Columns

હેનરી કિસિંજર ભારતના કટ્ટર શત્રુ અને ચીનના કાયમી મિત્ર હતા

અમેરિકાના ભૂતપૂર્વ વિવાદાસ્પદ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું મરણ થયું છે. હેનરી કિસિંજરે રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેણે આ વર્ષે ૨૭ મેના રોજ પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેનરી કિસિંજર આધુનિક અમેરિકન ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ પુરુષોમાંના એક છે. તેમણે વિયેતનામ યુદ્ધને સમાપ્ત કરવામાં અને અમેરિકન દળોને પાછા ખેંચવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જો કે, તેના નામ પર કોઈ ઓછા વિવાદો નથી થયા. તેમનું નામ મોટા હત્યાકાંડો સાથે અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે પણ જોડાયેલું છે.

૧૯૭૧માં જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હેનરી કિસિંજર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તે સમયે રિચર્ડ નિક્સન અમેરિકાના પ્રમુખ હતા. કહેવાય છે કે ત્યારે બંનેએ મળીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ યુદ્ધની શરૂઆતથી તેઓ બંને ભારત સાથે સારી રીતે વર્તી રહ્યા નહોતા. યુદ્ધની શરૂઆતમાં જ્યારે તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી રિચર્ડ નિક્સનને મળવા અમેરિકા ગયા ત્યારે તેમને લાંબો સમય રાહ જોવી પડી હતી. જ્યારે તેઓ બંને મળ્યા ત્યારે પણ નિક્સને ખૂબ જ ઉદાસીનતા સાથે જવાબ આપ્યો હતો.

આ બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપતિનું વર્તન જોઈને ઈન્દિરા ગાંધીએ નક્કી કર્યું હતું કે હવે ભારત બાંગ્લા દેશનું યુદ્ધ પોતાની રીતે લડશે. ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયાના થોડા દિવસો બાદ હેનરી કિસિંજરે રિચર્ડ નિક્સનને એક સલાહ આપી હતી. તેમણે કહ્યું કે તેઓએ ચીનને ભારતીય સરહદની નજીક તેની સેના તૈનાત કરવા માટે કહેવું જોઈએ. વાસ્તવમાં કિસિંજરનું માનવું હતું કે આનાથી ભારત પર દબાણ વધશે અને તેનાથી પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલું યુદ્ધ અટકશે. ચીને ભારતીય સરહદ પાસે સૈનિકો તૈનાત કરવાનો ઇનકાર કર્યો હતો. ચીનના આ વલણ બાદ હેનરી કિસિંજરે નવો પ્લાન બનાવ્યો હતો. હેનરી કિસિંજરે આ મુદ્દે ચીની અધિકારી હુઆંગ હુઆ સાથે ગુપ્ત બેઠક કરી હતી.

ચીની અધિકારી સાથે વાત કર્યા બાદ કિસિંજર રાષ્ટ્રપતિ નિક્સન પાસે પહોંચ્યા હતા. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે અમેરિકાએ તેનો નૌકા કાફલો બંગાળની ખાડીમાં મોકલવો જોઈએ. તેમણે રાષ્ટ્રપતિને કહ્યું કે જ્યારે અમેરિકા આવું કરશે ત્યારે ચીન પણ ભારતીય સરહદ પર પોતાના સૈનિકો તૈનાત કરશે. રાષ્ટ્રપતિ નિક્સને તરત જ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી. જો કે, તેઓ ફરીથી ચીન દ્વારા છેતરાયા હતા. ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો ન હતો. તેણે પોતાની સેનાને ભારતીય સરહદ પર મોકલી ન હતી.

આ પછી પણ ૧૫ ડિસેમ્બર, ૧૯૭૧ ના રોજ વિમાનવાહક જહાજ એન્ટરપ્રાઇઝ સહિત અમેરિકાના સાતમા નૌકા કાફલાનાં ઘણાં યુદ્ધ જહાજો બંગાળની ખાડીમાં પ્રવેશ્યાં હતાં. આ જહાજો ઢાકાથી એક હજાર કિલોમીટરથી વધુ દૂર હતા અને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. અમેરિકન નૌકા કાફલો ચોક્કસપણે ભારત તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તેની ઝડપ ઘણી ઓછી હતી, કારણ કે ત્યાં સુધીમાં સોવિયેત સંઘે ભારતના સમર્થનમાં તેના નૌકા કાફલાને સક્રિય કરી દીધું હતું. આ જોઈને અમેરિકાએ યુદ્ધમાં હસ્તક્ષેપ ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંગાળની ખાડીમાં અમેરિકન યુદ્ધ જહાજોના પ્રવેશના બીજા જ દિવસે પાકિસ્તાની જનરલ નિયાઝીએ ભારતીય જનરલ સેમ માણેકશાને સંદેશો મોકલ્યો હતો કે તેઓ યુદ્ધવિરામ ઇચ્છે છે. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાને ઢાકામાં ભારતની શરણાગતિ સ્વીકારી કે તરત જ આ સમાચાર સાંભળીને અમેરિકન નૌકાદળનો સાતમો કાફલો પૂર્વ પાકિસ્તાનથી શ્રીલંકા તરફ વળી ગયો હતો.

