Business

હીરાઉદ્યોગકારો બેલ્જિયમની આ કનડગતથી પરેશાન, રાજદૂતને કરી ફરિયાદ

સુરત: ભારતમાં (India) બેલ્જિયમના (Belgium) રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયેના નેતૃત્વમાં ઉદ્યોગકારોના એક પ્રતિનિધિ મંડળે સુરતમાં GJEPCના ગુજરાત રિજિયનના કાર્યાલયની મુલાકાત લઇ બે દેશોને સ્પર્શતા વેપારના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી હતી. GJEPCના ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડિયાએ આ તકનો લાભ ઉઠાવી બેલ્જિયમના રાજદૂતને રજુઆત કરી હતી કે સુરત, મુંબઇ અને ભારતના અનેક હીરા વેપારીઓ (Diamond Traders) બેલ્જિયમના એન્ટવર્પમાં (Antwerp) ઓફિસો ધરાવી હીરાનો વેપાર કરે છે. પરંતુ વીતેલા કેટલાક વર્ષોમાં હીરા ઉદ્યોગકારોએ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં વિઝાના નવીનીકરણ અને રિન્યુઅલને લઇ દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે ઉપરાંત બેલ્જિયમમાં બિઝનેસ શરૂ કરવા માટે બેંકો હીરા ઉદ્યોગકારોને ધિરાણ આપવામાં અનેક પ્રકારની ગેરંટી માંગે છે. જે લોકો વર્ષોથી સ્થાયી થઇ વેપાર કરે છે એવી ડાયમંડ કંપનીઓને પણ બેલ્જિયમમાં ધિરાણ મેળવવી મુશ્કેલ બન્યું છે. જયારે બેલ્જિયમના અર્થતંત્રમાં ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી (Gem and Jewellery) સેક્ટરનો મોટો ફાળો છે.

  • ભારતમાં બેલ્જિયમના રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયેના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ સુરતની મુલાકાતે આવ્યું
  • GJEPCએ હીરા ઉદ્યોગના હિતમાં વિઝા, બેંક ધિરાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા

બે દશો વચ્ચે આ ઉદ્યોગને લઇ વર્ષોનો સંબંધ છે. તેવી સ્થિતિમાં ડાયમંડ કંપનીઓ પર વિશ્વાસ રાખી બેલ્જિયમની બેંકોએ ધિરાણ આપવું જોઇએ. આ સંદર્ભમાં બેલ્જિયમના રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયે જણાવ્યું હતું કે વિઝા નવીનીકરણનો પ્રશ્નો તેમની સમક્ષ આવ્યો છે અને સરકાર સાથે સંવાદ કરીને આ પ્રક્રિયા સરળ કરવામાં આવશે. હીરા-ઝવેરાત ઉદ્યોગને બેલ્જિયમની બેંકો ધિરાણ આપતી નથી તે પ્રશ્ન પણ ભારતમાં તેમની સમક્ષ પ્રથમવાર આવ્યો છે. નવા ઉદ્યોગ સાહસિકોને ધિરાણ નહીં મળતું હોવાની રજૂઆત મળી છે તે સંદર્ભે સરકાર હકારાત્મક કાર્યવાહી કરશે અને આ પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલાય જશે.

સુરત સહિત ભારતના હીરા ઉદ્યોગ માટે બેલ્જિયમ રફ ડાયમંડ માટેનો મુખ્ય સ્ત્રોત છે અને બંને દેશો એક-બીજા સાથે કામ કરવા માંગે છે. દિનેશ નાવડિયા અને GJEPCના આસીસ્ટન્ટ ડાયરેક્ટર રજત વાણીએ મુંબઇ અને સુરતના સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન અને સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને લગતી સુવિધાની માહિતીઓ બેલ્જિયમના રાજદૂતને આપી હતી. તથા GJEPC દ્વારા ઊભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓ પણ પ્રેજન્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top