Comments

ગુજરાતમાં કોંગ્રેસ ‘ઐતિહાસિક’ પાર્ટીમાંથી ‘ઇતિહાસ’ બનવા તરફ છે…!

ગુજરાતમાં કોંગ્રેસ કેમ જીતતી નથી? કદાચ આ પ્રશ્નનો જવાબ ગુગલ પાસે પણ નથી. ગુજરાતમાં ભાજપ છેલ્લાં 30 વર્ષોથી કેમ શાસન કરે છે? ભાજપના કોઈ નેતાને પૂછો તો કહેશે સરકાર સારું કામ કરે છે પાર્ટી સરખી રીતે કામ કરે છે એટલે? કોંગ્રેસને પૂછશો તો જવાબ મળશે કે બસ થોડાક માટે અમે રહી જઈએ છીએ.

એટલે બાકી તો ગુજરાતમાં ભાજપ ક્યારેય આવે જ નહિ.ગુજરાતની પ્રજાને પૂછો તો જવાબ મળશે કે બીજો કોઈ સારો વિકલ્પ નથી એટલે, ગુજરાતની પ્રજા છેલ્લાં 30 વર્ષોથી કોંગ્રેસને ક્યારેય ભાજપના વિકલ્પ તરીકે તો જોતી જ નથી.

હા જયારે જયારે ગુજરાતમાં લોકો સરકારથી નારાજ થાય ત્યારે કોંગ્રેસને મત નાખી આવે છે કેમકે ગુજરાતમાં ભાજપનો વિરોધ કરી શકે કે ભાજપ સામે ઊભી રહી શકે એવી કોઈ પાર્ટી હતી જ નહિ, હવે આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં ઝંપલાવ્યું અને પરિણામ બધાની સામે જ છે.

જે સુરતમાં 2015 ની કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના 36( છત્રી) કોર્પોરેટર જીત્યા હતા એ જ સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં 2021 માં કોંગ્રેસ 0 ( શૂન્ય) ( કાગડો ) થઇ ગઈ એટલે 2015 માં કોંગ્રેસની છત્રી 2021 માં આમ આદમી પાર્ટીના વરસાદમાં કાગડો થઇ ગઈ, હવે પ્રશ્ન થાય કે કેમ આવું ?

છેલ્લાં 30 વર્ષોમાં ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે વર્ષોથી ગુજરાતમાં ભાજપ જીતતું નથી પણ કોંગ્રેસ હારે છે એટલે ભાજપ છે,બાકી ભાજપને સત્તા ટકાવી રખાવામાં સો ટકા મુશ્કેલી પડે,

ગુજરાતમાં કોંગ્રેસનું પતન 1990 ના દાયકાથી થયું, એની પાછળ બીજું કોઈ નહિ, પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ જવાબદાર હતા.1990 નો સમયગાળો એવો હતો કે જયારે ગુજરાતમાં ભાજપ એનું સ્થાન શોધતું હતું. બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ એકબીજાને પાડી દેવા માટે આડકતરી રીતે ભાજપને મદદ કરતા હતા.

માધવસિંહ સોલંકી,અમરસિંહ ચૌધરી, ઝીણાભાઈ દરજી,આ ત્રિપુટી વચ્ચે ગુજરાત કોંગ્રેસના એવા ટાંટિયા ખેંચાયા કે કોંગ્રેસના નેતાઓ પ્રત્યે ગુજરાતના લોકોને ચીડ થવા લાગી.આ જ સમયગાળામાં ચીમનભાઈ પટેલનો સૂર્યોદય થયો, એમની પાછળ પણ કોંગ્રેસના નેતાઓની આંતરિક જૂથબંધી જ જવાબદાર હતી.

કોંગ્રેસથી કંટાળીને ચીમનભાઈએ કોંગ્રેસ છોડીને પહેલાં જનતાદળ પાર્ટીની ગુજરાતમાં સરકાર બનાવી,પછી જનતાદળ (ગુ) નામે પોતાની પાર્ટી બનાવી ને આ સમયગાળામાં ગુજરાતમાં ઊગી રહેલા કમળના ફૂલનો સથવારો કરી ચીમનભાઈએ ગુજરાતની સત્તા જાળવી રાખી.જો કે પાછળથી કમળ જોડે ગોઠ્યું નહિ એટલે છેડો ફાડી પાછા કોંગ્રેસમાં આવ્યા.

