National

Harda Blast: ફટાકડા કારખાના માલિક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

હરદા: મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં ગઇકાલે મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ઘાતક વિસ્ફોટ (explosion in crackers factory) થયો છે. મધ્યપ્રદેશના હરદા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હરદા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે અને 175થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ વિસ્ફોટ હરદાના બૈરાગઢમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. રાજેશ અગ્રવાલની રાજગઢ જિલ્લાના સારંગપુરથી ધરપકડ કરવામાં આવી છે. તે કારમાં દિલ્હી ભાગી જવાની યોજના બનાવી રહ્યો હોવાની માહિતી સાંપડી છે.

હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનાના સંચાલક રાજીવ અગ્રવાલ અને તેના પુત્રની સારંગપુરમાં વેન્યુ કારમાં ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. રાજેશ અગ્રવાલ અને તેમનો દિકરો ઉજ્જનાઈથી દિલ્હી જવા નીકળ્યા હતા. આ ઉપરાંત સોમેશ અગ્રવાલ વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો અને મધ્યપ્રદેશ છોડીને દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ધરપકડ બાદ આરોપીઓને હરદા મોકલવામાં આવ્યા
સારંગપુર એસડીઓપી અરવિંદ સિંહે જણાવ્યું કે સારંગપુર પોલીસે મધ્યપ્રદેશ-ઉત્તર પ્રદેશ અને દિલ્હીને જોડતા નેશનલ હાઈવે પર રાત્રે 9 વાગ્યે રાજીવ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીકની ધરપકડ કરી છે. ભોપાલ આઈજીની સૂચનાથી આરોપીઓને કાગળની કાર્યવાહી માટે હરદા મોકલવામાં આવ્યા છે. હરદા અકસ્માતમાં મધ્યપ્રદેશ પોલીસે ત્રણેય આરોપીઓની આઈપીસીની કલમ 304, 308, 34 અને વિસ્ફોટક ધારાની કલમ 3 હેઠળ ધરપકડ કરી છે.

હરદા ફેક્ટરી બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતા
મંગળવારે મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના બૈરાગઢમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 175થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી પહોંચી ગયો હતો. તેમજ નજીકની વસાહતમાં ભયંકર તબાહી સર્જાઈ હતી.

અગાઉ પણ હરદા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા હતા
હરદામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અગાઉ પણ અકસ્માતો થઈ ચૂક્યા છે. ત્રણ વર્ષ પહેલા અહીં સાંજના સમયે વિસ્ફોટ થયો હતો. તેમજ આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ફેક્ટરી માલિકો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ હતો. તેમજ ફેક્ટરીના સંચાલન પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો પરંતુ બાદમાં હાઇકોર્ટે તેના પર સ્ટે મુક્યો હતો. નિયમોના ભંગ બદલ ફેક્ટરીનું લાઇસન્સ ફરીથી રદ કરવામાં આવ્યું હતું, પરંતુ મામલો કોર્ટમાં હોવાથી તેના માલિકો ફેક્ટરી ચલાવી રહ્યા હતા. આરોપી રાજેશ અગ્રવાલની અગાઉ પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ હાલના બ્લાસ્ટ બાદ મધ્યપ્રદેશ સરકારે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Most Popular

To Top