Columns

અનન્યા પાંડેની વ્હોટ્સ એપ ચેટ કેવી રીતે જાહેર થઈ ગઈ?

બોલિવૂડની કોઠીને જેટલી ધોવામાં આવે છે, તેટલો કાદવ તેમાંથી નીકળ્યા કરે છે. શાહરૂખ ખાનના વંઠી ગયેલા પુત્ર આર્યન ખાનના કેસમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. લેટેસ્ટ વાત ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે બાબતમાં છે. તેણે વ્હોટ્સ એપ પર આર્યન ખાન સાથે જે વાતચીત કરી તેમાં ગાંજાની વાત પણ જાણવા મળી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આર્યન ખાને અનન્યાને પૂછ્યું હતું કે તું મારા માટે ગાંજાની વ્યવસ્થા કરી આપીશ? તેના જવાબમાં અનન્યાએ જણાવ્યું હતું કે, હું કરી આપીશ. આ બાબતમાં અનન્યા ખાનની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે, હું તો જોક કરી રહી હતી. જો કે પોલિસે હવે આર્યન ખાનને ડ્રગ્સ સપ્લાય કરનારા ઇસમની પણ ધરપકડ કરી લીધી છે, માટે અનન્યા પાંડે જોક કરી રહી હતી તે વાત જૂઠી પુરવાર થઈ છે. પોલીસ હવે અનન્યા પાંડેની ધરપકડ પણ કરી શકે છે.

માત્ર ૨૨ વર્ષની અનન્યા પાંડે પાસે ૭૨ કરોડ રૂપિયાની સંપત્તિ છે, તેવું તપાસમાં બહાર આવ્યું છે. માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અનન્યા પાસે આટલી સંપત્તિ કેવી રીતે આવી? તે સંશોધનનો વિષય છે. અનન્યા પાંડેની પહેલી ફિલ્મ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ હતી. આ ફિલ્મ ૨૦૧૯ માં રિલીઝ થઈ હતી. અનન્યાને એક ફિલ્મના બે કરોડ રૂપિયા મળે છે. આ હિસાબે તેને ત્રણ ફિલ્મના ૬ કરોડ રૂપિયા મળ્યા હોવા જોઈએ. ફિલ્મો ઉપરાંત તે જાહેરખબરોમાં પણ કામ કરે છે. અમુક કંપનીઓ તેનો ઉપયોગ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કરે છે. તદુપરાંત સોશ્યલ મીડિયા પણ તેના માટે કમાણીનું સાધન છે. અનન્યા પાંડે મુંબઈમાં પોતાના પિતા ચંકી પાંડે સાથે નથી રહેતી પણ તેણે પોતાનો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે.

તેની પાસે નાની ઉંમરમાં મર્સિડિઝ, ઓડી, બીએમડબલ્યુ, સ્કોડા, રેંજ રોવર અને ફોર્ડ જેવી કારોનો કાફલો છે. આટલી નાની ઉંમરમાં આટલી સંપત્તિ ડ્રગ્સના કારોબારમાંથી ઉપાર્જીત કરવામાં આવી હોય તેવી સંભાવના પણ રહે છે. હવે આપણે વાત કરીએ આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વ્હોટ્સ એપ ચેટ કેવી રીતે લિક થઈ ગઈ તેની. વ્હોટ્સ એપનો દાવો છે કે તેના માધ્યમથી મોકલવામાં આવેલા તમામ સંદેશાઓ સાંકેતિક ભાષામાં રૂપાંતરિત કરવામાં આવ્યા હોવાથી તેને હેક કરીને કોઈ વાંચી શકતું નથી. બીજા લોકો તો ઠીક, ખુદ વ્હોટ્સ એપના કર્મચારીઓ પણ ચાહે તો તેને વાંચી શકતા નથી. તેને કારણે લોકો વ્હોટ્સ એપ પર ભરોસો રાખે છે કે તેમના અંગત સંદેશા કોઈ વાંચી નહીં શકે. જો આ ભરોસાનો ભંગ થતો હોય તો લોકો તેનો ઉપયોગ કરતાં બંધ થાય અને વ્હોટ્સ એપનો ધંધો પડી ભાંગે. જો આ હકીકત સાચી હોય તો આર્યન અને અનન્યા વચ્ચેની વાતચીત કેવી રીતે લિક થઈ ગઈ ?

વ્હોટ્સ એપ જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે મુજબ તેના માધ્યમથી મોકલવામાં આવતા સંદેશા મોકલનાર અને પ્રાપ્ત કરનાર સિવાય કોઈ જોઈ શકતું નથી. પોલીસ દ્વારા આ સંદેશા હેક કરીને મેળવવામાં નથી આવતા, પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. આ કેસમાં પોલીસ દ્વારા આર્યન ખાનનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના સંદેશા ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે મોબાઇલને અનલોક કરવા માટેનો પાસવર્ડ પણ મેળવી લીધો હોવો જોઈએ. એક વખત મોબાઇલ અને પાસવર્ડ હાથમાં આવી જાય તે પછી તેમાં વ્હોટ્સ એપ ખોલીને સંદેશાઓ જોઈ શકાય છે. કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવે તે પછી તેનો મોબાઇલ ફોન જપ્ત કરીને તેના સંદેશા વાંચવાની સત્તા પોલીસને ક્યા કાયદા હેઠળ મળે છે? આ બાબતમાં ભારતમાં કોઈ કાયદો નથી. પોલીસ મોબાઇલ ફોન આંચકી લે છે અને સંદેશાઓ વાંચી લેવામાં આવે છે. અમેરિકામાં તો મોબાઇલ જપ્ત કરવા માટે પણ પોલીસ પાસે વોરન્ટ હોવું જોઈએ.

