Columns

૪૦,૦૦૦ કરોડમાં ઉઠમણું કરીને પણ અનિલ અંબાણી કેવી રીતે જલસા કરી શકે છે?

એક સમય એવો હતો કે જ્યારે કોઈ ખાનદાન વેપારીને જો ઉઠમણું કરવું પડે તો તે લોકોને પોતાનું મોંઢું બતાડી શકતો નહીં અને ક્યારેક ઝેર ખાઇને મરી પણ જતો હતો. હવે અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ ગામને અબજો રૂપિયામાં નવડાવ્યા પછી પણ પ્રાઈવેટ જેટમાં ઊડી શકે છે અને આલિશાન હવેલીમાં રહી શકે છે. તેના માટે જવાબદાર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) નામની સંસ્થા છે, જે દેવાળું કાઢનારા ઉદ્યોગપતિઓને પણ જલસા કરવાની સગવડ કરી આપે છે.

દેવાળું કાઢનારી કોઈ પણ કંપની આ ટ્રિબ્યુનલને શરણે જાય એટલે તેના કોઈ લેણદારો તેની સામે કોર્ટમાં કેસ કરી શકતા નથી અને તેની સંપત્તિને ટાંચમાં પણ લઈ શકતા નથી. જે કાંઈ કરવાનું હોય તે એનસીએલટી કરે છે. હકીકતમાં તે કાંઈ કરતી નથી. તેમાં વર્ષોનાં વર્ષો સુધી દેવાળું કાઢનારી કંપનીનો કેસ ચાલ્યા કરે છે. તે દરમિયાન કંપનીના પ્રમોટરો ગામના પૈસે જલસા કર્યા કરે છે. વર્ષો પછી જ્યારે ચુકાદો આવે ત્યારે દેવાળું કાઢનારી કંપનીના લેણદારોના હાથમાં માંડ બે-પાંચ ટકા રકમ આવે છે. બાકીની રકમ માલિકોની શેલ કંપનીઓ હજમ કરી ગઈ હોય છે.

અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ કંપનીએ દેવાળું કાઢ્યું ત્યારે તેને નાણાં ધીરનારી બેન્કોના અને કંપનીઓના ૭૫,૮૦૦ કરોડ રૂપિયા તેમાં ડૂબી ગયા હતા. ચીનની ત્રણ બેન્કોએ રિલાયન્સ કંપનીને ૭૦ કરોડ ડોલર ધીર્યા હતા, જેની સામે અનિલ અંબાણીની પર્સનલ ગેરન્ટી હતી. ચીનની બેન્કોએ લંડનની કોર્ટમાં કેસ કર્યો હતો, જેને પગલે અનિલ અંબાણીને તે રકમ ચૂકવવાની ફરજ પડી હતી, પણ ભારતીય લેણદારોનાં નાણાં ડૂબી ગયા હતા. ત્યાર બાદ અનિલ અંબાણી જૂથની બીજી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પણ ફડચામાં ગઈ હતી. તેના લેણદારોની ૮૦ થી ૯૦ ટકા રકમની હજામત થઈ ગઈ હતી. હવે રિલાયન્સ કેપિટલ કંપની ફડચામાં ગઈ છે, જેમાં લેણદારોના આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા સલવાઈ ગયા છે.

ભારતના ટોચના ધનકુબેરોમાં જેમની ગણતરી થતી હતી તે અનિલ અંબાણી ૨૦૧૮ ની સાલથી રિલાયન્સ કેપિટલ કંપનીને ફડચામાં લઈ જવાની કેવી રીતે તૈયારી કરતા હતા? તેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ૨૦૧૮ ના ડિસેમ્બરમાં અનિલ અંબાણી અને તેમનો પરિવાર આ કંપનીના ૫૨ ટકા શેરો ધરાવતો હતો. તેમનો ઇરાદો કંપનીને ફડચામાં લઇ જવાનો હોવાથી તેમણે પોતાના શેરો વેચવા કાઢ્યા હતા. જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ન્યાયે બેવકૂફ રોકાણકારો તેના શેરો ખરીદતા રહ્યા હતા. ૨૦૨૦ ના માર્ચ સુધીમાં તો અનિલ અંબાણી પાસે ડૂબી રહેલી કંપનીના માત્ર બે ટકા શેરો જ રહી ગયા હતા.

બાકીના બધા તેમણે ફૂંકીને પોતાની મૂડી સલામત કરી લીધી હતી. આજની તારીખમાં અનિલ અંબાણી પાસે રિલાયન્સ કેપિટલના માત્ર ૧.૫૧ ટકા જ શેરો છે. બાકીના શેરો પબ્લિક પાસે છે. ભારત સરકારની માલિકીની કંપની એલઆઈસીના હાથમાં રિલાયન્સ કેપિટલના ૨.૯૮ ટકા શેરો રહી ગયા છે. રિલાયન્સ કેપિટલ કંપની કાચી પડી રહી છે, તેની જાણ ભારતના રોકાણકારોને કરવામાં નહોતી આવી, પણ તેમાં નાણાં રોકનારી વિદેશી નાણાં કંપનીઓને તેની ગંધ આવી ગઈ હતી. તેમણે ૨૦૧૯ ના જૂનથી તેમાંથી નાણાં પાછા ખેંચવાની શરૂઆત કરી દીધી હતી.