રિચર્ડ નિક્સન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમને વિયેતનામ યુદ્ધ વારસામાં મળ્યું હતું. ૧૯૫૫માં શરૂ થયેલું યુદ્ધ અમેરિકા માટે ગળાનું હાડકું બની ગયું હતું. તેના શરૂઆતનાં વર્ષોમાં તેને હારની આશંકા હતી; પરંતુ કોઈ પણ રાષ્ટ્રપતિ આ માટે દોષ લેવા માંગતા ન હતા. દરેક જણ શક્ય હોય ત્યાં સુધી તેને મુલતવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નિકસને ખુરશી સંભાળતાંની સાથે જ તેમના હાથ અને પગ લપસવા લાગ્યા હતા. તેમણે કિસિંજરની સલાહ પર ઓપરેશન બ્રેકફાસ્ટ શરૂ કર્યું હતું. અમેરિકાને લાગ્યું કે તે હો ચી મિન્હ ટ્રેઇલનો નાશ કરીને યુદ્ધ જીતી શકે છે. હો ચી મિન્હ ટ્રેઇલ કંબોડિયા જતી હતી. તેના દ્વારા ઉત્તર વિયેતનામના બળવાખોરોને પુરવઠો પહોંચાડવામાં આવતો હતો. ૧૯૬૯ અને ૧૯૭૦ ની વચ્ચે અમેરિકાએ કંબોડિયા પર અંદાજે ૫૪૦ મિલિયન કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા, જેમાં પાંચ લાખ નિર્દોષ નાગરિકો માર્યા ગયાં હતાં.

હત્યાકાંડની બીજી ઘટના ૧૯૭૦ અને ૧૯૭૧માં ભારતના પડોશમાં બની હતી. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી જનરલ યાહ્યાખાને ચૂંટણી જીતેલા મુજીબુર રહેમાનને સરકાર બનાવવાની મંજૂરી આપી ન હતી. જ્યારે શેખ મુજીબુરની પાર્ટી અવામી લીગે આનો વિરોધ કર્યો ત્યારે યાહ્યાખાને તેમની સામે સેના ઊતારી હતી. માર્ચ ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં ઓપરેશન સર્ચલાઇટ શરૂ થયું હતું, જેમાં ત્રણ લાખથી વધુ બંગાળીઓ માર્યા ગયા હતા. તે સમયે આર્ચર કેન્ટ બ્લડ પૂર્વ પાકિસ્તાનમાં અમેરિકાના કોન્સ્યુલ જનરલ હતા.

તેમણે રાજદ્વારી તાર મોકલીને અપીલ કરી હતી કે યાહ્યાખાનની સેના નરસંહાર કરી રહી છે, તેને રોકવાની જરૂર છે; પરંતુ કિસિંજરે આ અપીલની અવગણના કરી હતી. હેનરી કિસિંજર પર યુદ્ધ અપરાધો અને નરસંહારના ગંભીર આરોપો હતા. સત્તાવાર દસ્તાવેજોમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમ છતાં કિસિંજરે ક્યારેય માફી માંગી ન હતી કે અમેરિકન સરકારે તેમને સજા કરવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. આટલા ગંભીર આરોપો છતાં હેનરી કિસિંજરને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમથી પણ નવાજવામાં આવ્યા હતા.

હેનરી કિસિંજરે પોતાની મુત્સદ્દીગીરી દ્વારા ૧૯૭૧માં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં બરફ પીગાળવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. હેનરી કિસિંજરે તેમના જીવનકાળમાં ૧૦૦ થી વધુ વખત ચીનની મુલાકાત લીધી હતી. તેના દ્વારા હેનરી કિસિંજરે વિશ્વની રાજનીતિને નવા મોડ પર લાવી દીધી હતી. ચીન હમેશાં તેમનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરતું હતું. સિએટલમાં શી જિનપિંગ અને જો બિડેન વચ્ચે શિખર સંમેલનનો માર્ગ મોકળો કરવા માટે તેમની બેઇજિંગની સૌથી છેલ્લી મુલાકાત આ વર્ષના જુલાઈના અંતમાં થઈ હતી.

ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના માઓ ઝેડોંગથી લઈને શી જિનપિંગ સુધીના નેતાઓ અમેરિકા સાથેના ચીનના સંબંધો પર માર્ગદર્શન માટે હેનરી કિસિંજર તરફ વળ્યા હતા. ચીનને વિશ્વમાં તેના આર્થિક અને રાજદ્વારી પ્રભાવને વિસ્તૃત કરવામાં મદદ હેનરી કિસિંજરે સૌથી વધુ મદદ કરી હતી. છેલ્લાં ૧૦ વર્ષોમાં અમેરિકન નેતાઓએ ચીનને એક મોટા ખતરા તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગયા જુલાઈમાં બેઇજિંગની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને અન્ય અમેરિકી અધિકારીઓને મળવાનું ટાળ્યું હતું તો પણ તેઓ હેનરી કિસિંજર સાથે મુલાકાત કરવા ગયા હતા અને ચીન-અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવામાં તેમની મદદ માંગી હતી.
 – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top