કોંગ્રેસમાં પાછા ફર્યા ત્યારે એમની સામે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ મોરચો ખોલીને બેઠા હતા.એ જ્યાં સુધી પાર્ટીમાં રહ્યા ત્યાં સુધી પાર્ટી મજબૂત કરવાની જગ્યાએ એમની શક્તિઓ પાર્ટીમાં રહેલા એમના વિરોધીઓને પુરા કરવામાં કે પછી એમની સામે લડવામાં જ વાપરી.

કોંગ્રેસમાં 1980 થી જૂથબંધીનો એવો રાફડો ફાટ્યો કે 1990 આસપાસ તો કોંગ્રેસ એની અણી પર આવીને ઊભી રહી ને 1990 પછી ગુજરાતમાં કોંગ્રેસના પતનની શરૂઆત થઇ ને 1996 પછી લગભગ કોંગ્રેસ સહકારી માળખાથી શરૂ કરી જિલ્લા તાલુકા બધા જ ક્ષેત્રે એક પછી એક નામશેષ થતી ગઈ.

1995 નાં પરિણામો પછી ભાજપના નેતા અટલબિહારી વાજપાઇએ પણ કબૂલ્યું હતું કે એમને ગુજરાતમાં ધાર્યા કરતાં વધારે સારાં પરિણામો મળ્યાં હતાં.  હવે તમે જ વિચારો કે ભાજપના નેતા નહોતા ધારતા એના કરતાં પણ વધારે સારી જીત કોના કારણે મળી? 2002 પછી એક સમય તો એવો આવ્યો કે કોંગ્રેસ શોધ્યે જડતી નથી.

એવું નથી કે બધી જ બદીઓ, બધી જ તકલીફો કોંગ્રેસમાં જ હતી. ભાજપમાં પણ ભારે તકલીફો અને મુશ્કેલીઓ આ દરમ્યાન હતી, પણ કોંગ્રેસના નેતાઓ આંતરિક લડાઈમાં એટલા વ્યસ્ત હતા કે ભાજપની નબળાઈઓ જોઈ સમજી જ ન શક્યા ને પરિણામે આજે 30 વર્ષોથી ગુજરાતમાં સત્તા મેળવવાના સપનાં જ જુએ છે.

2017 આ એક એવો સમયગાળો હતો કે જયારે ગુજરાતમાં કોંગ્રેસને જીવતદાન મળે કે જીવી શકે એવા બધા જ સંજોગો હતા.ગુજરાતમાં ભાજપ પાસે મોદી ગયા પછી કોઈ ચેહરો નહોતો. આંતરિક લડાઈ પણ ભાજપમાં ખૂબ વધારે હતી.

સ્થાનિક અનેક પ્રશ્નો ભાજપ સરકાર સામે મોઢું ફાડીને ઊભા હતા. અનામત આંદોલનના કારણે સરકાર સામે વર્ષોથી ભાજપને મત આપતો પાટીદાર નારાજ હતો, ખેડૂતોના મુદ્દે સરકાર ફસાયેલી હતી,એન્ટી ઈન્કમ્બન્સીનું ફેક્ટર હતું, છતાં કોંગ્રેસ ગુજરાતમાં હારી,કેમ કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ નહોતા ઇચ્છતા કે ગુજરાતમાં કોંગ્રેસ જીતે. 2017 માં કોંગ્રેસને હરાવવાની શરૂઆત કરનારા શંકરસિંહ હતા.

1996-97 પછી ભાજપમાં એમને કાંઈ ન મળ્યું એટલે ભાજપ છોડીને કોંગ્રસના હાથના સાથથી આગળ વધ્યા. કોંગ્રેસે એમને પ્રદેશ પ્રમુખ,કેન્દ્રીય મંત્રી અને છેલ્લે વિરોધ પક્ષના નેતા પણ બનાવ્યા છતાં એમને 2017 માં મુખ્યમંત્રી બનવું હતું એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સામે તંબુ તાણીને બેસી ગયા.એમની સાથે સમાધાનની અનેક ફોર્મ્યુલા પર કોંગ્રેસ તરફથી વિચાર થયો, પણ મળ્યું શું? કાંઈ નહિ. બાપુ માન્યા નહિ ને છેડો ફાડી બેઠા. એ પછી એમનું શું થયું એ તો આખો ઇતિહાસ છે,પણ બાપુ અને ભરતસિંહની આંતરિક ખેંચતાણમાં કોંગ્રેસની સરકાર બનતાં બનતાં રહી ગઈ.

