Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડનો એનએસયુઆઈનો આક્ષેપ

અમદાવાદ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ એનએસયુઆઇ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આજે એનએસયુઆઇના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ધરણા- પ્રદર્શન અને દેખાવો કરી આ ભરતી પ્રક્રિયા રદ કરીને પારદર્શિતાથી મેરિટ આધારે ભરતી કરવામાં આવે તેવી માગણી કરી હતી.

બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકની ભરતીમાં ગેરરીતિનો મામલો ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો હતો. જેના પગલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ સમગ્ર બાબત અંગે સમગ્ર પ્રક્રિયા પારદર્શકતાથી મેરિટ આધારે કોઇપણ ઉમેદવારને અન્યાય ન થાય તે રીતે કરવામાં આવે, તેવી શિક્ષણ વિભાગના અગ્ર સચિવને સૂચનાઓ આપી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે એનએસયુઆઇના કાર્યકરોએ કુલપતિની ઓફિસ સામે ધરણા યોજીને રામધૂન બોલાવી હતી. સાથે જ એનએસયુઆઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં ભાજપના સભ્યોએ ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવીને સંકલનના નામે પોતાના મળતિયાઓના નામની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે. એનએસયુઆઇના કાર્યકરોએ વોટ્સએપ ચેટના ફોટોગ્રાફ પણ જાહેર કર્યા હતા.

અધ્યાપકોની ભરતીમાં ગેરરીતિ અને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આક્ષેપ સાથે ધરણા- પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ કુલપતિને મળીને આ સમગ્ર બાબત અંગે ઉગ્ર રજૂઆત કરી આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે, અને નવેસરથી ફરી મેરિટ આધારે ભરતી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

જોકે કુલપતિ અને ઉપકુલપતિએ આ સમગ્ર મામલે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો તેવું જણાવ્યું હતું. આ મામલે તા. ૨૭મીએ સિન્ડિકેટની બેઠકમાં ઉમેદવારોના નામ ખુલશે, તેમાં જો કોઇ મેરિટ વગરના કે કંઈક ગરબડ હશે તો, તેઓની ભરતી નહીં કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

Most Popular

To Top