Comments

શૈક્ષણીક સંશોધનોને ગુણવત્તાલક્ષી કેવી રીતે બનાવી શકાય?

વેકેશનમાં દેશ-વિદેશના શિક્ષણક્ષેત્રે થતા શોધ-સંશોધનની માહિતી મેળવવામાં સમય આપવા જેવું છે. હમણાં એક વિશિષ્ટ સંશોધન ધ્યાનમાં આવ્યું. ‘નવલકથાઓમાં નાયકનું યાત્રાલેખન’- બિલકુલ વસ્તુલક્ષી સંશોધન મેડીકલ સાયન્સમાં જેમ ‘એક્સરે’ હોય, ઈજનેરી વિદ્યામાં જેમ નકશો હોય તેમ આ સંશોધકે દુનિયાભરની જાણીતી સાહિત્યકૃતિમાં નાયકના જીવનની ગતિશીલતાનો વસ્તુલક્ષી અભ્યાસ કર્યો છે. જાણે કે યાત્રાલેખનનો નકશો બનાવ્યો છે. વિષયલક્ષક્ષીતાને સંપૂર્ણ બાજુ પર રાખીને પ્રખ્યાત સાહિત્યકૃતિમાં નાયકના જીવનમાં કેવા પરિવર્તનો લખાયા છે તે તેણે આલેખ્યું છે.

જેમકે આપણે સફળ હિન્દી ફીલ્મોનો ગ્રાફ બનાવીએ તો વાર્તા એક જયાં નાયક-નાયીકા આનંદમાં હોય, નાયીકા પર અત્યાચાર થાય, નાયક બદલો લે વાર્તા પૂરી. વાર્તા નાયકનો સુખી પરિવાર હોય, ખલનાયક પરિવાર પર અત્યાચાર કરે નાયક બદલો લે વાર્તા પૂરી.. આરીતે ફિલ્મોનું વર્ગીકરણ કરીએ તો લગભગ ફિલ્મો સમાન કથાનકવાળી મળે! બસ આ જ રીતે સાહિત્કૃતિનો ગ્રાફ બનાવો સરસ્વતિ ચંન્દુના નાયકની શરૂઆતના તબક્કે સ્થિત, મધ્યમમાં સ્થિતિ અને અત ‘હેમ્લેટ’ ના નાયકની શરૂઆતમાં સ્થિતિ મધ્યમમાં સ્થિતિ અને અંત… આ વિદેશી સંશોધકે જે વૈજ્ઞાનિક અભિગમથી સાહિત્યકૃતિઓનો અભ્યાસ કર્યો છે અને સફળ સાહિત્ય કૃતિમાં કયા તત્વોમાં સરખાપણું છે તે શોધવાનો પ્રયત્ન કર્યો છે તે મનને પ્રસન્ન કરે છે.

ભારતમાં હવે યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે. વચ્ચે થોડા સમય માટે યુ.જી.સી.એ અધ્યાપક યોગ્યતા માટે પી.એચ.ડી. ફરજીયાત કર્યું હતું. (હવે નથી) વળી પાંચમાં પગાર પંચમાં પ્રિન્સિપાલ થવા માટે પી.એચ.ડી. ફરજીયાત કરાયું! માટે પી.એચ.ડી. થનારાની સંખ્યામાં ઊછાળો આવ્યો. આ સંશોધન નિબંધોનો મૂળભૂત હેતુ સંશોધન/જીજ્ઞાસા, નવુ ભણવાની તીવ્ર લાલસા ન હતો. પણ ડીગ્રી મેળવી નોકરી મેળવવાનો કે પદ મેળવવાનો હતો! હવે સંશોધનનું મૂળ લક્ષણ કે જરૂરીયાત જ ‘‘પેશન’’ છે. ‘‘કશુક’’ ભણવાની તિવ્ર ઈચ્છા વગર સંશોધનમાં જોડાવું વ્યર્થ છે. ‘‘નવું શોધી નાખવા માટે જીવની બાજી લગાડવી પડે છે!

મધદરીયે વહાણ ચલાવતાં ‘કોલંબસ’જેવી ધીરજ અને હિમ્મત હોય તો જ આ ક્ષેત્રમાં પડવું જોઈએ! પણ, એક બાજુ સરકારી નિયમો અને બીજી બાજુ ઊંમરના આધારે મળતી લાયકાત! એટલે યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. કરનારા વધ્યા પણ પી.એચ.ડી. કરાવનારા ન હતા! માટે ‘દરાવાજા ખોલો અને સામે પહેલો જે મળે તેને હાર પહેરાવો!’’ ની નીતિ મુજબ યુનિવર્સિટીમાં જે સિનિયર હતા તેમને ગાઈડ બનાવાયા… એટલે ન સંશોધન કરનારને, ન સંશોધન કરાવનારને શૈક્ષણિક સંશોધનની મૂળભૂત જરૂરિયાતોનો ખ્યાલ જ ન હતો.

