Columns

કરો આ ત્રણ પ્રોમિસ

એક જીવન જીવવાની રીત શીખવાડતા સેમિનારમાં બહુ સરસ વાત હતી.ત્રણ દિવસના સેમિનારમાં છેલ્લો દિવસ ‘પ્રોમિસ ડે’તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.બધાએ વિચાર્યું આજે પ્રોમિસ ડે છે એટલે જીવનમાં પ્રોમીસનું મહત્ત્વ …એકબીજાને પ્રોમિસ આપવા અને આપેલા પ્રોમીસને કેવી રીતે પાળવા અને પુરા કરવાની વાતો કરવામાં આવશે. સ્પીકર ઊભા થયા અને બધાના માન્ય પ્રમાણે તેમણે પ્રોમિસ એટલે શું?કેવા પ્રોમિસ આપવા? કોને પ્રોમિસ આપવા અને આપેલા પ્રોમિસ પાળવા વગેરેની વાતો કરવાની શરૂઆત કરી. ‘પ્રાણ જાયે પર વચન ન જાયે.’ની રઘુકુલ રીતથી સપ્તપદીનાં વચનોની વાતો થઇ.

આગળ સ્પીકરે કહ્યું, ‘મને ખબર છે કે અહીં હાજર દરેકે પોતાના જીવનમાં ક્યારેક ને કયારેક પ્રોમિસ કોઈકને આપ્યાં હશે.પાળ્યાં પણ હશે અને કદાચ તોડ્યાં પણ હશે.પ્રોમિસ આપો તો પાળવું જ અને નહિ તો પ્રોમિસ આપવું જ નહિ. આ વણલખ્યો નિયમ છે અને હવે હું તમને ત્રણ પ્રોમિસ આપવાનું કહેવાનો છું.જો તમે આ પ્રોમિસ હું કહીશ તેને આપશો તો તમારા જીવનમાં તમે વિચાર્યા નહિ હોય તેવા સારા બદલાવ આવશે.જીવન સુંદરતમ બની જશે.’બધા સ્પીકર આગળ ક્યાં પ્રોમિસ આપવાનું કહેશે અને કોને આપવાનું કહેશે તે જાણવા આતુર બન્યા. સ્પીકર બોલ્યા, ‘તમારે આજે ત્રણ પ્રોમિસ કરવાના છે અને તેને ક્યારેય તોડવાના નથી.ક્યાં પ્રોમિસ કરવાના છે તે કહું તે પહેલાં જાણી લો કે તમારે તે પ્રોમિસ કોને કરવાના છે.’બધાને મનમાં થયું…આ પ્રોમિસ નક્કી માતા -પિતા કે પત્ની કે બાળકો કે ગુરુને કરવાનાં હશે.પણ સ્પીકરે જે કહ્યું તે સાંભળી બધાને આશ્ચર્ય થયું! સ્પીકરે કહ્યું, ‘આ ત્રણ પ્રોમિસ તમારે બીજા કોઈને નહિ, પણ તમારી જાતને પોતાને કરવાના છે અને ક્યારેય તોડવાનાં નથી.ચાલો, પહેલાં એક પેપર પણ ત્રણ પ્રોમિસ લખી લો.

પહેલું પ્રોમિસ- ક્યારેય  ગઈ કાલનો પસ્તાવો નહિ કરું અને આવતી કાલને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહીશ.
બીજું પ્રોમિસ – અન્ય કોઈની ખામીઓ શોધી શોધીને નહિ કાઢું. ઉલટું દરેકમાં કોઈક ખૂબી તો હોય જ. તે ખૂબીને શોધી લઈશ અને મહત્ત્વ આપીશ.
ત્રીજું પ્રોમિસ – માત્ર સપનાંઓ જોઇશ નહિ, પણ સતત તેને પૂરાં કરવા પ્રયાસ કરીશ.સતત કંઇક નવું શીખતો રહીશ. પ્રોમિસ લખાવ્યા બાદ સ્પીકરે બધાને ઊભા થઈને પોતાની છાતી પર હાથ રાખી મોટેથી આ પ્રોમિસ વાંચી જાતને આ ત્રણ પ્રોમિસ આપવા જણાવ્યું. ચાલો, આપણે પણ પોતાને આ ત્રણ પ્રોમિસ આપીએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top