Gujarat Main

પત્ની અને બાળકો સાથે પોલીસવાળા ધરણાં પર બેઠાં, ગૃહમંત્રીએ આંદોલનકારી પોલીસકર્મીઓ વિશે કહ્યું આવું..

આંદોલનકારીઓને ખસેડવાની જવાબદારી સામાન્ય રીતે પોલીસ નિભાવતી હોય છે. ખાખી વર્દીધારીઓ ક્યારેય માંગણી માટે હડતાળ, ધરણાં કે વિરોધ પ્રદર્શન કરે તેવા દ્રશ્યો જોવા મળતા નથી, પરંતુ ઇતિહાસ બદલાયો છે. આજે પોલીસ (Police) દાદાઓ સાથે તેમના પરિવારજનો પણ રસ્તા પર ધરણાં કરવા બેસવા મજબૂર બન્યાં છે. આજે ગાંધીનગરમાં (Gandhinagar) પોલીસ પરિવારો બાળકો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, તો બીજી તરફ રાજ્યભરમાં પોલીસ જવાનો ગાંધીનગર પહોંચી રહ્યાં છે. આ પોલીસકર્મીઓ પગાર વધારવાની માંગણી કરી રહ્યાં છે, જે દર્શાવે છે કે ડિસ્પીલીન માટે જાણીતો પોલીસ મહેકમ પણ હવે મોંઘવારીના મારથી બચી શક્યો નથી.

એક અઠવાડિયાથી ગ્રેડ પે (Grad Pay) મામલે ગુજરાત પોલીસમાં (Gujarat Police) વિરોધનો વંટોળ ઉભો થયો છે. સોશિયલ મીડિયામાં (Social Media) ગ્રેડ પે વધારવા મામલે ચળવળ શરૂ થઈ હતી, જે હવે રસ્તા પર આવી પહોંચી છે. રવિવારે બપોરે બાપુનગર પોલીસ જમાદાર સચિવાલય ખાતે ધરણા પર બેઠા પછી તેમની અટકાયત થઈ હતી, જેના પગલે રાજયના પોલીસ કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો છે. જેનાં પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈ પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ધરણાં શરૂ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતભરમાંથી આંદોલનકારી પોલીસ કર્મચારીઓ ગાંધીનગર (Gandhinagar) પહોંચી રહ્યાં છે. આ આંદોલન (Protest) વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. આ આંદોલનને આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અપક્ષ ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

વર્ષોથી પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે સવારથી પોલીસ કર્મચારીઓના પરિવારજનો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા છે. જેમના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ ચૂકી છે. જ્યાં પોલીસ કર્મચારીઓ પણ ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે. સાથો સાથ મહિલા પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જાણવા મળ્યા મુજબ રાજયના અન્ય શહેરોમાંથી પણ પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે ગાંધીનગર આવવા માટે રવાના થયા છે.

તમને જણાવી દઈએ કે, ગ્રેડ પે મુદ્દે સરકાર સામે એક અઠવાડિયા પહેલાં રાજ્યના પોલીસ કર્મચારીઓએ લડતના મંડાણ કર્યા હતા. અત્યાર સુધી સોશિયલ મિડિયા માધ્યમથી આંદોલન ચાલી રહ્યું હતું. પરંતુ હવે સત્યાગ્રહ છાવણી સુધી તે પહોંચી ગયું છે. રવિવારે પોલીસના ગ્રેડ-પે વધારાને લઇને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ માંગ કરી હતી. હાર્દિકે સચિવાલય ખાતે નોકરી પૂરી કરી પ્રતિબંધિત એરિયામાં ધરણા કર્યા હતા. તેથી પોલીસ દોડતી થઇ ગઈ હતી.

ઉચ્ચ કક્ષાએથી આદેશો મળતા હાર્દિકની અટકાયત કરી એલસીબી કચેરી લઈ જવાયો હતો. હાર્દિકની ધરપકડે એક ચિંગારી જેવું કામ કર્યું હતું. પોલીસના ધાડેધાડાં એલસીબી કચેરી દોડી ગયા હતા. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને એલસીબી કચેરી ખાતે પહોંચી જવા માટે આદેશો પણ વહેતા કરવામાં આવ્યા હતા. જે બાદ હાર્દિકને છોડી મુકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, હાલમાં અન્ય રાજ્યોમાં પોલીસકર્મીઓને ગ્રેડ પે 4200 જ્યારે પગાર 9 હજાર 300થી 34 હજાર 800 છે. જ્યારે ગુજરાત રાજ્યમાં ગ્રેડ પે 1800 અને પગાર 5200થી 20 હજાર 200 છે. પોલીસ કોન્સ્ટેબલનો 2800 ગ્રેડ-પે થાય છે. હેડ કોન્સ્ટેબલનો 3600નો ગ્રેડ-પે થાય છે. ASIનો 4,200 નો ગ્રેડ-પે થાય છે. આ ઉપરાંત, અંગ્રેજોના સમયથી રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉકેલનું આશ્વસન આપ્યું

હાર્દિક પંડ્યા રવિવારે ધરણાં પર બેઠાં બાદ આજે રાજ્યભરમાંથી પોલીસકર્મીઓ સત્યાગ્રહ છાવણી પર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યાં હોય રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી અને ગૃહમંત્રી ચિંતામાં મુકાઈ ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મામલાની જાણ થયા બાદ તે વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. પ્રત્યેક સમસ્યાનો ઉકેલ છે અને આ મુશ્કેલીનો પણ અંત લાવવામાં આવશે. હકારાત્મક રીતે ઉકેલ લાવવા પ્રયાસ ચાલુ જ છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે.

Most Popular

To Top