Gujarat

ગુજરાતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ – આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ માર્ગદર્શિકા જાહેર, હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર

અમદાવાદ

રાજ્યમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે ત્યારે પ્રચંડ ગરમી અને હીટવેવ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શિકા (એડવાઈઝરી) જાહેર કરવામાં આવી છે. હીટવેવની ગંભીર અસરોથી બચવા માટે તંત્ર દ્વારા તમામ જિલ્લા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને સજ્જ રહેવા અને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા આદેશ અપાયા છે.હીટવેવ સામે લડવા માટે આરોગ્ય વિભાગે રાજ્યભરમાં સજ્જતા વધારી છે. “ગરમી અને આરોગ્ય” સંબંધિત માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે. 1 માર્ચ 2026થી હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે.
હવામાન ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં હીટ-હેલ્થ કાર્યયોજનાને અમલમાં મૂકવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, પ્રવાહી દ્રાવણ, ઓઆરએસ અને આઈસ પેકનો પૂરતો જથ્થો રાખવા નિર્દેશ અપાયા છે. દરેક જિલ્લા અને ઉપજિલ્લા હોસ્પિટલમાં પાંચ બેડ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં બે બેડના હીટસ્ટ્રોક માટેના વિશેષ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.
નાગરિકો માટે સુરક્ષા કવચ: શું કરવું અને શું ન કરવું?
આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે:

  • ​ સમયનું ધ્યાન: બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
  • ​ રક્ષણ: બહાર જતી વખતે માથા પર ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
  • ​ હાઈડ્રેશન: પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત કે નાળિયેર પાણી જેવા પ્રવાહી પીવાનું રાખવું.
  • ​ વિશેષ કાળજી: વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ સંભાળ લેવી.
  • ​ તબીબી સહાય: જો અશક્તિ, ચક્કર, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
    તંત્રની સજ્જતા: ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત
    આરોગ્ય વિભાગે હીટસ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થાઓ કરી છે:
  • ​ ડેડિકેટેડ બેડ: દરેક જિલ્લા હોસ્પિટલમાં ૫ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૨ બેડના સમર્પિત ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર કરવામાં આવ્યા છે.
  • ​ દવાઓનો સ્ટોક: તમામ હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે.
  • ​ સઘન મોનિટરિંગ: ૧ માર્ચ ૨૦૨૬થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
  • ​ ફાયર અને ઇલેક્ટ્રિક ઓડિટ: વીજળીનો વપરાશ વધતા હોસ્પિટલોમાં શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ રોકવા ઈલેક્ટ્રિક લોડ ઓડિટ અને અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા નિર્દેશ અપાયા છે.
    હવામાન વિભાગની દૈનિક ચેતવણીઓને આધારે રાજ્યમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત છે. આરોગ્ય કર્મીઓને ખાસ તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે જેથી ગરમીને કારણે થતી બીમારીઓમાં દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે. આરોગ્ય વિભાગે જનતાને સાવચેત રહીને સુરક્ષિત રહેવા ખાસ અનુરોધ કર્યો છે.

ગુજરાતમાં ઉનાળાની ગરમી ફરી તેજ બની રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે ગરમીનો પ્રકોપ લોકો માટે અસહ્ય બની રહ્યો છે.રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાન મુજબ ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 38 ડિ.સે. અને કંડલા એરપોર્ટ પર 41 ડિ.સે. નોંધાયું હતું. અમરેલી અને રાજકોટમાં પણ તાપમાન 41 ડિ.સે. સુધી પહોંચ્યું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 41 ડિ.સે. તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 40 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે. અને સુરતમાં 39 ડિ.સે. તાપમાન રહ્યું. ભાવનગરમાં 38 ડિ.સે., પોરબંદરમાં 36 ડિ.સે., મહુવામાં 36 ડિ.સે. અને દમણમાં 34 ડિ.સે. તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે.

Most Popular

To Top