Business

મોંઘેરા મહેમાનોની પધરામણી

સુરતના આંગણે મક્કાઇપુલ પરનું વહેલી સવારનું વિદેશી શિયાળુ પક્ષીઓની પધરામણીનું દૃશ્ય ખરેખર જોવાલાયક હોય છે. એ મોંઘેરા મહેમાનોની સરભરા કરવામાં સુરતીઓ કોઇ કસર રાખતા નથી. એની સાથે માન ન માન, મુજે મહેમાન કાળા કૌઆઓની જમાત પણ એ પક્ષીઓના ટોળેટોળામાં આસાનીથી ભળી જાય છે. એ રીતે મહાદેવ ભેગા પોઠિયા પણ પૂજાય છે. જાતજાતની વાનગીની જયાફત ઉડાવે છે. પેટ ભરીને સંતુષ્ટ થાય છે. કાળા કૌઆના કર્કશ સંગીત સાથે શ્વેત વસ્ત્રધારી પક્ષીઓનો કલરવ ભળી જાય છે.

ત્યારે પુરાણી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના સંગીતની યાદ અપાવે છે. મીઠા મધુરા સંગીત સાથે આપણા માથા પરથી ઉડાઉડ કરતાં પક્ષીઓનું બ્લેક એન્ડ વ્હાઇટ આકાશી વાતાવરણ રળિયામણું બની જાય છે. કુદરતે કરેલા આ અલૌકિક સર્જન માટે મને ગુજરાતી ગીતની ફરી યાદ તાજી થાય છે. ‘રે પંખીડાં સુખથી ચણજો, ગીતવા કાંઇ ગાજો’ સુરતનું જમણ હવે માનવી માત્ર માટે રહ્યું નથી, પરંતુ પક્ષીઓ પણ એના અધિકારી બની ગયાં છે. શિયાળુ પક્ષીઓ આગળથી સુરતીઓનાં મન પ્રસન્ન થઇ જાય છે. સુરતીઓ ખાય છે અને ખવડાવી પણ જાણે છે. વેલકમ, તમે દર વર્ષે આવતાં રહેજો. અમારા કાકા કૌઆઓની કા.કા.કાની પુકાર સાંભળતાં રહેજો.
સુરત    -જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બધું જ સરકારને માથે
તા. 28.11.23ના ગુ.મિ.માં 5મે પાને સમાચાર છે કે ‘ખેડૂતોને થયેલા નુકસાનના સરવેની પેટર્ન અને વળતરમાં ફેરફાર કરવાની માંગ’ આ વાત કોટન ફેડરેશનના મંત્રી જયેશ પટેલે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી વળતર ચૂકવવા જણાવ્યું. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ભારત સરકાર બજેટમાં સારી એવી રકમ ફાળવે છે. કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયા (હવે બદલી ભારત કરવું જોઇએ) જો દેશની ખેતીવિષયક બાબતનું ધ્યાન રાખતી હોય તો તેમાં કાંઇ બધા ખેડૂતો કે અભણ વ્યકિત બેઠેલાં હોતાં નથી. ઉચ્ચ શિક્ષણ અને તે પણ ખેતીવિષયક લીધેલી વ્યકિત પણ હોય છે. મંત્રીએ સરકારને પત્ર લખવા કરતાં બીજા ધનાઢય ખેડૂતો પાસે તથા પોતાના અધિકારીઓ દ્વારા ઉઘરાણું કરી જે ખેડૂતોને નુકસાન થયું છે તે પોતે સરવે કરાવીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે.

ભારત સરકાર અને રાજય સરકારો આમ પણ દેવાના ભારથી મુકત નથી હોતી. વળી આ નુકસાન એક અકસ્માત છે. દર વર્ષે કમોસમી વરસાદ પડતો નથી અને દર વર્ષે કાંઇ નુકસાન થતું નથી. ઘણા ખેડૂતો દેવું કરીને ખેતીનો ભાર ઉપાડે છે અને આવા અકસ્માતથી તો એ બધા બેહાલ થઇ જાય છે. રાજય સરકારના પક્ષના સભ્યોએ પણ આમાં મદદ કરવી જોઇએ. પ્રજા પાસે ઉઘરાણું કરાવી આવા આકસ્મિક નુકસાનમાં મદદ કરી શકે છે.આમ આવી રીતે સરકાર વગર જો મદદ થઇ શકે તો સોનામાં સુગંધ ભળે અને આવી રીતે મદદ કરી શકાય એમ છે.
સુરત     – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top