Business

સરકારી યોજના, NRIઓના વતન પ્રેમ અને ગ્રામજનોની મહેનતથી આગેકૂચ કરી રહેલું બારડોલી તાલુકાનું ગામ તરભોણ

બારડોલી-નવસારી મુખ્ય ધોરી માર્ગ પર પારડીવાઘા નોગામાથી 2 કિમી અંદર વસેલું બારડોલીનું તરભોણ ગામ સરકારી યોજનાઓ અને NRI તેમજ ગ્રામજનોની મદદથી વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે. ગામની નવી બનેલી મંડળીના ભવનમાં બેસી ગામના વડીલ અને નિવૃત્ત આચાર્ય ભાસ્કરભાઈ નાયક ગામના ઇતિહાસ વિષે માંડીને વાતો કરતાં જણાવે છે કે, ‘તરભાણું’ (પૂજા કરવાનું ચાંદી કે તાંબાની નાની થાળી) પરથી અપભ્રંશ થઈને ગામનું નામ ‘તરભોણ’ પડ્યું હોવાની લોકવાયકા પ્રવર્તે છે. જો કે આ બાબતે ચોક્કસ કહી શકાય એમ નથી. તેઓ એવો દાવો પણ કરે છે કે, નજીકમાં આવેલા વડોલી અને સરભોણ ગામ કરતાં પણ તરભોણ ગામ પહેલા વસ્યું હતું.

17મી સદીમાં શિવાજી જ્યારે સુરત પર ચઢાઈ કરતાં ત્યારે અહીં તેમનો છેલ્લો મુકામ રહેતો હતો. તરભોણ ગામથી એકાદ કિમીના અંતરે આવેલ એક ઊંચી ટેકરી વાળો વિસ્તાર જેને લોકો ડુંગરી તરીકે ઓળખે છે તે વિસ્તારમાં શિવાજીનું ભોંયરું હોવાની માન્યતા છે. જો કે, તે હજી સુધી મળી શક્યું નથી. હાલ તો આ ડુંગરી વિસ્તારમાં મોટા પાયે ખોદકામ કરી દેવામાં આવતાં તેની ઊંચાઈ ખાસ્સી એવી ઘટી ગઈ છે. ગામમાં અનાવિલ બ્રાહ્મણો પણ શિવાજીના સૈન્ય સાથે જ આવ્યા હોવાની માન્યતા છે. તેઓ શિવાજીના સૈન્યમાં નાયક તરીકે ભરતી થયા હતા. મહારાષ્ટ્ર તરફથી આવીને બાપદાદા તરભોણમાં વસ્યા હતા એવી લોકવાયકા પ્રવર્તે છે.

આ ઉપરાંત ધીમે ધીમે પ્રભાસપાટણ તરફથી પાટીદારોનું આગમન થયું હોવાનું અનુમાન છે. આજે ગામમાં હળપતિ સમાજની વસતી બહુમતી છે. મુખ્યત્વે ખેતમજૂરી સાથે જોડાયેલો આ સમાજ ધીમે ધીમે પશુપાલન વ્યવસાય તરફ વળી રહ્યો છે. આ ઉપરાંત ગામમાં રાજપૂત, આહીર, માહ્યાવંશી, મૈસુરિયા, લુહાર, દરજી, ગઢવી(ચારણ), કોળી પટેલ સહિતની વસ્તી હળીમળીને રહેતી આવી છે. આ ઉપરાંત પારસી સમાજ અને કેટલાક પરિવારો રાજસ્થાનથી આવી અહીં ધંધો-વ્યવસાય કરે છે. ગામને પારડીવાઘા, ખરડ, છીત્રા, અમરોલી, ભૂવાસણ અને વડોલીની સરહદ સ્પર્શે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

ખાસ કરીને પાટીદાર, આહીર અને અનાવિલ સમાજ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. જ્યારે આહીર અને આદિવાસી સમાજ પશુપાલન વ્યવસાય કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. મહુવા, બારડોલી, ગણદેવી અને ચલથાણ સુગર ફેક્ટરી નજીક પડતી હોવાથી મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતી કરતા આવ્યા છે. આ ઉપરાંત ડાંગર અને શાકભાજીની ખેતી પર પણ ખેડૂતો હાથ અજમાવી રહ્યા છે. નવસારી નજીક પડતું હોવાથી અહીં આવેલી રાઈસ મિલોમાં ડાંગર મોકલવું સરળ હોવાથી ખેડૂતો પૂરક પાક તરીકે ડાંગરની ખેતીને અપનાવે છે.

