Dakshin Gujarat

ટ્યુશન ગયેલી સગીરા અચાનક થઇ ગાયબ : બારડોલી પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

બારડોલી: બારડોલીમાં ટ્યુશન (Tuition) આવેલી 16 વર્ષીય તરુણી ઘરે નહીં પહોંચતાં માતાએ બારડોલી (Bardoli) ટાઉન પોલીસને (Police) જાણ કરતાં પોલીસે અપહરણની (kidnapping) ફરિયાદ નોંધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના જલગાંવના તારખેડે ગામના અને હાલ પલસાણાના ગાંગપુર ગામે મારુતિ નર્સરીની બાજુમાં આવેલી સાલાસર રેસિડેન્સીમાં રહેતા નેહાબેન વિશ્વનાથ પાટિલની 16 વર્ષીય પુત્રી રીયા ધોરણ-10માં નાપાસ થઈ હોવાથી ફરીથી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નેહાબેને તેની પુત્રી રીયાને બારડોલીના સિધ્ધપુરીયા ટ્યુશન ક્લાસિસમાં એડમિશન કરાવ્યું હતું. 8મી નવેમ્બરના રોજ ટ્યુશનનો પહેલો દિવસ હોવાથી નેહા તેની દીકરીને બપોરે અઢી વાગ્યે રિક્ષામાં બેસી બારડોલી મૂકવા માટે આવી હતી.

છકડો રિક્ષામાં પેસેન્જર ભરાય એટલે આવું એમ જણાવ્યું હતું
ત્રણ વાગ્યે ટ્યુશનમાં બેસાડી તેણી ઘરે પરત જતી રહી હતી. ટ્યુશન સાંજે 4 વાગ્યે છૂટી જતું હોવા છતાં પાંચ વાગ્યે પણ નેહા ઘરે પહોંચી ન હતી. નેહાએ ફોન કરતાં રીયાએ પોતે નીકળી આવી છે અને છકડો રિક્ષામાં પેસેન્જર ભરાય એટલે આવું એમ જણાવ્યું હતું. અડધો કલાક બાદ પણ પુત્રી ઘરે નહીં આવતાં ફરીથી ફોન કર્યો હતો, પરંતુ રીયાનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. ટ્યુશન ક્લાસ પર ફોન કરતાં રીયા ત્યાંથી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. શોધખોળ છતાં રીયા મળી આવી ન હોવાથી નેહાએ બારડોલી ટાઉન પોલીસમથકમાં જાણ કરી હતી. પોલીસે નેહાબેનની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મજૂરી કામે આવેલા પરિવારની સગીરાને લગ્નની લાલચે યુવાને ગર્ભવતી બનાવી

ઉમરગામ : ભીલાડ નરોલીમાં મજૂરી કામે આવેલા પરિવારની એક સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી સાથે રહેતા યુવાને ગર્ભવતી બનાવી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભીલાડ નરોલીમાં મજૂરી કામે આવેલા પરિવારની એક 14 વર્ષની સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી સાથે રહેતા યુવાને ભીલાડ નરોલી નજીક એક હોટલમાં લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું .

ખબર પડી હતી કે 19 અઠવાડિયાનો ગર્ભ છે
આ સગીરવયની યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેણીના પરિવારજનો ચીખલી ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ખબર પડી હતી કે 19 અઠવાડિયાનો ગર્ભ છે. જેથી પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનોએ આ બનાવ સંદર્ભે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કૈલેશ નરોતમ વસાવા (રહે નવીનગરી વસાહત પારસી ફળિયા સોમલાપાડા તાલુકા ડેડીયાપાડા નર્મદા) વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top