Gujarat

ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના

ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ખાતે ચોમાસા (Monsoon) દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ચોમાસાની અસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ અનુસાર રાજ્યમાં સામાન્ય કે સામાન્યથી ઓછો વરસાદ રહે તેવી સંભાવના છે. કેરળમાં આગામી તા. ૪ જૂન, ૨૦૨૩થી વરસાદ શરૂ થવાની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં તા. ૧૫ જૂન, ૨૦૨૩ પછી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલી આ ”પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ” અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય સચિવ રાજ કુમારએ જણાવ્યું હતું કે, સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું અને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. વધુમાં, તેમણે તાલુકા સ્તરેથી તાલુકા-ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકિદ કરી હતી.

મહેસૂલ વિભાગના અઘિક મુખ્ય સચિવ કમલ દયાનીએ કહ્યું હતું કે, સંભવિત ચોમાસાની પરિસ્થિતિ અંગે રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી તા. ૧લી જૂનથી ફ્લડ કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્યમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમો ઉપલબ્ધ રહેશે. જે પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે. એસ.ડી.આર.એફની ૧૧ ટીમો ૫ણ રાહત બચાવ કામગીરી માટે સજ્જ રાખવામાં આવી છે. ઉપરવાસના વિસ્તારોમાં વધુ વરસાદ સમયે સતર્કતા સંદર્ભે પગલાં ભરવા ઉપરાંત રાજ્યના તમામ વિભાગો દ્વારા આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાનને અદ્યતન કરાયો હોવાની માહિતી આપી હતી.

આ ઉ૫રાંત લશ્કરની ત્રણેય પાંખ ભારે વરસાદ દરમિયાન સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય વહીવટીતંત્ર સાથે સંકલનમાં હોવાનું જણાવ્યુ હતું. વઘુમાં બી.એસ.એફની ટીમો, રેપીડ એકશન ફોર્સ (ગુજરાત ફ્રન્ટીયર)ની ટીમ તથા તેની મહિલા ટીમો ૫ણ રાહત બચાવ કામગીરી માટે સજ્જ રાખવામાં આવી છે.

Most Popular

To Top