World

“કેટલી વાર સમજાવવું પડશે?” MEAની GenZ સ્ટાઇલમાં ફેક્ટ ચેક, જમ્મુ-કાશ્મીર મુદ્દે ફેક ન્યૂઝને આપ્યો મીમથી જવાબ

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સોશિયલ મીડિયા પર ફેલાતા કથિત ભ્રામક દાવાઓનો જવાબ આપવાની રીતમાં મોટો બદલાવ લાવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઈને સોશિયલ મીડિયા પર ફરી રહેલી ફેક ન્યૂઝ સામે મંત્રાલયે પ્રથમ વખત GenZ સ્ટાઇલમાં મીમનો ઉપયોગ કરીને જવાબ આપ્યો છે. MEAના નવા ફેક્ટ-ચેક ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેની ચર્ચા પણ થઈ રહી છે. વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર ‘MEA Fact Check’ ઇન્સ્ટાગ્રામ પેજ પર લોકપ્રિય એનિમેટેડ શો ‘South Park’ પરથી પ્રેરિત એક મીમ શેર કર્યો. તેમાં લખવામાં આવ્યું હતું, “મારે તમને આ કેટલી વાર સમજાવવું પડશે?” આ મીમ દ્વારા મંત્રાલયે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે વારંવાર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને તેના પર ભારતનું વલણ સ્પષ્ટ અને અપરિવર્તિત છે.

પોસ્ટમાં વિદેશ મંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો, જેમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા વિસ્તારો પણ સામેલ છે, ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. મંત્રાલયનું કહેવું છે કે આ મુદ્દે વારંવાર ભ્રામક દાવાઓ કરવામાં આવે છે, તેથી લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માટે નવી અને અસરકારક ડિજિટલ રીત અપનાવવામાં આવી છે. સરકારી વિભાગ દ્વારા સંવેદનશીલ રાજદ્વારી મુદ્દા પર મીમનો ઉપયોગ કરવો દુર્લભ માનવામાં આવે છે. આ કારણે પોસ્ટ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને અનેક યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી.

ઇન્સ્ટાગ્રામ ઉપરાંત MEAના ફેક્ટ-ચેક હેન્ડલે X (પૂર્વે ટ્વિટર) પર પણ કેટલાક વાયરલ દાવાઓનો જવાબ આપ્યો. એક પોસ્ટમાં જમ્મુ-કાશ્મીરને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર વિવાદિત વિસ્તાર ગણાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે આ દાવાને નકારી કાઢતા જણાવ્યું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, જેમાં પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારો પણ સામેલ છે, ભારતનો અભિન્ન ભાગ છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં યોજાતી ચૂંટણી અંગે પણ સવાલો ઉઠાવ્યા. ભારતનું કહેવું છે કે આવી ચૂંટણી માત્ર ગેરકાયદેસર કબજાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ છે અને તેનાથી કોઈપણ પ્રદેશની કાનૂની સ્થિતિ બદલાતી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન મૂળ મુદ્દાઓથી હટાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

પોસ્ટમાં પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ રાવલકોટ, મીરપુર અને અન્ય વિસ્તારોમાં લોકો લાંબા સમયથી આર્થિક ઉપેક્ષા, મૂળભૂત સુવિધાઓના અભાવ અને વહીવટી દમન સામે વિરોધ કરી રહ્યા છે. ભારતનો દાવો છે કે આ લોકોનો અસંતોષ સ્થાનિક સમસ્યાઓને કારણે છે અને તેને ચૂંટણી દ્વારા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તાજેતરમાં આ વિસ્તારોમાંથી સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી થયાના અહેવાલો પણ સામે આવ્યા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. ભારતનું માનવું છે કે પાકિસ્તાન લોકોના વધતા અસંતોષને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી સામે વધુ સક્રિય અભિગમ અપનાવ્યો છે. હવે માત્ર સત્તાવાર નિવેદન જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો જે ભાષા અને શૈલીમાં વાત કરે છે તે જ રીતે જવાબ આપવાની વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. GenZ સ્ટાઇલના મીમનો ઉપયોગ પણ આ જ બદલાતી ડિજિટલ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ સામે લડવા માટે સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે. ઓછા શબ્દોમાં વધુ અસરકારક સંદેશ પહોંચાડવાના પ્રયાસ તરીકે MEAની આ પોસ્ટને જોવામાં આવી રહી છે. જોકે, જમ્મુ-કાશ્મીર સંબંધિત મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે સંવેદનશીલ હોવાથી, વિવિધ દેશો અને પક્ષો તેના અંગે અલગ-અલગ દૃષ્ટિકોણ પણ રજૂ કરતા રહે છે.

Most Popular

To Top