૩૦ જૂન ૨૦૧૯ માં તેમની પાસે ૨૨.૭૪ ટકા શેરો હતા, જે ૨૦૨૧ ના સપ્ટેમ્બરમાં ઘટીને ૦.૪૩ ટકા રહી ગયા હતા. આજની તારીખમાં રિલાયન્સ કેપિટલના ૫૭ ટકા શેરો નાના રોકાણકારોના હાથમાં છે, જેમણે આ કંપનીમાં બે લાખ રૂપિયા કે તેથી પણ ઓછું રોકાણ કર્યું છે. આ નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કંપનીમાં ડૂબી જવાના છે. અહીં સવાલ એ થાય છે કે જ્યારે ખુદ અનિલ અંબાણી અને વિદેશી રોકાણકારો આ કંપનીમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા હતા ત્યારે એલઆઈસી કંપનીના સંચાલકો શું ઊંઘી ગયા હતા? કે તેઓ ફૂટી ગયા હતા?

આજની તારીખમાં કાગળ પર રિલાયન્સ કેપિટલની કુલ મિલકતો ૯ અબજ ડોલર (આશરે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા) છે અને તેનું દેવું ૨.૯ અબજ ડોલર (આશરે ૨૩,૦૦૦ કરોડ રૂપિયા) છે; તે જોતાં દરેક લેણદારને તેની રકમ પાછી મળવી જોઈએ, પણ તે ભ્રામક હિસાબ છે. કંપનીઓ દ્વારા કાગળ પર જેટલી કિંમત દેખાડાતી હોય છે, તેટલી કિંમત હકીકતમાં હોતી નથી. તેને બજારમાં વેચવા જતાં રૂપિયાના બે આના થઈ જાય છે. વળી તેમાં દાયકાઓ વીતી જતા હોય છે. આ સંયોગોમાં લેણદારોના હાથમાં દાયકાઓ પછી દસ ટકા રકમ આવે તો પણ તેમનું નસીબ સમજવું.

ચીનની બેન્કોના વકીલના  કહેવા મુજબ અનિલ અંબાણી જે લક્ઝરી યોટની માલિકી ધરાવે છે, તેની કિંમત જ ૪૦૦ કરોડ રૂપિયા જેટલી છે. તેમની પાસે જે કારોનો કાફલો છે, તેની કિંમત ૨૧ કરોડ રૂપિયા જેટલી છે. લંડનની કોર્ટમાં કેસ લડવા માટે અનિલ અંબાણી દ્વારા જે વકીલો રાખવામાં આવ્યા છે, તેમને ફી તરીકે પાંચ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જો અનિલ અંબાણી નિર્ધન થઈ ગયા હોય તો આટલા રૂપિયા ક્યાંથી આવે છે? તેવો સવાલ ચીનની બેન્કોના વકીલે પૂછ્યો હતો. લંડનની કોર્ટના જજે પણ કહ્યું હતું કે, અનિલ અંબાણી નિર્ધન હોય તેવું તેઓ માનવા તૈયાર નથી.

અનિલ અંબાણી અબજોપતિમાંથી દેવાદાર કેવી રીતે બની ગયા તે તેમની નિષ્ફળતાની કહાણીમાંથી પણ ઘણું શીખવા મળે તેવું છે. ૨૦૦૮ માં ફોર્બ્સના ધનકુબેરોની યાદી બહાર પડી તેમાં અનિલ અંબાણી પાસે ૪૨ અબજ ડોલરની સંપત્તિ હોવાનો હેવાલ આપવામાં આવ્યો હતો. મોટા ભાગની સંપત્તિ કંપનીઓના શેરોના રૂપમાં હતી, જેનું સંચાલન અનિલ અંબાણી કરતા હતા. ૨૦૧૧ માં ૨જી કૌભાંડ બહાર આવ્યું, જેમાં અનિલ અંબાણીની કંપનીની સંડોવણી પણ બહાર આવી હતી. તેમની કંપનીના શેરોના ભાવ ગગડી જતાં તેમની સંપત્તિ ઘટીને ૮.૮ અબજ ડોલર પર આવી ગઈ હતી. ત્યાર બાદ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર ખોટ કરવા માંડી, જેને કારણે ૨૦૧૩ માં તેમની કુલ સંપત્તિ ૩.૬ અબજ ડોલર ઘટીને ૫.૨ અબજ ડોલર પર આવી ગઈ હતી.

૨૦૧૬ માં ફોર્બ્સ મેગેઝિનની યાદી બહાર પડી તેમાં અનિલ અંબાણીની સંપત્તિ ૨.૫ અબજ ડોલર હોવાનું કહેવામાં આવ્યું હતું. રિલાયન્સ પાવરના અનેક થર્મલ પાવરના પ્રોજેક્ટો ખોરવાઈ ગયા હતા. તેને પોતાની મિલકતો વેચવાની ફરજ પડી હતી. ટેલિકોમ બિઝનેસમાં વધી રહેલી હરીફાઈને કારણે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપનીની ખોટ વધી રહી હતી. રિલાયન્સ મોબાઈલના ગ્રાહકો અન્ય કંપનીઓ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ૨૦૧૯ માં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપની નાદાર બની ગઈ હતી.

ભારતની કોર્ટે અનિલ અંબાણીને કહ્યું હતું કે જો તેઓ દેવું નહીં ચૂકવી શકે તો તેમણે જેલમાં જવું પડશે. મોટા ભાઇ મુકેશ અંબાણીએ તાત્કાલિક ૪૫૦ કરોડ રૂપિયા ચૂકવીને નાના ભાઈને જેલમાં જતો બચાવી લીધો હતો. આ ૪૫૦ કરોડ સામે મુકેશ અંબાણીની જિયો કંપનીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની કેટલીક મિલકતો ખરીદી લીધી હતી. ગયા વર્ષે અનિલ અંબાણીએ જાહેર કર્યું હતું કે તેમની પાસે હવે ૫૦ કરોડ ડોલરની જ સંપત્તિ છે. જો કે ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં તો હજુ તેમની સંપત્તિ ૧.૭ અબજ ડોલરની હોવાનું કહેવામાં આવે છે.        
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top