SURAT

હિટ & રન : ગભેણી નજીક ટ્રકે બાઇકને અડફેટે લઈ વિદ્યાર્થીને કચડી નાખ્યા : એકનું મોત, અન્ય ગંભીર

સુરત (Surat): સચિન (Sachin) ગભેણી-બુડિયા વચ્ચે બાઇક સવાર ત્રણ મિત્રોને (Friends) ટ્રકે (Truck) અડફેટે (Accident) લેતા એકનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. જ્યારે હિટ એન્ડ રનની આ દુર્ઘટનામાં (Hit And Run) પાછળ બેસેલા બે પૈકી એક મિત્રનો ડાબો પગ કચડાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મિત્રને નોકરી પરથી લઈ પરત ફરતા યુવકને કાળમુખી ટ્રક ભરખી જતા આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. યુવકનું નામ વિનમ્ર અને તે ડીઆરબી ભાણા કોલેજનો વિદ્યાર્થી હોવાનું અને માતા પિતાના બે સંતાનોમાં મોટો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના મધરાત્રીના લગભગ 1:30 ની છે. વિનમ્ર વિનોદ ખલાસી (ઉ.વ.21) પોતાના મિત્ર ને કામ પરથી પરત લઈ ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણી ટ્રકના ચાલકે બાઇક સવાર ત્રણ મિત્રો ને અડફેટે ચઢાવી ભાગી ગયો હતો. જોકે આ દુર્ઘટનામાં એક મિત્ર નો આબાદ બચાવ થયો હતો. જેણે ગામમાં મિત્રો અને પરિવાર ને જાણ કરતા તમામ દોડી આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા વિનમ્ર અને ધ્રુવને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા વિનમ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ધ્રુવનો ડાબો પગ કચડાઈ ગયો હોવાથી તાત્કાલિક ઓપરેશનમાં લેવાયો હતો. હાલ એની હાલત સાધરણ છે. આખું ગામ શોકમાં છે. વિનમ્ર પરિવારમાં મોટો દીકરો હતો. એક નાનો ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. પિતા મિલમાં ડિઝાઈનર તરીકે કામ કરે છે. ઘટનાની જાણ બાદ ખલાસી પરિવાર શોકમાં સરી પડ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે વિનમ્ર ડીઆરબી ભાણા કોલેજનો વિદ્યાર્થી હતો. SY IT માં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ બાદ કોલેજના સાથી મિત્રોએ પણ શોક વ્યક્ત કર્યો છે. અભ્યાસમાં રુચિ રાખનાર વિનમ્રના મોતના સમાચારે તમામને આઘાતમાં મૂકી દીધા છે.

ગામવાસીઓ એ જણાવ્યું હતું કે અકસ્માત થવા પાછળ નું કારણ જર્જરિત બમ્પ છે, ભારે વાહનની સ્પીડ ઘટાડવા ને બદલે વાહન ચાલકો ઓવર સ્પીડમાં ગાડીઓ ચાલવતા હોવાને કારણે નાના વાહન ચાલકો અડફેટે ચડતા હોય છે. હાલ સચિન GIDC પોલીસ ફરાર ટ્રક ચાલકની શોધખોળ કરી રહી છે.

Most Popular

To Top