Business

અનામતથી ગરીબી કે અસમાનતા દૂર ન થાય

બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામતો ચાલી આવે છે પણ તેનાથી દેશનાં આદિવાસીઓની ગરીબી કે પછાત વર્ગોનું પછાતપણું દૂર થયું નથી. છતાંય દેશમાં કેટલાક રાજકારણીઓ આદિવાસીઓ વધુ ને વધુ અનામતોનો લાભ આપતા રહે છે. હમણાં નીતીશકુમારે બિહારમાં જ્ઞાતિ આધારિત અનામતોનું પ્રમાણ 49 ટકાથી વધારી 75 ટકા કરી દીધું છે. તેમનું વલણ તો એવું છે કે, જાણે બિહારની બધી જ સમસ્યાઓને એક જ ઝાટકામાં નિવારી દઉં. નીતીશકુમારે બિહારમાં જ્ઞાતિ આધારિત સર્વે કરાવ્યો તે મુજબ બિહારમાં 34 ટકા પરિવારોની માસિક આવક છ હજારથી ઓછી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં 33 ટકા છે. નીતીશકુમાર કહે છે કે આ ગરીબી માટે જ્ઞાતિવાદી અસમાનતા અને શોષણ જવાબદાર છે અને તેનો ઇલાજ અનામતોને વિસ્તારવામાં છે. નીતીશકુમાર અનામતોને વિસ્તારવાને બદલે રોકાણકારોને આકર્ષવાની, નાના અને મધ્યમ ઉદ્યોગને ઉત્તેજન આપવાની બાગાયત અને મત્સ્યોદ્યોગમાં રોકાણ વધારી મહિલાઓની રોજગારી વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે. અનામતોનું પ્રમાણ વધારવાથી તો જ્ઞાતિવાદ વધશે. તેને લીધે રોકાણકારો અને ઉદ્યોગપતિઓ નિરુત્સાહ થશે. નીતીશકુમારને બિહારનાં ગરીબો અને વંચિતોની એટલી જ ચિંતા હોય તો તેઓ બિહારની શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ કેમ સુધારતા નથી?

હકીકતમાં તો દેશના તમામ ડાબેરી પક્ષો અને નેતાઓ માને છે કે રાજકારણમાં આર્થિક વિકાસ, પ્રગતિ અને સંપત્તિ સર્જનથી કશું મળવાનું નથી. સામાજિક ન્યાયના નામે એકનું ખૂંચવી લઇને બીજાને આપો તો તમારી ગાડી ચાલે. આ બધા પક્ષો જ્ઞાતિવાદી વસ્તી ગણતરીની માગ કરી રહ્યા છે તેને પગલે જ્ઞાતિવાદી અનામતો વિસ્તારવાની વાત થશે. અનામતોથી નોકરીઓ પેલ થવાની નથી. મોદી અને શાહ આ રમત અને તેનાથી થનારાં ભયાનક પરિણામો સમજે છે, પણ તેનો વિરોધ મજબૂરીને લીધે કરી શકતા નથી. આ લોકશાહીની કરુણતા છે.આ બધું કરવા પાછળ વિરોધ પક્ષોનો મૂળ હેતુ દેશના બહુમતિ સમાજની એકતા તોડવાનો છે જે હજારો વર્ષોથી સંસ્કૃતિ અને ઇતિહાસથી જોડાયેલા છે. તેને જ્ઞાતિના શસ્ત્રથી તોડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. એમ કરવા જતાં સમાજના અને દેશના ટુકડા થઈ જાય, વિકાસની પીછેહઠ થાય તેની વિપક્ષોને પરવા નથી.
બારડોલી  – રાકેશ માવાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.                    

Most Popular

To Top