અમદાવાદ
અમદાવાદ મહાનગરમાં ચૂંટણી પ્રચારનો માહોલ ગરમાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના દરિયાપુર, ખાડિયા અને લાંભા વોર્ડમાં યોજાયેલી જાહેરસભાઓમાં કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને ભાજપના શાસનમાં ગુજરાતે સુશાસન, સુરક્ષા અને સર્વાંગી વિકાસનો અનુભવ કર્યો છે, જ્યારે કોંગ્રેસના સમયમાં અરાજકતા જોવા મળતી હતી.
દરિયાપુર ખાતે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે “દરિયાપુર માત્ર એક વિસ્તાર નથી, પરંતુ અમદાવાદનું હૃદય છે.” તેમણે અહીંની પોળ સંસ્કૃતિ, સાંકળી ગલીઓ અને ઐતિહાસિક વારસાને ગુજરાતની ઓળખ ગણાવી. સાથે જ તેમણે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદ અપાવી કે આ જ ધરતી પરથી ૧૯૧૭માં તેમના જાહેર જીવનની શરૂઆત થઈ હતી.
કોંગ્રેસ પર સીધા શાબ્દિક પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના શાસનમાં અમદાવાદ ગુંડાગીરી માટે ઓળખાતું હતું, જ્યારે ભાજપ સરકારે કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવી શહેરને ભયમુક્ત બનાવ્યું છે. “આજે ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી રહ્યું છે અને એથી કોને તકલીફ થાય છે તે સૌ જાણે છે,” એમ તેમણે કટાક્ષ કર્યો.
ખાડિયામાં સંબોધન દરમિયાન સંઘવીએ આ વિસ્તારને “પવિત્ર અને ક્રાંતિકારી ધરતી” ગણાવી અને સ્વ. અશોકભાઈ ભટ્ટને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખાડિયા જનસંઘના ઉદયનું કેન્દ્ર રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અગાઉ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો, જ્યારે આજે તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ રહ્યા છે અને દીકરીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા રમી શકે છે.
અશાંતધારા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા તેને વધુ મજબૂત બનાવતા કેટલાક પક્ષોને “પેટમાં તેલ રેડાયું” છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કોઈને છોડવામાં નહીં આવે. લાંભા વિસ્તારમાં તેમણે વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગટર લાઇન, પાણી શુદ્ધિકરણના કામો, માર્ગો અને માર્ગ પ્રકાશ જેવી સુવિધાઓમાં સુધારા કરાયા છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, સમૂહ આરોગ્ય કેન્દ્ર, સ્મશાનગૃહોના સુધારણા અને સામાજિક પ્રસંગો માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. અંતમાં તેમણે સ્થાનિક લોકોને આગામી તા.૨૬મી તારીખે ભાજપાને મત આપી “વિકસિત અને સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પને મજબૂત બનાવવાની અપીલ કરી હતી. તેમના આ આક્રમક ભાષણોથી કર્ણાવતીમાં ચૂંટણીનો રાજકીય માહોલ વધુ તેજ બન્યો છે.