ગામમાં આવેલાં મંદિરો આસ્થાનાં પ્રતીક

તરભોણ ગામના ડુંગરી વિસ્તારમાં આવેલું કષ્ટભંજન હનુમાનજી મંદિર તરભોણ જ નહીં, પરંતુ આજુબાજુના ગામના લોકો માટે પણ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. મંદિર વિષે વાત કરતાં ગામના અગ્રણી અને માજી ઉપસરપંચ પરેશભાઈ નાયક જણાવે છે કે, શ્રીરામચંદ્ર મહારાજ મંદિર ટ્રસ્ટ સંચાલિત આ પૌરાણિક મંદિર 400થી 500 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. સુરતની નરવણે ગાદી સાથે આ મંદિર જોડાયેલું છે. વર્ષો પહેલા અહીં ઋષિઓ હાથી ઘોડાનો કાફલો લઈને આવતા હોવાનું પણ વડીલો પાસે સાંભળવા મળે છે. હાલ અહીં નવું મંદિર બનાવી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જો કે, પુરાણા મંદિરને જેમનું તેમ રહેવા દેવામાં આવ્યું છે. શનિવાર અને મંગળવારના રોજ અહીં હનુમાન ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. આ ઉપરાંત ગામમાં આવેલું રામજી મંદિર, સાંઈ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, નવદુર્ગા મંદિર પ્રાથમિક શાળાની બાજુમાં એક જ પરિસરમાં આવેલાં છે. તળાવ કિનારે ભવાની માતાનું મંદિર અને માહ્યાવંશી મહોલ્લામાં પ્રાચીન જળદેવી મંદિર આવેલું છે. પાણીની તંગી અનુભવતા લોકો અહીં બાધા માનતા રાખે છે અને તેમની માનતા પૂરી થતી હોવાનું સ્થાનિકોનું માનવું છે.

ગામમાં 40થી 50 વીઘાં ગોચર જમીન

હાલ અનેક ગામોમાં ગોચરની જમીન શોધતા જડતી નથી. ત્યારે તરભોણ ગામ પાસે 40થી 50 વીઘાં ગોચરની જમીન આવેલી છે. આ જમીનમાં હાલ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નર્સરી બનાવવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષારોપણ માટે પહોંચાડવામાં આવે છે.

ગામમાં લાલ માટીને કારણે પાણીની સમસ્યા

તરભોણ ગામની માટી લાલ રંગની હોવાથી પેટાળમાં પાણી ઓછું હોવાથી ગ્રામજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડુંગરી વિસ્તારને કારણે સમગ્ર તરભોણ ગામમાં પાણીની અછત વર્તાય છે. અનેક જગ્યાએ બોરવેલ ખોદવા છતાં મીઠું પાણી મળવું મુશ્કેલ છે. જો કે, હાલ સ્થિતિમાં થોડો સુધારો થતાં ગામમાં તમામ લોકોને નળથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અલગ અલગ વિસ્તારમાં પાણીની ટાંકી અને બોરવેલ કરી લોકોને શુદ્ધ પાણી મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર પણ મદદરૂપ થાય તે માટે ગ્રામજનો આશા રાખી રહ્યા છે. નજીકના છીત્રા ગામથી જ પુર્ણા નદી પસાર થાય છે અને તેના પર હાલમાં જ ચેકડેમ બનાવવામાં આવ્યો છે. ત્યારે ખાસ પાણી પુરવઠા યોજના દ્વારા ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવે તેવી અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે.

અંગ્રેજોની ભીંસ વધતી તો ગ્રામજનો અમરોલી જતા રહેતા

તરભોણ ગામ આઝાદી પૂર્વે અંગ્રેજોના શાસનમાં આવતું હતું. જ્યારે પાડોશી મહુવા તાલુકાના અમરોલી ગામ ગાયકવાડી સ્ટેટ હેઠળ આવતું હતું. જ્યારે પણ તરભોણ ગામમાં અંગ્રેજોની ભીંસ વધતી ત્યારે ગામના લોકો પાડોશી અમરોલી ગામમાં જઈને છુપાઈ જતાં હતા. બારડોલી સત્યાગ્રહ સમયે વધારવામાં આવેલા કરવેરાને કારણે અંગ્રેજોએ વારંવાર અહીં આવી ગ્રામજનોને હેરાન કરતા હતા. આથી અમરોલી ગામ અહીંના લોકોનું આશ્રય સ્થાન બનતું હતું.

