Comments

સારસ્વતોની ફૂંકે મરણતોલ ગુજરાતી ભાષા કેટલું જીવશે?

અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૫૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં ગુજરાતી સાહિત્ય પરિષદના છેક છેલ્લા અધિવેશનમાં પણ વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મૂળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર અને વ્યંજનો આસપાસ પોતાની સત્ત્વશીલતા તપાસતાં જોવા મળ્યાં. બીજી તરફ જે વિદ્યાર્થીઓ ભાષાનું હલેસું પકડીને પોતાનું નાવડું આગળ ખેંચે છે, તેમની હાલત તો સો ડુંગળી અને સો કોરડા વેઠતાં ધોબી જેવી થઈ જાય છે. ગુજરાતી લેખકમંડળીની કારોબારીના ઠરાવમાં જણાવ્યું છે કે કોઈ પણ ભાષા, માહિતી – જ્ઞાન માટેના માધ્યમથી વિશેષ તો તે સમાજ અને સંસ્કૃતિ સાથે અભિન્નપણે વણાયેલી છે.

આમ છતાં ધોરણ-૨ થી ૧૨નાં ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં વપરાતી ભાષામાં નર્યું શહેરીપણું જ અભિવ્યકત થાય છે. વિદ્યાર્થીઓ માટેનાં આ પુસ્તકોની ભાષા જોતાં જણાય છે કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનાં પુસ્તકોને જાણે ડાંગ, ચરોતર, મહીનાં કોતરો, રણ કે કાંઠા વિસ્તારની સંસ્કૃતિ સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધેય નથી. પરિણામે, અભ્યાસક્રમના ભાગરૂપે સ્વીકારાયેલ પુસ્તકો વિદ્યાર્થીઓનાં નિજી જીવનથી દૂર રહી જાય છે. ઉદાહરણરૂપે, શૈશવ નામે એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ભાવનગર શહેરના દક્ષિણ ભાગે ૧૩,૦૦૦ બાળ શ્રમિકોનો અભ્યાસ થયો. શાળા છોડી દેનાર ૬,૦૦૦ બાળકોએ કારણ જણાવતાં કહ્યું કે અમને ભણવાની મજા નથી આવતી.

શનલ ફેમિલી હેલ્થ સર્વેના અભ્યાસમાં સ્કૂલ ડ્રોપ-આઉટ્સ સંબંધે જણાવાયું છે કે શહેરી સંસ્કૃતિનાં બૌદ્ધિકો દ્વારા તૈયાર થતાં પુસ્તકો અને તેની ભાષા ગુજરાતનાં ગ્રામીણ બાળકોની સમજમાં આવતી નથી. કરુણતાની ચરમસીમા ત્યારે આવે છે કે ભરૂચ જિલ્લાના કેશવણ ગામની સાર્વજનિક શાળામાં ધોરણ-૧૦ની, ગત સત્રાંત પરીક્ષામાં માત્ર ૧ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવામાં મદદ કરવા છતાં આવું પરિણામ મળવા અંગે શાળાના એક શિક્ષક મિત્રે દિલ ખોલતાં કહ્યું, “સાહેબ ! અમારા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની ભાષા જ પકડાતી નથી !

આથી આજે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને એ જ જિલ્લાનાં ગામડાંઓમાં આવેલ શાળાઓનાં પરિણામોમાં પણ ખાસ્સો ફરક જોવા મળે છે. જેમ કે ધોરણ-૧૦ ની ઓકટોબર ૧૯૯૯ની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં સહુથી નબળું પરિણામ અમરાઈવાડી કેન્દ્રનું રહ્યું. આ કેન્દ્ર ઉપર ૧૦૦એ ૬ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયાં, પરંતુ ખેડા જિલ્લાના પેટલાદ કેન્દ્રમાં સૌથી વધુ ૧૦૦એ ત્રણ વિદ્યાર્થી ઉત્તીર્ણ રહ્યાં. વડોદરા ગ્રામ વિસ્તારના ૩,૧૪૯ પરીક્ષાર્થીઓમાંથી ૧૪૪ સફળ રહ્યાં. સંતરામપુરમાં ૧.૮૯ ટકા અને રાજપીપળા કેન્દ્રમાં ૨.૬૫ ટકા પરિણામ રહ્યું. જ્યારે વડોદરા શહેરના સયાજીગંજ કેન્દ્રમાં ૧૦૦એ ૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયાં તેમ ભરૂચ શહેરમાં પણ ૧૦૦એ ૮. આમ, અહીં ફરી ભાષા અને વિદ્યાર્થીઓની સમજનો સંબંધ સ્પષ્ટ થાય છે.

