Gujarat

કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં પકડ ગુમાવી, છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસે 12 ધારાસભ્યો ગુમાવ્યા

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ દરમિયાન ગુજરાતમાં (Gujarat) ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) સત્તા સંઘર્ષ માટે મેદાને છે. કોંગ્રેસ માટે 2022ની વિધાનસભાની ચૂંટણી 2017ની સરખામણીએ ખૂબ આકરી રહેશે. ગુજરાતમાં 2017થી 2022 આવતા સુધીમાં સાથે 20થી વધુ ધારાસભ્યો ગુમાવ્યા છે.

આ દરમિયાન ફક્ત સૌરાષ્ટ્ર- કચ્છ ઝોનમાંથી જ કોંગ્રેસે 5 વર્ષ દરમિયાન 12 ધારાસભ્યો ગુમાવ્યા છે. કોંગ્રેસની પકડ સૌરાષ્ટ્રમાં ઓછી થઈ ગઈ છે તે આ આંકડા જોતા સ્પષ્ટ થઈ જાય છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા પર આવવાની આશા બંધાઈ હતી. પરંતુ પરિણામમાં આશા પર પાણી ફરીવળ્યું. પરંતુ કોંગ્રેસનો દેખાવ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો હતો. પરંતુ કોંગ્રેસને પક્ષ પલટાનું ગ્રહણ લાગ્યું હતું. વર્ષ 2018થી જ કોંગ્રેસમાં દર વર્ષે ધારાસભ્યોએ રાજીનામાં દેવાની શરૂઆત કરી દીધી હતી. આ રાજીનામાની શરૂઆત પણ સૌરાષ્ટ્ર થી જ થઈ. જસદણ બેઠકના ધારાસભ્ય અને કોળી સમજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ રાજીનામું ધરી દીધું અને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થવા લાગ્યો હતો.

2017નું પરિણામ સૌરાષ્ટ્ર ઝોન
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોંગ્રેસની પકડ વધુ મજબૂત છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની હાલની સ્થિતિ
આ ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે જેમાં 54 વિધાનસભાની સીટ આવેલ છે જેમાં ભાજપને 31 કોંગ્રેસને 20 એનસીપી પાસે 1 બેઠક છે. તથા પાબુભા માણેક દ્વારકા બેઠક પરથી ગેરલાયક ઠર્યા હતા અને અપીલ કરતા હજુ બેઠક ખાલી છે જ્યારે જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ધારાયસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું ધરી દેતા આ બેઠક પણ ખાલી છે. ત્યાર બાદ તાલાલા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડએ રાજીનામું આપી દીધુ. ત્યાર બાદ મોહનભાઈ વાળાએ રાજીનામું આપી દીધું. 2022 આવતા આવતા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં કોંગ્રેસે 12 ધારાસભ્યો ગુમાવ્યા. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં ભાજપની પકડ વધુ મજબૂત થઈ.


જાણો કોણે કોણે છોડ્યો કોંગ્રેસનો હાથ
2018
વર્ષ 2018માં જસદણ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દીધું
2019
વર્ષ 2019માં ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પુરુસોત્તમ સબરિયાએ રાજીનામું આપી દીધું
વર્ષ 2019માં જામનગર બેઠકના ધારાસભ્ય વલ્લભ ઘાવરિયાએ રાજીનામું આપી દીધું
વર્ષ 2019માં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું
2020
વર્ષ 2020માં ધારી બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ રાજીનામું આપી દીધું.
વર્ષ 2020માં ગઢડા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપી દીધું.
વર્ષ 2020માં મોરબી બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધું.
વર્ષ 2020માં અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું.
વર્ષ 2020માં લીંબડી બેઠકના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દીધું
2022
વર્ષ 2022માં વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું આપી દીધું.
વર્ષ 2022માં છોટાઉદેપુરના મોહનસિંહ રાઠવાએ રાજીનામુ આપી દીધુ
વર્ષ 2022માં તાલાલા બેઠકના ભગવાન ભાઈ બારડે રાજીનામું આપી દીધું
વર્ષ 2022માં કોડીનાર બેઠકના ધારાસભ્ય મોહનભાઇ વાળાએ રાજીનામું આપી દીધું

Most Popular

To Top