ગામને જોડતો એપ્રોચ રોડ પહોળો કરવો જરૂરી

બારડોલી–નવસારી રોડ પર તરભોણના પાટિયાથી તરભોણ ગામને જોડતો એપ્રોચ રોડ ખૂબ જ સાંકળો હોય વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને આ રોડનો ઉપયોગ ખેતીકામ માટે શેરડીની ટ્રકો, ટ્રેક્ટર જેવાં મોટાં વાહનોની અવરજવર રહેતી હોય છે. આથી આ રોડ પહોળો કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

મોબાઇલ નેટવર્કની મોટી સમસ્યા

તરભોણ ગામમાં મોબાઇલ નેટવર્કની મોટી સમસ્યા રહેલી છે. એ ખાનગી કંપની દ્વારા નાનો ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે. પણ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ પૂરવાર થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ ચાલતા હતા. પરંતુ નેટવર્કના અભાવે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી ગયા હતા. ફોન પર વાતચીત કરવામાં પણ સમસ્યા આવી રહી હોવાથી ગ્રામજનો મોબાઇલ નેટવર્કની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

શિક્ષણનું સિંચન કરતી સવાસો વર્ષ જૂની પ્રાથમિક શાળા

તરભોણ ગામમાં આવેલી પ્રાથમિક શાળા આજે સવાસો વર્ષની થવા જઈ રહી છે. વર્ષ-1897માં ગામના જ પાટીદાર લાલાભાઈ ઉકાભાઈ પટેલે આ શાળાની સ્થાપના કરી હતી અને તેઓ જ ગામના પહેલા આચાર્ય પણ રહ્યા હતા. તેમના વંશજ અને ગામના આગેવાન આતિશ બીપીન પટેલ જણાવે છે, અમારા પરદાદા જે શાળાની સ્થાપના કરી ગયા હતા તે જ શાળામાં અમે અભ્યાસ કર્યો તેનો અમને ગર્વ છે. સવાસો વર્ષ પહેલાં ગામને શિક્ષિત બનાવવાની તેમની દીર્ઘદૃષ્ટિ આજે અમારા ગામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે આ શાળા સરકારહસ્તક છે, જેમાં ગરીબ આદિવાસી સમાજના બાળકો ભણીને આગળ વધી રહ્યાં છે. 1997માં શાળામાં રંગેચંગે 100 વર્ષની ઉજાણવી કરી હતી. તેઓ વધુમાં જણાવે છે કે, હવે સવાસો વર્ષે ભલે તેનું મકાન બદલાયું હોય પણ આજે પણ શાળા જાણે અમારા ગામના વડીલની ગરજ સારી રહી હોય તેમ અમને હંમેશાં માર્ગદર્શન આપતી અડીખમ ઊભી છે. જે ગામ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. અહીં આજે ધોરણ-1થી 8 સુધીનાં બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યાં છે. એટલું જ નહીં શાળાથી દૂર વસતાં બાળકો શિક્ષાથી વંચિત ન રહી જાય એ માટે સાતડિયા ફળિયામાં વધુ વર્ગ શાળા પણ ચાલી રહી છે.

ગામમાં બસ સ્ટેન્ડની આવશ્યકતા

તરભોણ ગામ બારડોલી નવસારી મુખ્ય રોડથી બે કિમી અંદર આવેલું છે. ગામમાં આવવા જવા માટે પહેલા બસની સારી એવી સુવિધા હતી. પરંતુ ધીમે ધીમે બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. હવે માત્ર શાળાના વિદ્યાર્થીઓએ માટે છીત્રા ગામ સુધીની સવાર-સાંજ બસો દોડાવવામાં આવે છે. ગામમાં બસની રાહ જોઈને ઊભા રહેતા વિદ્યાર્થીઓ કે અન્ય મુસાફરો માટે બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ ન હોય લોકોએ ટાઢ, તડકા અને વરસાદમાં ઊભા રહેવાની ફરજ પડે છે. ત્યારે સરકાર દ્વારા એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. બસ સ્ટેન્ડ અંગે વર્ષોથી અનેક રજૂઆત કરી છે. છતાં કોઈ ધ્યાન આપતું ન હોવાથી ગ્રામજનોએ હારી થાકીને રજૂઆત કરવાનું બંધ કરી દીધું છે.