ખેર, આપણે ટીકા કરવા કરતા નવા રસ્તા વિચારીયે, પદ કે પદવી માટે સંશોધનમાં જોડાનારા ભલે કર્મકાંડ પૂરા કરે. પણ જે ખરેખર સંશોધન નિબંધ લખવા માંગે છે તેણે વિશ્વની ઉત્તમ યુનિવર્સિટીમાં જુદા જુદા વિષયમાં થતા સંશોધનોની માહિતી મેળવવી જોઈએ! આપણે નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આવનારા દિવસોમાં દેશમાં પણ ગુણવત્તાલક્ષી સંશોધન થાય. તેવા રસ્તા વિચારવા પડશે.

થોડા સમય પહેલા આ લેખ માળામાં આપણે જણાવ્યું હતું કે બ્રાઝીલમાં પલંગીયાની યાત્રા સંદર્ભે એક સંશોધકે પતંગીયુ ઊડે છે ત્યાથી તે તેના સ્થાને પહોંચે છે ત્યા સુધીની તેની યાત્રા અને પતંગીયાની આખી પેઢી બદલાઈ જાય છે તેની પુરાવા સાથેની માહિતી શોધી નાખી હતી. હમણાં એક પુસ્તક વાંચવા મળ્યુ જેમાં બાળકોના પ્રિય ‘‘કોમિક્સ’’ એટલે કે ચિત્ર વાર્તાના સર્જનની માહિતી આપવામાં આવી છે. જ્યાં કોમિક્સ એટલે કાર્ટુન ફિલ્માંથી તે કઈ રીતે અલગ પડે છે ઉથ્તમ ‘કોમિક્સ’ના લક્ષણો ક્યાં? તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે!

ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસા સંબંધિત સંશોધનમાં એક સંશોધન એવું છે કે જે નગર રચનાઓનો અભ્યાસ કરે છે! આ સંશોધન એ સમજવાનો પ્રયત્ન કરે છે કે જે નગરો પોતાની જાતે વિકસ્યા છે તે કેવા છે! અને જે નગર કોઈ રાજા- શાસક દ્વારા વિકસાવાયા છે તે કેવા છે? મજાની વાત તો એ છે કે આ સંશોધક એ જોવાનો પ્રયત્ન કરે છે કે સમાજ વ્યવસ્થા મુજબ નગર રચના થાય છે? કે નગર રચના થાય તે મુજબ સમાજ ઘડાય છે? મતલબ કે શાસકો આપણને જુદા પાડે છે કે આપણે જુદા હોઈએ તો જુદા ગોઠવાઈએ છીએ?

આપણા વેદ-ઊપનીષદમાં કહેવાયેલુ સત્ય એ છે કે ‘‘અમને ચારે દિશામાંથી સારા વિચારો મળો’’ પણ આ માટેની પૂર્વ શરત એ છે કે આપણે ચારેય દિશામાં ખૂલ્લા થવું! વળી આપણે ‘‘આપણો જ વિચારો માહન છે અને દુનિયાએ તે જ સ્વિકારવાના છે’’ એવો ગુરૂભાવ રાખીએ તો ચારે દીશામાંથી જ્ઞાન મળવાનું નથી! શિક્ષણ ક્ષેત્રના વિધ્વાનો, સંશોધકો, અધ્યાપકો.. સૌ જ્ઞાન સમૃદ્ધ થાવ.. આંખો ખોલો અને દુનિયાભરની યુનિવર્સિટીમાં જે ઉત્તમ સંશોધનો થાય છે તેનો અભ્યાસ કરો.. શાળા કોલેજના બાળકો માટે વેકેશન એ જીવનને માણવાનો- જાણવાનો- મોજ મસ્તીનો સમય હશે પણ શિક્ષકો અધ્યાપકો માટે આ સમય અધ્યયન અને અભ્યાસ નો પણ છે! ‘‘વાદળની જેમ બંધાઈ શું તો આપણું વરસ વર્ષી શકાશે..
આપણે શિક્ષણક્ષેત્રે ખુલ્લાપણું લાવવાની જરૂર છે. ખાસ તો શૈક્ષણીક સંશોધનોમાં ઘરેડબધ્ધ નિબંધોને બદલે નવી દિશા ચિધનારા સંશોધનો થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં કશુક નવું થાય!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top