કોશિયો પણ સમજી શકે તેવું સરળ સાહિત્ય સર્જવા ગાંધીજીએ કહ્યું. તેઓએ કુંભાર, ચમાર, સુથાર, ખેડૂ અને મોચી જે ભાષા વાપરે છે તેવી સરળ ભાષાનો આગ્રહ રાખ્યો. તે પછી સ્વામી આનંદે ભાર દઈને કહ્યું કે, “મારું ચાલે તો ગુજરાતી જોડણીમાંથી બધા વિકલ્પો કાઢી નાખું, જોડણી ઉચ્ચારણો પ્રમાણે રાખું. જોડણીમાંથી બધા વિકલ્પો કાઢી જોડાક્ષરોને સમૂળગા કાપી નાખુ” બોલવા, લખવા, વાંચવા અને છાપવાનું કામ સૌના માટે સાવ સહેલું કરી મૂકું.’’ અહીં લિપિને સરળ અને અનુરૂપ કરવાની વાત છે. પરંતુ કમનસીબે ગુજરાતી સાહિત્ય પરિષદ આજે પણ આગ્રહ રાખે છે કે વિદ્યાર્થી શુદ્ધ ભાષા લખતાં અને સ્પષ્ટ રીતે અભિવ્યકત કરતાં પહેલાં શીખે અને પછી જ બીજા વિષયનું જ્ઞાન મેળવે.

સંસ્કૃત જેવી વિશ્વની શ્રેષ્ઠ ભાષા પણ તેના ૧૯ અઘરાપણાને કારણે મૃત:પ્રાય બની, એ વાતનો ખ્યાલ દલપતરામ સમિતિને ૫૯ થી ૬૮ આસપાસ આવ્યો. પરંતુ ગુજરાતનાં સાહિત્યકારોએ ભાષાના સ્વરૂપ પ્રત્યે મમત પકડી રાખી. આથી આમપ્રજામાં સસ્તાં ફિલ્મ સામયિકો અને ટી.વી.માં વપરાતી મિશ્ર ગુજરાતી ભાષા પ્રચલિત બનતી ચાલી છે. જેને રોગનાં એંધાણ તરીકે મૂલવવી જોઈએ. જે સામે કેટલાંક સંગઠનોએ આલબેલ પણ પોકારી છે. પરંતુ હજુ શિક્ષણનાં સાર્વત્રિક સંદર્ભ તરીકે ભાષાની સરળતા સ્વીકારાઈ નથી. આથી એક જ પ્રકારનાં પાઠ્યપુસ્તકોનો વપરાશ કરતાં ગુજરાતનાં વિભિન્ન પ્રદેશના વિદ્યાર્થીઓને નછૂટકે અભ્યાસ છોડી દેવો પડે છે.

આપણી લોકશાહી સુવર્ણજયંતી ઊજવી ચૂકી છે. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ વાનપ્રસ્થ બન્યો છે. પરંતુ આપણા પાયાના પ્રશ્નો હજુ બાલ્યાવસ્થામાં જ પડ્યા છે અને આજે ૫૦ થી ૬૦ ટકાના દરે બાળકો શિક્ષણ છોડી દે છે, તે જોતાં ૨૦૧૨ની સાલમાં તો વિશ્વનો તમામ બીજો અભણ માણસ કદાચ ભારતીય હશે ! શિક્ષણ પાછળનો પાર વિનાનો ખર્ચ એળે જાય તે પહેલાં જે પાણીએ મગ ચડે તે ઉપાય અજમાવીએ. શિક્ષણના સાધન તરીકે ભાષાને સરળ કરીએ અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ સ્વયં એકસો ડુંગળી જેવું થઈ રહ્યું છે ત્યારે ઈચ્છીએ કે ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડનાં સભ્યો બીજા એકસો કોરડાની શિક્ષા નહીં ફટકારે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top