2017 માં કોંગ્રેસમાં જ ઘણા એવા નેતા હતા કે એવું માનતા કે આ વખતે સરકાર બની જ જશે એટલે ભરતસિંહ મુખ્યમંત્રી બનશે.વળી જો ભરતસિંહ મુખ્યમંત્રી બન્યા તો એમનો એકડો નીકળી જશે, પરિણામ સ્વરૂપ આવું માનનારા કોંગ્રેસી નેતાઓએ જ ભરતસિંહ મુખ્યમંત્રી ન બને એ માટે કોંગ્રેસમાં જ રહી ને કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું.

હવે ઘરનો ભેદી હોય તો લંકા  જ જાય ને ? થયું પણ એવું જ. કોંગ્રેસની આંતરિક લડાઈમાં ભાજપનાં અનેક વિરોધી પરિબળો હોવા છતાં ભાજપ જીતીને કોંગ્રેસ હારી ગઈ. હવે તમે જ વિચારો કે આ સ્થિતિમાં ભાજપે ક્યાં કોઈ મહેનત કરવાની છે? જયારે કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસને હરાવતા હોય તો ભાજપ ગુજરાતમાં 23 નહિ, 300 વર્ષ શાસન ન કરે તો જ નવાઈ.

વાત હવે 2019 ની કરીએ તો 2017 ની હારમાંથી કોંગ્રેસી નેતાઓએ કાંઈ શીખવું જોઈએ કે આપણે થોડા માટે રહી ગયા,પણ શીખે એ બીજા કોંગ્રેસી, 2019 માં લોકસભાની ચૂંટણીઓ વખતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓએ તલવાર તાણી,વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાનું જૂથ ઊભું કર્યું અને 2019 નું પરિણામ બધાની સામે છે. હવે 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વિષે વાત કરીએ તો આ વખતે પણ કોરોનાથી માંડી પેટ્રોલ ડીઝલ, મોંઘવારી જેવા અનેક મુદ્દા હતા, પણ ન તો કોંગ્રેસના નેતાઓને કાંઈ પડી હતી કે ન તો કોંગ્રેસના દિલ્હી દરબારને, કોંગ્રેસના કહેવાતા મોટા નેતાઓ ફરીથી ભરતસિંહની કાર્યશૈલી વિરુદ્ધ એક જૂથ થઇને ભરતસિંહને હરાવવા માટે કોંગ્રેસને હરાવી પરિણામ બધા સામે છે.

આખા સીનમાં કોંગ્રેસ પૂરી થઇ જવાની એ વાત નક્કી છે.ફરીથી કોંગ્રેસ સામે કોંગ્રેસ છે,ફરીથી કોંગ્રેસના જ નેતાઓ પોતાની જ પાર્ટીને હરાવવા સામે આવ્યા છે.આ નેતાઓ એટલી વાત સામાન્ય રીતે નથી સમજી શક્યા કે 30 વર્ષથી કોંગ્રેસ આ જ કારણોને લીધે સત્તામાં નથી. એક વખત કોંગ્રેસની સત્તા આવી જાય પછી જે હોય એ મુદ્દા ઉકેલી લઈશું,કોંગ્રેસ જીવતી રહેશે.

ગુજરાતમાં તો એમનું રાજકારણ પણ જીવતું રહેશે,જો કોંગ્રેસ જ નહિ હોય તો એ ક્યાંથી હશે,પણ આ લોકોને કદાચ પાર્ટી કરતાં પોતાનો સ્વાર્થ વધારે હાવી લાગે છે. પાર્ટી આ લોકો માટે મહત્ત્વની નથી લાગતી,નહિ તો આવું કોઈ કૃત્ય કરે જ નહિ, હજી પણ કોંગ્રેસી નેતાઓ જો સંપ ત્યાં જમ્પમાં ન માન્યા તો પછી કોંગ્રેસ ઐતિહાસિક પાર્ટીમાંથી ‘ઇતિહાસ’ બની જશે.

          – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top