Gujarat Main

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણીને લઈ આવ્યા આ સમાચાર

નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress) વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના (Gujarat) મામલે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. ખાસ કરીને ગુજરાતમાં નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ (Region Congress President) અને વિપક્ષના નવા નેતાની વરણી જલદીથી થાય તેવા ચક્રો ગતિમાન થયા છે. જેમાં નવા જ નેતાની પણ પસંદગીની પણ સંભાવના રહેલી છે, આ ઉપરાંત હાર્દિક પટેલ (Hardik Patel), ભરતસિંહ સોલંકી તથા અર્જુન મોઢવાડિયાની પણ પસંદગીની સંભાવના રહેલી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં મોટી હલચલ થવાના એંધાણ છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને (Jignesh Mevani) દિલ્હીથી તેડુ આવતા ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રબારી રઘુ શર્માએ કહ્યું હતું કે, ગુજરાતમાં ખુબ જલદીથી નવા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની તથા વિપક્ષના નેતાની વરણી થઈ જશે. આગામી નજીકના દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠનનું માળખું મજબૂત કરાશે. જિલ્લાઓમાં પણ સંગઠનની દષ્ટિએ નવી નિમણૂંકો કરાશે. અમે ભાજપને આગામી 2022ની ચૂંટણીમાં એક મજબૂત પડકાર ફેંકીશું.
આમ આદમી પાર્ટી વિશે પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, આપ પાર્ટી ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં જ નથી. તેમ છતાં તે કોના ફાયદા માટે ચૂંટણી લડી રહી છે તે ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. ભાજપે 2017ની ચૂંટણી જેમના નેતૃત્વમાં લડી હતી તે આખી સરકાર ભાજપના હાઈકમાન્ડે બદલી નાંખી, હવે તેનું કારણ પણ ગુજરાતની પ્રજાને બતાવવું જોઈએ. ગુજરાતમા બેરોજગારી, ખેડૂતોની સ્થિતિ, દલિતો, યુવાઓ ની સ્થિતિ ના મામલે ગુજરાત કોંગ્રેસ હવે પ્રજાને અવાજ બનશે.

ગુજરાતમાં એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પર કોંગ્રેસ મોટો દાવ ખેલે તો નવાઈ નહીં. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન શકે છે. ગુજરાત કોંગ્રેસ લાંબા સમય બાદ પ્રદેશ નેતાઓમાં નવા ચહેરાઓના સ્થાન આપી શકે છે. આ કારણે એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી કાર્યકર્તાઓમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે.

બીજી તરફ કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી એક વર્ષ માટે ટળી ગઇ છે. હવે કાયમી અધ્યક્ષ પર નિર્ણય આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે. આ નિર્ણય શનિવારે આયોજિત થયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં થયો. બેઠક બાદ કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને પાર્ટી મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ સાર્વજનિક કર્યો. વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટી 1 નવેમ્બરથી દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવશે. આ અભિયાન આગામી 31 માર્ચ સુધી ચાલશે. 

ત્યારબાદ 15 એપ્રિલ સુધી તમામ સભ્યો અને ચૂંટણીના દાવેદારોની યાદી જિલ્લા કોંગ્રેસ (Congress) કમિટીઓ તરફથી પ્રકાશિત કરવામાં આવશે. પછી 16 એપ્રિલથી 31 મે વચ્ચે બ્લોક કોંગ્રેસ કમિટીઓ અને બૂથ સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણી યોજાશે. ત્યારબાદ 1 જૂનથી 20 જુલાઇ દરમિયાન જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો અને કાર્યકારી સમિતિની ચૂંટણી કરાવવામાં આવશે. 

Most Popular

To Top