National

શું ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના લાગૂ થશે? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહી આ વાત..

નવી દિલ્હી: ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં (Gujarat) બે ચરણમાં ચૂંટણી (Election) થવા જઈ રહી છે. જેના માટે તાડામાડ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની (Old Pension Scheme) માંગ જોર પકડી રહી છે. બીજી તરફ બિન-ભાજપ શાસિત રાજ્યોમાં પણ વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહી છે. હવે જયારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ફરીએકવાર અહીં આ બાબત પ્રકાશમાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે પણ વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દરેક ચૂંટણી સમયે સરકાર સામે જૂની પેન્શન યોજના માટે માંગ થાય છે. ઘણા રાજ્યમાં પોલીટિકલ પાર્ટીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવાના વચનો આપ્યા છે. આમાંથી મોટાભાગના કોંગ્રેસ શાસિત રાજ્યો છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબ જેવા રાજયોમાં આ માંગ કરવામાં આવી રહી છે. હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPએ વચન આપ્યું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો મતદારોને આકર્ષવા માટે જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરશે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન આવ્યું છે. નાણામંત્રીએ કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢની માંગને ઠુકરાવી દીધી છે. મીડિયા સાથે વાત કરતી વખતે સીતારમણે જૂની પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢની સરકારો કેન્દ્રને પૈસા પરત કરવા માટે કહી રહી છે જોકે કાયદા હેઠળ આવું થઈ શકે નહીં.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં જમા કરવામાં આવેલા નાણાં તેમાં યોગદાન આપનારા લોકોના છે. રાજ્ય સરકારો તેને કાયદા હેઠળ લઈ શકતી નથી કારણ કે રાજય સરકારનો તેના પર કોઈ અધિકાર નથી. જણાવી દઈએ કે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસે જૂની પેન્શન સિસ્ટમ શરૂ કરવા માટે NPS હેઠળ જમા કરાયેલા પૈસા કર્મચારીઓને પરત કરવાની માંગ કરી છે. જ્યારે આ બંને રાજ્યોનું કહેવું છે કે કેન્દ્ર કર્મચારીઓના પૈસા રાખી શકે નહીં.

કોંગ્રેસ શાસિત રાજ્યો માંગ કરી રહ્યા છે
નાણામંત્રીના જણાવ્યા અનુસાર, ‘કાયદો કહે છે કે NPS હેઠળ કેન્દ્રીય હેડમાં જમા કરાયેલા પૈસા રાજ્યોને આપી શકાય નહીં. તે ફક્ત તે જ કર્મચારીઓને જશે જેઓ તેમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે શું આપણે કાયદો બદલી શકીએ? આ નાણાં માત્ર લાભાર્થી કર્મચારીઓને જ જશે અને કોઈ એક ઓથોરિટી કે એન્ટિટીને નહીં. જણાવી દઈએ કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એનપીએસમાં જમા તેમના રાજ્યોના કર્મચારીઓના પૈસા કેન્દ્ર પાસે માંગી રહ્યા છે. તેમની દલીલ છે કે કેન્દ્ર કર્મચારીઓના પૈસા પરત કરી રહ્યું નથી. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે કેન્દ્રએ NPS હેઠળ નોંધાયેલા રાજ્ય સરકારી કર્મચારીઓને 17,000 કરોડ રૂપિયા પરત કરવાનો ઇનકાર કર્યો છે. ભૂપેશ બઘેલનું કહેવું છે કે કેન્દ્ર લાંબા સમય સુધી પૈસા રાખી શકે નહીં અને રાજ્ય સરકારે આ અંગે કાનૂની અભિપ્રાય માંગ્યો છે અને કોર્ટમાં જઈ શકે છે. એટલે કે આ મામલે કેન્દ્ર અને રાજ્યો આમને-સામને થઈ શકે છે.

કેન્દ્ર સરકારની સાથે નિષ્ણાતો પણ કહે છે કે પેન્શન સિસ્ટમ સરકાર પર ભારે બોજ નાંખી શકે છે. એટલું જ નહીં જૂની પેન્શન સ્કીમથી સરકારી તિજોરી પર વધુ અસર પડી શકે છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે એનપીએસમાંથી જૂની પેન્શન સ્કીમમાં પાછા ફરવાથી રાજ્યો માટે નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે. નવી પેન્શન યોજના (NPS) કુલ જમા રકમ અને રોકાણ પરના વળતર અનુસાર નક્કી કરવામાં આવે છે. આમાં, કર્મચારીનું યોગદાન તેના મૂળ પગાર અને DAના 10 ટકા કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે.

NPS યોજના 1લી મે 2009 થી બધા માટે લાગુ કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી ન હતી. NPSમાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે. જૂની પેન્શન સ્કીમમાં GPFની સુવિધા હતી, પરંતુ નવી સ્કીમમાં તે ઉપલબ્ધ નથી. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે પગારની લગભગ અડધી રકમ પેન્શન તરીકે મળતી હતી, જ્યારે નવી પેન્શન યોજનામાં નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. કારણ કે જૂનું પેન્શન એક સુરક્ષિત યોજના છે, જે સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. તે જ સમયે, નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેમાં બજારની હિલચાલ અનુસાર ચુકવણી કરવામાં આવે છે. જો NPS પર વળતર સારું છે, તો પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની જૂની સ્કીમની તુલનામાં કર્મચારીઓને નિવૃત્તિ સમયે પણ સારી રકમ મળી શકે છે. કારણ કે તે શેરબજાર પર નિર્ભર છે. પરંતુ ઓછા વળતરના કિસ્સામાં, ફંડ પણ નીચે જઈ શકે છે.

Most Popular

To Top