Gujarat Election - 2022

ભાજપ દ્વારા ખુલ્લેઆમ ચૂંટણીની આચારસંહિતાના નિયમોની ઠેકડી ઉડાવાઈ રહી છે: આલોક શર્મા

અમદાવાદ: ભાજપ (BJP) દ્વારા સરેઆમ ચૂંટણીની (Election) આદર્શ આચારસંહિતાના નિયમોની ઠેકડી ઉડાવાઈ રહી છે. આજે દાંતાના ભાજપના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી મતદારોને જાહેરમાં રૂપિયા વહેંચી રહ્યા છે તેવો વિડીયો (Video) બહાર આવ્યો છે. ચૂંટણી પંચે આ બાબતે કડક પગલા લઇ ઉમેદવારની ઉમેદવારી રદ કરવી જોઈએ જેથી કરીને અન્ય તત્વો ઉપર એક આદર્શ દાખલો બેસાડાય, પરંતુ ચૂંટણી પંચનો ભૂતકાળનો અનુભવ પણ લોકશાહીને છાજે તેવો રહ્યો નથી, તેવું રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.

આલોક શર્માએ વધુમાં કહ્યું હતુ કે ધોળકાના ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા બાબતે અમારા ઉમેદવારે પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં ચૂંટણી પંચના અધિકારીઓએ નિષ્પક્ષતા દાખવી ન હતી પરિણામે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા અને કોર્ટ દ્વારા ચાર વર્ષ પછી ભાજપના ઉમેદવારની વિરુદ્ધમાં આદેશ થયો, અને અત્યારે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલી રહી છે. આમ એક આખી ટર્મ તેઓએ બીનઅધીકૃત હોવા છતાં વિધાનસભામાં હાજર રહ્યા. આચારસંહિતા ભંગની અસંખ્ય ફરિયાદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી પંચ પોલીસને તપાસ માટે આદેશ કરે છે અને પોલીસ ફરિયાદીને જ બોલાવીને ધમકીઓ આપી રહી છે. નિષ્પક્ષ ચૂંટણી એ લોકશાહીનું મજબુત પાસું છે પરંતુ આજે ચૂંટણી પંચ સવાલોના ઘેરામાં છે.

ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આદર્શ આચારસંહિતા પ્રમાણે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ હોવો જોઈએ પરંતુ નોટબંધીના રૂપિયા, ઉદ્યોગગૃહો પરના દબાણના કારણે ટીવી ચેનલોમાં ભાજપ તરફી ઓપિનિયન પોલ દર્શાવવાની હોડ ચાલી રહી છે. આ ચેનલો કદી પોતાના સર્વે કરાયેલા વ્યક્તિઓનો ડેટા બહાર પાડતી નથી. ગુજરાતમાં પાંચ કરોડ જેટલા મતદારો છે પરંતુ બે હજારથી વીસ હાજર સુધીના સેમ્પલ સર્વે કરીને ફ્લોટિંગ વોટરના માનસપટલ પર ભાજપની તરફેણમાં પ્રવાહ હોય તેવું દર્શાવાય રહ્યું છે. જાતિ અને સમુદાયના મતોની ટકાવારી પણ દર્શાવાય રહી છે. પ્રશ્નાવલી પણ ભાજપના તરફેણમાં હોય તેવી બનાવાઈ રહી છે. ઓપિનિયન પોલમાં કદી લઠ્ઠાકાંડ, મોરબી દુર્ઘટના, મંદી, બેરોજગારી, પેપર ફૂટવાનો મુદ્દો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દા પૂછવામાં આવતા નથી. આવા ફેક ઓપિનિયન પોલ દ્વારા મતદારોને ભ્રમિત કરીને આડકતરી રીતે ભાજપને મદદ થઇ રહી છે.

Most Popular

To Top