Columns

સુપ્રીમ કોર્ટે ૩૭૦મી કલમના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા છે

ભારતના બંધારણ અને કલમ ૩૭૦ વચ્ચેના સંબંધની ક્લાઇમેક્સ છેવટે આવી ગઈ છે. એક લાંબી વાર્તા ઘણા વળાંકોમાંથી પસાર થઈને સુપ્રીમ કોર્ટના દરવાજે સમાપ્ત થઈ છે. વાસ્તવમાં તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ જ્યારે સંસદે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો ત્યારે જ કલમ ૩૭૦ મૃત્યુ પામી હતી. તેના માત્ર અંતિમ સંસ્કાર બાકી હતા, જે સોમવારે પૂર્ણ થયા હતા. સંસદ પહેલેથી જ જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાનું વિસર્જન કરી ચૂકી હોવાથી સુપ્રીમ કોર્ટે જે કર્યું તે કલમ ૩૭૦ના અંતિમ સંસ્કાર જેવું હતું. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં થોડો સમય લાગ્યો હતો. જો કે અંતે તે સમય પાછો આવ્યો ન હતો. કલમ ૩૭૦ના મૃત્યુદંડને ઠપકો આપ્યાનાં ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે મોટા ભાગના લોકોની અપેક્ષા મુજબ તેને ઔપચારિક રીતે દફનાવી દીધી છે.

કાયદેસર રીતે કલમ ૩૭૦ને નાબૂદ કરવાનું કામ અભિમન્યુના સાત કોઠા ભેદવા જેવું કઠિન હતું. સરકારે આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો હતો, જે દેવતાઓની મદદ છતાં અભિમન્યુ પણ કરી શક્યો નહોતો. આ કામ ખૂબ જ ચતુરાઈથી પાર પાડવામાં આવ્યું હતું. ૩૭૦મી કલમમાં સુધારો કરવા માટે અથવા તેને નાબૂદ કરવા માટે સાડા છ દાયકા પહેલાં અસ્તિત્વમાં રહેલી જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણની જરૂર હતી. સુપ્રીમ કોર્ટે તેને અલગ રીતે જોયું હતું. બહુમતી જજોના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ૩૭૦મી કલમને નાબૂદ કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે અને બંધારણ સભાની ભલામણ વિના તેનો ઉપયોગ કરી શકાય છે.

આ નિર્ણયથી અનુચ્છેદ ૩૭૦નું મૂળ માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ કલમ મુજબ, સ્વતંત્ર ભારતની દરેક સરકાર માનતી હતી કે જમ્મુ અને કાશ્મીર અને ભારત વચ્ચેના સંબંધો ઓછામાં ઓછા ઔપચારિક રીતે જમ્મુ અને કાશ્મીરનાં લોકો અને બાકીના ભારતના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી નક્કી કરવામાં આવશે. આ ભારત સરકાર દ્વારા ૨૭ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ મહારાજા હરિસિંહને આપવામાં આવેલા ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશનને સ્વીકારવાના વચનને પૂર્ણ કરવાનો પ્રયાસ હતો, જેમાં તેણે મહારાજાને ખાતરી આપી હતી કે રાજ્યનું ભવિષ્ય નક્કી કરવા માટે જાહેર જનતાના અભિપ્રાયને માન આપવામાં આવશે. હવે જમ્મુ-કાશ્મીરના લોકોને આ પ્રક્રિયામાં પોતાનો અવાજ ઉઠાવવાની તક આપ્યા વિના કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી છે. ચાર વર્ષ વીતી ગયાં પછી સુપ્રીમ કોર્ટ ભારત સરકારને અલગ પ્રક્રિયા અપનાવવા દબાણ કરવા માગતી ન હતી તે સમજી શકાય તેવું છે. જો કે, ફક્ત રાષ્ટ્રપતિ જ કલમ ૩૭૦ને નાબૂદ કરી શકે છે, તેવું કહેવું એ પવિત્ર વચનને પાછું ખેંચવા જેવું છે. આ કલમ ૩૭૦ની શબપેટીમાં છેલ્લી ખીલી લાગે છે.

કદાચ એવું કહી શકાય કે અનુચ્છેદ ૩૭૦ કેટલીક રીતે અસાધારણ જોગવાઈ છે, માટે તેના અર્થઘટનની અલગ યોજના જરૂરી છે. પરંતુ કલમ ૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન શું કરી શકાય કે શું ન કરી શકાય? તે એક પ્રશ્ન છે, જે ફક્ત જમ્મુ અને કાશ્મીર પૂરતો મર્યાદિત નથી. આ એક બંધારણીય પ્રશ્ન છે જે ભારતીય સમવાય તંત્રના ભાવિ પર મોટી અસર કરે છે. ભારતીય બંધારણ સંસદને રાજ્યની સીમાઓ ફરીથી દોરવાની અથવા નવું રાજ્ય બનાવવાની સત્તા આપે છે, પરંતુ તે કામ અસરગ્રસ્ત રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય લીધા પછી જ કરી શકાય છે. જરા વિચારો, જો પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તો શું સંસદ પશ્ચિમ બંગાળની સીમાઓને ફરીથી દોરી શકે છે અને રાજ્ય વિધાનસભાની ગેરહાજરીમાં ગોરખાલેન્ડ બનાવી શકે છે? જો કે આ રાજકીય રીતે દૂરનું લાગે છે; તો પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ શક્યતાને દૂર કરતો નથી, કારણ કે તેણે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે કાનૂની રીતે સ્વીકાર્યું છે.

