Vadodara

ચોખંડી વિસ્તારમાં ઓઈલ ડેપોમાં મધરાતે આગ: તંત્રમાં દોડધામ, આસપાસના રહીશોમાં ગભરાટ

ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ઓવરહિટિંગના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા

વડોદરા | તા. 1 મે
વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલા અજય ઓઈલ ડેપોમાં મધરાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓઈલ ડેપોમાં આગ લાગતા આગ વધુ વિકરાળ બનવાની ભીતિ વચ્ચે તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું.

આગ લાગી હોવાનો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ઓઈલ જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગ ફેલાવાનો ખતરો વધુ હોવાથી ફાયર વિભાગે સમયસૂચકતા દાખવી ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લીધી હતી.

આ બનાવને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો સલામતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઉનાળાની વધતી ગરમીને કારણે ઓવરહિટિંગ થવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડેપોમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા ઉનાળાના દિવસોમાં ખાસ કરીને જ્વલનશીલ પદાર્થો ધરાવતા એકમોને વધુ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top