ગામના યુવાનો સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર

તરભોણ ગામના યુવક મંડળ દ્વારા વારે તહેવારે વિવિધ કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત ક્રિકેટ, વોલીબોલ જેવી રમતોનું પણ આયોજન કરાય છે. તહેવારોના સમયે બ્લડ ડોનેશન કેમ્પ, નેત્રયજ્ઞ, મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા કેમ્પનું આયોજન કરી ગરીબ અને જરૂરિયાતમંદને મદદરૂપ થઈ રહ્યા છે. તાજેતરમાં જ ગામના યુવક મંડળ દ્વારા નવસારીની બ્લડબેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું. જેમાં 49 બોટલ જેટલું રક્ત એકત્રિત કર્યું હતું.

ગામમાં સહકારી મંડળીની શરૂઆત

તરભોણ ગામ હવે સહકારિતાની ભાવના સાથે પણ આગળ વધી રહ્યું છે. મહિલા દૂધમંડળીની સ્થાપના બાદ ગામના યુવાનોએ આજુબાજુના ગામના લોકો સાથે ભેગા મળી આ જ વર્ષે ગામમાં તરભોણ છિત્રા વિભાગ સેવા સહકારી મંડળીની સ્થાપના કરી છે. અગાઉ ગામમાં તરભોણ વિભાગ સેવા સહકારી મંડળી કાર્યરત હતી. જે કોઈક કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને ફરીથી જીવંત કરવાની તક ગામના નવયુવાનોએ ઝીલી લીધી અને આજે તમામ સભાસદોના સહકારથી ગામમાં નવી મંડળી ઊભી થઈ છે. મંડળીના પ્રમુખ તરીકે હાલ નિતેશભાઇ નાયક સેવા આપી રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રદીપસિંહ બારડ અને મેનેજર તરીકે હિરેન પટેલ સેવા આપી રહ્યા છે. આ મંડળી હાલ તો ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે એ માટે કાર્ય કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં ગ્રાહક ભંડાર સહિતની સેવા પણ શરૂ કરવાની વિચારણા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. હાલ મંડળીમાં સાત ગામો જેમાં તરભોણ ઉપરાંત ખરડ, છિત્રા, નોગામા, પારડીવાઘા, કૂવાડિયા અને વાઘેચનો સમાવેશ થાય છે અને તેમાં 200 જેટલા સભાસદ થયા હોવાનું મેનેજર હિરેન પટેલે જણાવ્યું હતું.

શાળા શરૂ કરવામાં નરસિંહભાઈ પટેલનો મહત્ત્વનો ફાળો

ગામના વડીલોને શિક્ષણની ધૂણી ધખાવવાની જાણે લત લાગી ગઈ હોય તેમ વધુ એક વડીલ આઝાદી પછી તરત જ વર્ષ-1955ની આસપાસ ગામમાં હાઈસ્કૂલ શરૂ થાય એ માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, નજીકના સરભોણ ગામમાં આવેલ એન.બી.પટેલ સરભોણ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલનો પાયો નાંખવામાં પણ તરભોણના નરસિંહભાઈ ભૂલાભાઈ પટેલનો જ મહત્ત્વનો ફાળો રહેલો છે. તેમણે આપેલા માતબર દાનને કારણે જ આજે સ્કૂલ તેમના નામથી ચાલી રહી છે.

વારંવાર પૂર આવતાં પાડોશી ગામના પરિવારો તરભોણમાં વસ્યા

તરભોણ ગામની પાડોશમાં આવેલા છીત્રા અને ખરડ ગામ પુર્ણા નદીના કિનારે આવેલાં હોવાથી અહીં ચોમાસામાં વારંવાર પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. વર્ષો અગાઉ આવેલા પૂરમાં ભારે ખાનાખરાબી થયા બાદ છીત્રા અને ખરડ ગામમાં કેટલાક પરિવારોએ તરભોણ ગામની સીમમાં આવીને વસવાટ કર્યો હતો. જેને આજે ખરડ છીત્રા કોલોની તરીકે ઓળખવામાં આવે છે.

Most Popular

To Top