સર્વોચ્ચ અદાલતનું કહેવું યોગ્ય છે કે બંધારણની કલમ ૩૫૬ પોતે રાષ્ટ્રપતિને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સત્તાઓ આપે છે. કદાચ આજે તે પૂછવું યોગ્ય છે કે શું બંધારણની આ કલમ ખરેખર એકતાને પ્રોત્સાહન આપે છે કે તેનો વિરોધાભાસ છે? જો રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આ નિર્ણયની અને કલમ ૩૭૦ને નાબૂદ કરવાની જરૂર ન પડી હોત. તા. ૬ સપ્ટેમ્બર, ૧૯૫૨ના રોજ રાજેન્દ્રપ્રસાદે કહ્યું હતું કે ‘‘કલમ ૩૭૦(૩) કલમમાં સુધારો કરવાની અથવા તેને નાબૂદ કરવાની સત્તાનો વારંવાર ઉપયોગ કરી શકાતો નથી. જ્યારે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાએ તેનું કામ પૂર્ણ કરી લીધું હોય ત્યારે ભારત સાથેના તેના સંબંધો અને ૩૭૦મી કલમનું અસ્તિત્વ બંધ થવું જોઈએ.’’

 કલમ ૩૭૦ બાબતમાં પંડિત જવાહરલાલ નેહરુ અને શેખ અબ્દુલ્લા બંનેનાં અલગ અલગ મંતવ્યો હતાં. કલમ ૩૭૦ એવી ચેનલ બની હતી, જેના થકી જમ્મુ અને કાશ્મીર રાજ્ય પર ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના પદની ગરિમા જાળવીને ચૂંટાયેલા નેતાઓને નમન કર્યા હતા અને રાજ્યનો વિશેષ દરજ્જો અજાણતાં કાયમી બની ગયો હતો. કલમ ૩૭૦મી તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૭ના રોજ જ ખતમ થઈ જવી જોઈતી હતી. હવે, ૬૬ વર્ષ પછી, કલમ ૩૭૦ને સુપ્રીમ કોર્ટની મંજૂરીથી કાયમ માટે દફનાવી દેવામાં આવી છે.

હવે જમ્મુ-કાશ્મીર માટે નવી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે. કલમ ૩૭૦ નાબૂદ કરવાને કારણે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિદ્રોહની પરિસ્થિતિ પેદા ન થાય તે માટે જ કદાચ તેના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા અને તેમાં રાષ્ટ્રપતિનું શાસન વારંવાર લંબાવવામાં આવતું હતું. હવે ચાર વર્ષનો અનુભવ કહે છે કે ૩૭૦મી કલમનો વિરોધ કરવાની બાબતમાં સ્થાનિક જનતાને બિલકુલ રસ નથી. તેનો પુરાવો એ છે કે આ ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર સામે કોઈ તોફાનો થયાં નથી.

આ ચાર વર્ષ દરમિયાન પ્રજાને તોફાનો કરવા માટે ઉશ્કેરવાની ક્ષમતા ધરાવતા રાજકારણીઓને કેન્દ્ર દ્વારા અસરકારક રીતે અંકુશમાં રાખવામાં આવ્યા છે. હવે તેમની વિરોધ કરવાની ક્ષમતા પણ ખંડિત થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરનાં લોકોએ પણ ચાર વર્ષ દરમિયાન જોઈ લીધું છે કે મૃગજળ પાછળ દોડવાથી પ્યાસ બૂઝાવાની નથી. તેને બદલે જો રાજ્યમાં શાંતિ હશે તો પર્યટકો આવશે અને તેની સાથે સમૃદ્ધિ પણ આવશે. આ ચાર વર્ષ દરમિયાન કાશ્મીરની મુલાકાતે રેકોર્ડ ટુરિસ્ટો આવ્યાં હતાં. કાશ્મીરની પ્રજાએ આ ચાર વર્ષ દરમિયાન સાબિત કરી આપ્યું છે કે તેમને રમખાણો કરતાં શાંતિ વધુ ગમે છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરતી વખતે તેના ત્રણ ટુકડા કરવાની કેન્દ્રની યોજના પાછળ લાંબા ગાળાની ગણતરીઓ હતી. ભાજપને બરાબર ખબર છે કે કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી હોવાથી ત્યાં ક્યારેય ભાજપની સરકાર આવી શકશે નહીં. જમ્મુની બેઠકોના બળ ઉપર ભાજપે મહેબૂબા મુફ્તિ સાથે મળીને સંયુક્ત સરકાર ચલાવવાનો અનુભવ પણ કરી લીધો; પણ તે દુ:સ્વપ્ન જેવો પુરવાર થયો હતો. માટે કંઈ નહીં તો જમ્મુ અને લડાખમાં ભાજપની સરકાર આવી શકે તે માટે રાજ્યના ત્રણ ટુકડા કરવામાં આવ્યા છે. તેની સાથે તેને લાંબા સમય સુધી કેન્દ્રની સત્તા હેઠળ રાખી શકાય તે માટે તેને કેન્દ્રશાસિત પ્રદેશ રાખવામાં આવ્યો છે. ત્રણ ટુકડા તો હવે જોડી શકાય તેમ નથી; પણ હવે ચૂંટણી યોજીને પ્રજાને તેની સરકાર આપવી જરૂરી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top