Columns

હિમાચલ: ઘર ફૂટે ઘર જાય!

હું દિલ્હીમાં કામ કરી શકું તે માટે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના ૨૭ વર્ષને મનાવવા તેને વિક્રમજનક સંખ્યામાં વિધાનસભામાં બેઠકો આપજો.’ મોદી દરેક સભામાં મતદારોને આ વિનંતી કરતા હતા તેમાં તેમનો મુદ્દો હતો. મોદી એટલા સંવેદનશીલ બનીને બોલ્યા હતા કે ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો ભારતીય જનતા પક્ષને મળી, પણ મોદીએ હિમાચલ પ્રદેશમાં પણ આ રીતે વિનંતી કરી હતી, પણ ત્યાંનાં મતદારો ગુજરાતનાં મતદારો જેટલાં ઉત્સાહી નહીં નીવડયાં અને તેમણે છેલ્લાં પાંચ વર્ષથી સત્તા ભોગવતા કોંગ્રેસ પક્ષને ફરી સત્તા પર બેસાડયો. ભારતીય જનતા પક્ષ માટે મત મેળવવા મોદી શ્રેષ્ઠ હોય તો પણ તેમના જાદુને સફળ થવા કેટલીક પૂર્વ શરતો હોય છે.

ભારતીય જનતા પક્ષમાં જ ભાગલાવાદ ચાલતો હોય અને વરિષ્ઠ નેતાઓ જ ચૂંટણી માટે પોતાની તલવાર મ્યાન નહીં કરી શકતા હોય તેવી પરિસ્થિતિમાં મોદીની ઝુંબેશ ખાસ મદદરૂપ નથી થઇ શકતી. તે જ પ્રમાણે હરીફ કોંગ્રેસ પક્ષ સારા અર્થતંત્રના ભોગે જૂની પેન્શન યોજના પાછી લાવવા સહિતના મોટાં મોટાં ચૂંટણી વચનો આપે ત્યાં ભારતીય જનતા પક્ષ માટે મોદી ખાસ કંઇ કરી શકે નહીં. મોદીનું જોડાણ ગુજરાતનાં મતદારો સાથે હિમાચલ પ્રદેશનાં મતદારો સાથે હોય તેના કરતાં વધુ છે, છતાં મોદીએ હિમાચલ પ્રદેશનાં મતદારો સમક્ષ અપીલ કરી. તો સભામાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પક્ષનો ઉમેદવાર કોણ છે તે તમારે યાદ નથી રાખવાનું.

તે કોઇ પણ હોઇ શકે. માત્ર કમળ યાદ રાખો. મોદી અને ભારતીય જનતા પક્ષ તમારી સમક્ષ આવ્યા છે. તમારો કમળને મત મોદી માટે સીધો આશીર્વાદ બનીને આવશે. આમ છતાં હિમાચલ પ્રદેશનાં મતદારોને વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચે કોઇ રીતે તફાવત પાડવો તેની ખબર હશે. આથી તેમણે નકકી કર્યું કે ‘અમારે કોંગ્રેસને જ સત્તાવાર આવવાની તક આપવી જોઇએ. કારણ કે તેણે જૂની પેન્શન યોજના અને સફરજનના પાક માટે બહેતર કિંમત વગેરે વચન આપ્યાં છે.

લોકોના મતની દૃષ્ટિએ કોંગ્રેસને ભારતીય જનતા પક્ષ કરતાં માંડ એક ટકાથી ઓછા પ્રમાણમાં મત વધુ મળ્યા છે પણ બેઠક વધુ મળી છે. આથી આ ચૂંટણીએ વિધાનસભાની ચૂંટણીમાં મોદીની આગેવાની હેઠળની ચૂંટણી ઝુંબેશના લાભાલાભ બતાવ્યા છે. મોદીને તેમના વતન રાજય ગુજરાતમાં જાણે સાંપ્રદાયિક અનુસરણ છે અને લોકોની જબરી વફાદારી અને વિશ્વાસ છે. આખરે તો તેઓ ગુજરાતમાં તેર વર્ષ મુખ્ય પ્રધાન રહ્યા છે, પછી ગુજરાતના નમૂનારૂપ શાસન આપવાની તાકાત પર દિલ્હીમાં વડા પ્રધાન બન્યા છે.

મોદીએ ગુજરાતમાં સખત જહેમત લઇ સભાઓ સંબોધી ભારતીય જનતા પક્ષને બળ પૂરું પાડયું છે. એક વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્ય પ્રધાન બદલી વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મૂકયા. પ્રધાનમંડળમાં અન્ય ફેરફાર પણ થયા અને નવા ચહેરા પણ આવ્યા. પરિણામે શાસનવિરોધી પરિબળોની પીછેહઠ થઇ અને મોદીએ જયારે મતદારોને વિક્રમજનક જનાદેશ આપવાની વિનંતી કરી ત્યારે તેમણે ભૂતપૂર્વ નેતાગીરીને આભડી ગયેલાં સંખ્યાબધ્ધ પરિબળોને હાથ નહોતા ધર્યા.

મોદી બતાવવા માંગતા હતા કે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે જે ૧૪૯ બેઠકો પ્રાપ્ત કરી હતી તે ખાપ એટલે કે ક્ષત્રિય, હરિજનો, આદિવાસીઓ અને મુસલમાનોના સામાજિક – રાજકીય જોડાણને આભારી હતું. ભારતીય જનતા પક્ષે વિકાસના જોર પર ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો હાંસલ કરી છે અને વિજય પછી મોદીએ કહ્યું કે ભારતીય જનતા પક્ષે ગ્રામીણ અને શહેરી ભાગલા કે જ્ઞાતિ ગણિતને બાજુ પર રાખી મત મેળવ્યા તેથી તેનો વિજય થયો. મોદી ભારતીય જનતા પક્ષ માટે વીજળી વેગે પ્રચાર કરતા હતા તો કોંગ્રેસ અને આમ આદમી પક્ષ તેની બરોબરી કરી શકતા ન હતા અને સુસ્ત હતા. શહેરમાં આપ ભારતીય જનતા પક્ષને ખાઇ જશે એવો હાઉ કામ નહીં લાગ્યો. તેમનામાં રહેલી સાહસવૃત્તિએ તેમને સમજાવ્યું કે મહેનત વિના મફત કંઇ મળતું નથી.

ગુજરાતમાં મોદીની ઝુંબેશને ટેકો આપવા જોરદાર આયોજન હતું તો હિમાચલ પ્રદેશના ભારતીય જનતા પક્ષમાં મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરની કામગીરી સામે ભારોભાર અસંતોષ હતો અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમાલના ટેકેદારોને નાથવાની કપરી જવાબદારી આવી અને ધુમાલની છાવણી સાથેના મતભેદો નિવારવાનો ઇન્કાર કરાતાં તેમના ટેકેદારોએ ભારતીય જનતા પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે રણશિંગું ફૂંકયું. આથી મોદીના પ્રયાસોથી ભારતીય જનતા પક્ષને અમુક અંશે ફાયદો થયો છતાં પક્ષને વિજય ન મળ્યો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top