યારે એણે હાલના સંવેદનશીલ માહોલનો વિચાર નહીં કર્યો હોય શું? તેમાંય હમણા વગોવાયેલી દીપિકા પાદુષોણ નાયિકા છે ત્યારે જરૂર વિચાર કર્યો હશે. પરંતુ બારીકાઇથી જોઇએ તો આ કોઇ વિવાદ કરતા શાહરૂખ સ્ટાન્ડર્ડનો પબ્લિસિટી સ્ટંટ જરૂર લાગે છે. પણ શકય છે કે આજની પરિસ્થિતિમાં તે બૂમરેંગ થઇ શકે છે. હિન્દુઓ કે મુસ્લિમોને ભડકાવવા માટે આજે એક નાનું તણખલું પણ બસ થઇ પડે તેમ છે. પબ્લિસિટી સ્ટંટ એટલા માટે લાગે છે કે આ ગીતમાં માત્ર ભગવા રંગની બિકિની નથી પહેરી પણ સિકવન્સમાં અનેક રંગો છે, છતાં ટ્રેલર તરીકે ભગવા રંગને મિડિયામાં રજૂ કરાયો છે.

વળી બેશર્મ ભગવો રંગ કહેવો એ તો હિન્દુઓના રંગ, ભારતના રાષ્ટ્રધ્વજ અને બાળા સાહેબ ઠાકરેની શિવસેના, સાધુ સમાજ વગેરેનું અપમાન કરવા સમાન છે અને તે પણ દીપિકાની લંગોટી દ્વારા. હવે વિવાદ વધશે એટલે પાંચ-દસ સેકન્ડની ભગવી સિકવન્સ દૂર કરાશે. અમુક દૃશ્યો કદાચ દૂર કરાય. થોડું વધારે શૂટિંગ અગાઉથી કરી રાખેલું જ હોય છે. તેમાંય જેના આધારે પબ્લિસિટી કરવાનું નક્કી કર્યું હોય ત્યારે સ્ટેપની ટાયરની માફક વધારાનાં દૃશ્યો ડબ્બામાં રાખ્યા જ હોય. છતાન આખું ગીત ઊડાડવાની માગણી થઇ રહી છે. ફેરફારો કરીને રખાય પણ ખરૂં, છતાં જે માત્રામાં પબ્લિસિટી અને નેગેટિવ પબ્લિસિટી થઇ છે અને હિન્દુત્વનો જુવાળ ચાલી રહ્યો છે ત્યારે સંપૂર્ણ બહિષ્કારની શકયતા રહે છે.

કાયદા પ્રમાણે ફિલ્મમાં કશું અયોગ્ય નહીં હોય, અન્યથા સેન્સર બોર્ડ સર્ટિફિકેટ ન આપે પણ આજકાલ લોકો અદાલતનું કે કાનૂનનું કયાં સાંભળે છે? લાલ સિંહ ચઢ્ઢાનું પડીકું વાળી દીધું તેવું પઠાણનું પણ થાય.શાહરૂખ ખાને મૌન જાળવી રાખ્યું છે. માત્ર એટલું જ બોલ્યો છે કે સ્થિતિનો ‘પોઝિટિવ’ રહીને સામનો કરવામાં આવશે. આ ફિલ્મ માત્ર શાહરૂખની નથી, પણ યશરાજ બેનરની છે અને શાહરૂખે એવડી મોટી કમાણી કરી લીધી છે કે ફિલ્મ ફલોપ જાય કે બહિષ્કૃત થાય, એ આર્થિક ફટકો હસતા હસતા સહન કરી શકશે પણ યશરાજ માટે તો આ ધંધો છે અને કોઇને પણ આર્થિક નુકશાન, શાખનું નુકશાન પસંદ હોતું નથી. આથી પઠાણ શાહરૂખ કહે છે કે ફિલ્મનો પઠાણ એક પાકો દેશભકત છે. તેમ છતાં શાહરૂખને ખબર છે કે સિઝરની પત્ની પવિત્ર હોય એટલું પૂરતું નથી.

પવિત્ર દેખાવી પણ જોઇએ. માટે હજ કરી આવ્યો તો વૈષ્ણવ દેવીના દર્શને પણ જઇ આવ્યો છે. આવી રીત આમીર વગેરેએ અપનાવી હતી પણ લોકો તેઓની આ ગ્લેમરાઇઝ્‌ડ ભકિતને ભકિત તરીકે જોતા નથી પણ સારા દેખાવાનો ઢોંગ માત્ર સમજે છે. શાહરૂખ ઇરાદાપૂર્વક બોલ્યો નથી કે ભગવા રંગ સિવાયના રંગો છે જેને બેશરમ ગણાવાયા છે. ફિલ્મ નિર્માણમાં પણ અગાઉ હતો એવો સમય આજે રહ્યો નથી. પોર્નોગ્રાફી લોકોને ન જોઇતી હોય તો પણ ટાણે-કટાણે મળતી રહે છે. દીપિકાનું દેહલાલિત્ય કલાત્મક હશે પણ તેની ઓવર સપ્લાય છે.

શા માટે ટ્રેઇલરમાં તે રજૂ કરવું જોઇએ. શાહરૂખને ખબર છે કે માહોલ બરાબર નથી ત્યારે આવા વાનરવેડા, લબાડી અથવા કાંકરીચાળાથી દૂર રહેવું જોઇએ. ઘણા શાહરૂખને સોબર ગણાવે છે. જો સાચું હોય તો આ પ્રકારની પબ્લિસિટીથી એણે દૂર રહેવું જોઇએ. ભલે એ કોઇનું અપમાન કરવા ન માગતો હોય તો પણ અપમાન બોધ ઉપજી શકે છે તેવી સમજણ સાથે આ કેસમાં જુલિયસની પત્નીની માફક રહેવાની જરૂર હતી. શા માટે ભગવા રંગને બેશર્મ તરીકે ચિતરવો જોઇએ? આખરે એને શું મળવાનું? અને પછી પોતે જ એક દિવસ કહેશે કે દેશમાં ઇન્ટોલરન્સ વધી ગયું છે. સમાજમાં સમજદારની જવાબદારી વધુ બનતી હોય છે.

યશ ચોપડાએ રઝા મુરાદની ભત્રીજી ભકતાવર ઉર્ફ સોનમને 15 વરસની ઉંમરે અભિનેત્રી બનાવી ત્યારે સોનમને જાણ કર્યા વગર રિશિ કપૂરને ખાનગીમાં સમજાવી સોનમને કિસ કરાવ્યું હતું ત્યારે સોનમે સાથ આપ્યો હતો. પણ આજે આવું બને તો કોઇ સગીર અભિનેત્રી પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે. ત્યારબાદની ફિલ્મોમાં યશ ચોપડા વધુ ઉત્સાહી બન્યા અને બિકિનીધારી અભિનેત્રીઓને ચૂંબન કરાવતા રહ્યા. ફિલ્મ વિજયમાં મીનાક્ષી શેષાદ્રીએ ચૂંબન આપ્યું પણ ફિલ્મ તો ફલોપ જ રહી. આદિત્ય ચોપડાએ ‘મહોબ્બતે’માં શમિતા શેટ્ટી ચુંબન આપે તો જ રોલ આપવાની શરત રાખી હતી. મશહૂર પત્રકાર ભારતી પ્રધાન લખે છે કે એ ફિલ્મમાં ગ્લેમરની લાઇન-અપ ખડી કરી દીધી હતી તો પણ આજે એ ફિલ્મ અમિતાભ, શાહરૂખ અને ઐશ્વર્યા રાયના નામે જ ઓળખાય છે.

Most Popular

To Top