જો આરોપી ચૂપચાપ પોતાનો મોબાઇલ ફોન અને પાસવર્ડ પોલીસના હવાલે કરી દે તો તેના તમામ સંદેશા વાંચી શકાય છે, પણ આરોપી દ્વારા પાસવર્ડ આપવાનો ઇનકાર કરવામાં આવે કે તેણે સંદેશા ડિલિટ કર્યા હોય તો પોલીસ કેવી રીતે તે વાંચી શકે? તેના પણ ઉપાયો છે. પોલીસને ખબર હોય છે કે વ્હોટ્સ એપ દ્વારા જે સંદેશા મોકલવામાં આવ્યા હોય તેનું બેકઅપ ગૂગલ ડ્રાઇવ ઉપર કે આઇ ક્લાઉડ પર લેવામાં આવતું હોય છે. સંદેશા સાંકેતિક ભાષામાં હોય છે, પણ બેકઅપ સાંકેતિક ભાષામાં હોતું નથી. તેને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાંચી શકાય છે. જો કોઈ મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવી જાય તો તેનો ડેટા ક્લોન કરીને કોમ્પ્યુટરમાં લઈ લેવામાં આવે છે. આ ડેટા વાંચી શકાય છે. હવે વ્હોટ્સ એપે બેકઅપનું પણ એન્ક્રિપ્શન કરવાનું શરૂ કર્યું છે.

કેટલાંક સપ્તાહ પહેલાં વ્હોટ્સ એપ દ્વારા ચેટના બેકઅપનું એન્ક્રિપ્શન કરવામાં આવતું નહોતું. હવે પણ જો વપરાશકાર દ્વારા વ્હોટ્સ એપને સૂચના આપવામાં આવે તો જ તેના સંદેશાના બેકઅપનું રૂપાંતર સાંકેતિક ભાષામાં કરવામાં આવે છે. અન્યથા તેનો સંગ્રહ જેમનો તેમ જ કરવામાં આવે છે. જો પોલીસ દ્વારા વ્હોટ્સ એપનો સંપર્ક કરવામાં આવે તો પણ તે સંદેશા વાંચવા આપી શકતું નથી, પણ ખાતાં વિશેની બીજી માહિતી આપી શકે છે.

તેમાં પ્રોફાઇલ ફોટો, ગ્રુપોની માહિતી, એડ્રેસ બુક વગેરે હોય છે. આ માટે પણ વ્હોટ્સ એપને વિનંતી કરવામાં આવે છે. તેનો અભ્યાસ કરીને ગ્રાહકની અંગત માહિતી સુપરત કરવી કે કેમ? તેનો નિર્ણય કરવામાં આવે છે. તેમ છતાં વ્હોટ્સ એપની પ્રાઇવસી પોલીસીમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે વ્હોટ્સ એપ તેના ગ્રાહકની ખાનગી માહિતી પણ કાયદાનો અમલ કરનારી યંત્રણાને આપી શકે છે. તેનું કારણ છે કે ભારતમાં આ બાબતમાં કોઈ કાયદા નથી. આરોપી ગભરાઈ ગયો હોય છે, માટે તે પોતાનો ફોન પોલીસને હવાલે કરી દે છે. જો તે કાનૂની સવાલ ઉઠાવે તો પોલીસ તેનો જવાબ આપી શકે તેમ હોતી નથી.

સ્ટાર સંતાનોની વાત પર પાછા ફરીએ તો તેમના માબાપે ફિલ્મ ઉદ્યોગમાં સફળ થવા કે રૂપિયા કમાવા જેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેટલો સંઘર્ષ તેમને કરવો પડતો નથી. તેઓ તો જન્મથી જ લોકપ્રિય હોય છે. મીડિયા તેમની પાછળ પાગલ હોય છે. તેમને જે ચીજ જોઈએ તે સહેલાઈથી મળી જતી હોય છે. વળી તેમની દોસ્તી પણ સ્ટાર પુત્ર કે પુત્રી સાથે થતી હોય છે. તેઓ કોઈ જુદી જ દુનિયામાં જીવતાં હોય છે. થોડા સમય પહેલાં પોર્નસાઇટો પર એક વીડિયો લિક થયો હતો, જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની દોહિત્રી સેક્સ કરતાં નજરે પડ્યા હતા. તેને રદિયો આપવામાં આવ્યો હતો કે પોર્ન ફિલ્મમાં બીજું કોઈક છે. પણ તે ફિલ્મ જોનારાઓ કહે છે કે તે આર્યન ખાન જ હતો.

શાહરૂખે એક મુલાકાતમાં કહ્યું હતું કે તે પોતે જિંદગીમાં જેટલાં પાપો નહોતો કરી શક્યો તે તેનો પુત્ર કરે તેવું તે ઇચ્છે છે. તેમાં સેક્સ, ડ્રગ્સ અને સ્મોકિંગનો પણ સમાવેશ થઈ જતો હતો. જ્યારે સ્ટાર નબીરાઓનાં માબાપો આવું ચાહતાં હોય ત્યારે તેમને કોઈ દુશ્મનની જરૂર નથી. આ બધાં પરાક્રમો છાપાંમાં વાંચ્યા પછી પણ કોઈ માબાપો પોતાના પુત્રને કે પુત્રીને ફિલ્મસ્ટાર બનાવવા માગતા હોય તો તેઓ પોતાનાં સંતાનોના હિતશત્રુ છે. જો માબાપો પોતાનાં સંતાનોનું કલ્યાણ ચાહતાં હોય તો તેમણે તેમને ફિલ્મો દેખાડવાનું બંધ કરવું જોઈએ. બાળકોના આદર્શો ફિલ્મસ્ટારો ન હોવા જોઈએ પણ દેશના સજ્જન લોકો હોવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top