Comments

ગિફ્ટ સિટીથી ગુજરાત દારૂનું દ્વાર ખોલે છે.!!

બિહારમાં લોકો અનાજ વિના ભૂખે મરે છે, તો કર્ણાટકમાં દારૂ પીવાથી મરે છે. કર્ણાટકમાં દાસપ્પા ઍન્ડ સન્સ ચોખામાંથી દારૂ બનાવે છે. જૂથના અગ્રણીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે હાલમાં ૬૦,૦૦૦ હેકટોલીટર બિયર બને છે. જેનું ઉત્પાદન વધારીને એક લાખ હેકટોલીટર કરવામાં આવશે. કારણ કે દારૂની માંગ વધતી જાય છે. ઘણા દેશી ઉત્પાદકો વિદેશી શરાબ બનાવનારી કંપનીઓ સાથે હાથ મેળવીને આખા દેશને દારૂડિયો બનાવવાનાં સ્વપ્ન જોઈ રહ્યા છે. “ફોરિન કોલૅબોરેશન”ની છૂટ વધશે તો આ પ્રકારના નાપાક ઇરાદા સફળ થશે અને તે સાથે આપણા દેશભાંડુઓનું આરોગ્ય કથળશે.

તમાકુનું વાવેતર અને ઉત્પાદન પણ વધતું જાય છે. વિવિધ રાજ્યોમાં ૪.૭ લાખ હેકટર જમીનમાં તમાકુ ઉગાડાય છે. તમાકુ ફૂંકવી, સૂંઘવી, ખાવી કે દાંત પર ઘસવી એ આરોગ્ય માટે ખતરનાક છે, તો શા માટે ઝેરી પદાર્થ આપણે ઉગાડવા જોઈએ ? એવો પ્રશ્ન સરકારને કરીએ તો સરકાર કહે છે કે એનાથી દેશની તિજોરી ભરાયેલી રહે છે. વાત સાચી છે, સેન્ટ્રલ એકસાઇઝની કુલ આવકના ૮૦ ટકા તમાકુના વેચાણમાંથી મળે છે. તમાકુની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા યોજના પંચ રૂ.૪૭૯૫ કરોડ ફાળવે છે અને સરકાર તરફથી ડિરેકટર ઑફ ટૉબેકો પણ નિમાય છે. તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કરતાં રાજ્યોમાં આંધ્ર પ્રદેશ પછી ગુજરાત અને કર્ણાટકનો ક્રમ આવે છે.

તમાકુના વધતા વપરાશની અસર આપણા આરોગ્ય અને આયુષ્ય પર શી પડશે તેની સરકારને ચિંતા નથી. ૧૦ વર્ષનાં બાળકો પાનપરાગ અને ગુટકાનાં બંધાણી થતાં જોવા મળે છે અને ૧૫-૨૦ વર્ષના કેટલાય યુવાનોને તમાકુની લત લાગી ગઈ હોય છે. મોઢામાં ચાંદાં પડવાં, ચામડી કાળી પડવી, ઍસિડિટી થવી જેવી નાની ફરિયાદોથી થયેલી શરૂઆત કૅન્સર સુધી પહોંચે છે. ગુજરાતમાં ગાલ, જીભ અને અન્નનળીનાં કૅન્સર વધુ વ્યાપક છે.

આવી માંદગીઓમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. માંદા પડતા યુવાનોની કામમાં ગેરહાજરીને કારણે ઉત્પાદન અને આવક ઘટે છે. સરકારે ૩૫,૦૦૦ કરોડ મેળવ્યા હોય તેની સામે જે સામાજિક હાનિ છે એના આંકડા ગણવા બેસીએ તો સરવાળે બાદબાકી કરવી પડે. વિચારશીલ સરકાર પ્રજાજનને થતા શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક નુકસાન ઉપરાંત અનેક પ્રકારે ભોગવાતી યાતના તરફ નજર કરે તો લાગશે કે સામાજિક હાનિના ભોગે મળતી આવક કશા કામની નથી.

યુરોપના ૧૨ દેશોએ તમાકુની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંબંધે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ સાઇન્સિસના કાર્ડિયોથેરાપી વિભાગના પ્રોફેસર રેડ્ડી જણાવે છે કે તમાકુ અને દારૂનો વધતો જતો વપરાશ ત્યજી દેવાયેલી પશ્ચિમી જીવનશૈલી છે, જેને આપણે અપનાવવા લાગ્યા છીએ. આપણે ત્યાં કર્ણાટકમાં દારૂ-બિયરના વપરાશમાં એક વર્ષમાં સરેરાશ ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે. બેંગલોરની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ મેંટલ હેલ્થ એન્ડ ન્યુરોસર્જરીમાં દારૂના વ્યસનીઓ માટે “ડીએડિક્શન”સેન્ટરમાં એક હજાર ખાટલા છે. દર વર્ષે ૪૦૦૦ થી વધારે શરાબીઓ અહીં ચિકિત્સા માટે આવે છે. આ ઉપરાંત અનેકો પોતાના ઘરમાં સ્ત્રી-બાળકોને મારઝૂડ કરતાં હશે, બાળકોના શિક્ષણને બદલે સિગારેટ-દારૂમાં પૈસાનો વ્યય કરતા હશે. મોટરગાડીવાળા હશે તો પોતાની ગાડી બેકાબૂ હાંકીને કોઈ નિર્દોષનાં હાડકાં ભાંગતાં હશે, યા કોઈ કુલદીપકના પ્રાણ હરી લેતા હશે.

દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટમાં પણ “ડીએડિક્શન સેન્ટર” છે, જેના ડૉકટરો જણાવે છે કે એક દાયકામાં ઉત્તર ભારતમાં લિવર સિરોસિસમાં ૬૦ ટકાનો વધારો થયો છે. બેંગલોર કે દિલ્હીમાં જ નહીં, દરેક નાનાં-મોટાં શહેરોમાં ‘આલ્કોહોલિક્સ’ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, હેરોઇન જેવાં ડ્રગ્ઝનો વિરોધ થાય છે, પણ તેના કરતાં વધુ વ્યાપક ચળવળ શરાબ અને તમાકુની વિરુદ્ધ ચલાવવી જરૂરી છે. કારણ કે વ્યસન કામઢા માણસોના હાથ-પગ આળસથી ભરપૂર કરી નાખે છે.

ત્યારે પ્રશ્ન એ છે કે “અનાજ ખાવું કે પીવું છે?” આજના “ઉદારી- કરણ”ના વાતાવરણમાં આ વાત મહત્ત્વની બની જાય છે. અમેરિકામાં માથા દીઠ વાર્ષિક ૬૪૫ કિલો અનાજ પેદા કરાય છે. એમાંથી દરેક અમેરિકન ૩૨૫ કિલો બ્રેડ, બિસ્કિટ, પાસ્તા વગેરે વાનગી સ્વરૂપે આરોગે છે અને ૩૨૦ કિલો અનાજ ઢોરને ખવડાવવા વપરાય છે, જેમાંથી દૂધ અને માંસ મળે છે. આપણા દેશમાં માથા દીઠ ૧૮૦ કિલો અનાજ ઉપલબ્ધ છે. અત્યાર સુધી એ બધું અનાજ આપણે ખાતાં આવ્યાં છીએ. પરંતુ દારૂની બ્રુઅરીઝ આમ વધતી જશે તો આ દારૂનો દૈત્ય આપણા અનાજનો મોટો જથ્થો સ્વાહા કરી જશે. અનાજને આપણે ખોરાક માટે જ ઉગાડવું છે, પીણાં બનાવવાં નહીં તેવા દૃઢ સંકલ્પની જરૂર છે.

“સેવા દાન”સંસ્થાએ મુંબઈની તેર શાળાઓના એસ.એસ.સી.માં ભણતા ત્રણ હજાર વિદ્યાર્થીઓનો તાજેતરમાં સર્વે કરેલો, તો ૪૭ ટકા પીનારા જોવા મળ્યા, પીનારાઓને “શા માટે પીઓ છો.”તેમ પુછાતાં કહે છે, “એનાથી ટેન્શન દૂર થાય છે.”કાચી સમજણના આ પીનારાઓ એ ભૂલી જાય છે કે બિયર હોય કે વીસ્કી, એનાથી કૃત્રિમ અને ક્ષણિક “ટેન્શન-રિલીફ”કે “હાઈ”નો અનુભવ થાય છે, લિવર, જઠર, મગજ, નવર્સ સિસ્ટમને નુકસાન કરીને પીધેલ શરાબને શરીર પેશાબ કે પરસેવા વાટે બહાર ફગાવી દે, તે પછી પેલો “હાઈ”“લો”થઈ જાય છે, અને “ટેન્શન”પાછું જ્યાંનું ત્યાં જ આવી ઊભું રહે છે.

ફળો, અનાજ અને સૂકા મેવાનાં વિવિધ મિશ્રણોને સડાવી તેમાં રસાયણો ઉમેરી આકર્ષક રીતે રજૂ કરવામાં આવતા દારૂની ૩,૦૦૦થી પણ વધુ જાત છે. પરંતુ એક વાર માણસ તમાકુ કે દારૂની લતે ચડે છે, તો આંતરડાનું કૅન્સર કે ડિનિ ફેઇલ્ચર જેવી અસાધ્ય બીમારીઓ ઘર કરી બેસે છે. માનસિક સ્તર પર, ચિંતન- મનનની શક્તિ હણાઈ જવી, એકાગ્રતા ગુમાવવી, “સ્પેલ્સ ઑફ ડિપ્રેશન”ના હુમલાઓ અનુભવવાના લીધે અભ્યાસમાં, ધંધારોજગારમાં કે કૌટુંબિક વ્યવહારોમાં જે સમસ્યાઓ પેદા થાય તેમને કદાચ બોનસ-બીમારી ગણવાની રહે! પીવા માટે પૈસા ન મળે તો ગુંડાગીરી કરતા યુવકોની સંખ્યા વધી છે જે ચિંતાને પાત્ર છે.

દારૂનો દૈત્ય શૈતાનિયતનો જન્મદાતા અને ઇન્સાનિયતનો યમદૂત છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. યુવાન પેઢી દોસ્તોના માન ખાતર, કલાકારો સર્જનાત્મકતાના સબૂત તરીકે, તો કોઈ વટ રાખવા, દારૂ પીવાય છે. નૈતિકતાના પહેરેગીર જેવા પત્રકાર-સાહિત્યકારોને પણ “અંગૂર કી બેટી”ની સોડમ માફક આવી ગઈ છે. તેવા માહોલમાં જરા થોભીને વિચારીએ અને ગુજરાતી જનો પોતાના ઘરમાં બાળકો વચ્ચે પ્રશ્ન મૂકી ચર્ચે કે ઈશ્વરે આપેલ અનાજ કે ફળ ખાવા માટે છે કે દારૂ બનાવી પીવા માટે છે?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top