Vadodara

ગરીબો પર તવાઈ, માલેતુજારોનેછુટછાટ : દબાણ શાખાની બેવડી નીતિ

વડોદરા: શહેરમાં વિવિધ વિસ્તારમાં હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પાલિકાની દબાણ શાખાને પુનઃ એકવાર શહેરમાં અનેક ગેરકાયદેસર દબાણો હોવાનું ભાન થયું છે અને તેઓએ કામગીરી શરુ કરી છે. પરંતુ પાલિકા માત્ર નાના લારી ગલ્લા ધારકોને જ હેરાન પરેશાન કરી રહ્યા છે અને તેઓનો જ સમાન જપ્ત કરી રહ્યા છે ત્યારે જે લોકો વર્ષોથી અડિંગો મોટાપાયે દબાણો ઉભા કરીને બેઠા છે અને કાયમી દબાણો કરી દેધા છે તેવા મોટા માથાઓના દબાણો ક્યારે દૂર કરવામાં આવશે?

પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાને સમયાંતરે આવા કામો યાદ આવી જતા હોય છે અને તેમાં લાગી જાય છે. થોડા દિવસો સુધી આ કામગીરી ચાલે છે અને પછી જેમનું તેમ. દબાણો દૂર કરાયા બાદ તે વિસ્તારમાં પુનઃ આ જ દબાણો ઉભા થઇ ગયા છે કે કેમ તે પણ જોવા જતા નથી. મંગળવારે પણ પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરના ભાયલી વિસ્તારમાં ટીપી રોડ બન્યા બાદ અહીં રોડ કપાતમાં આવેલ ફેન્સીંગ, વાડ, ઓરડી, ક્લબ હાઉસ, કમ્પાઉન્ડ વોલ દૂર કરાતા અંદાજે 25000 ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. શહેરના ભાયલી વિસ્તારમાં ગોકુલપુરાથી રાયપુરા જતા રોડ પર ફ્યુઝીન રેસીડેન્સી તરફના માર્ગે ટીપી પાડવામાં આવ્યા બાદ અહીંના 24 મીટરના રોડ પર કેટલીક જગ્યા ખુલ્લી કરવી પડે તેમ હતી. જેથી અહીંના પોણો કિલોમીટરના રોડ પર ફેન્સીંગ, વાડ, ઓરડી, કલબ હાઉસ, કમ્પાઉન્ડ વોલ વગેરે દૂર કરવા સ્થાનિક લોકોને જાણ કરાઈ હતી. પરંતુ તે યથાવત રહેતા ગઈકાલે પાલિકાની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત લીધા વિના આ તમામ દબાણ દૂર કર્યા હતા અને ટીપી રોડ ખુલ્લો કર્યો હતો.

સમા વિસ્તારમાં પુનઃ ઉભા કરી દેવાયેલા ઢોરવાડા દૂર કરાયા
સમામાં પુનઃ ઢોરવાડો ઉભો થતા આજે પાલિકાએ અહીંના ચાર ઢોરવાડા તોડી પાડ્યા હતા. શહેરના સમા કેનાલ પાસે આવેલ રાંદલ માતાના મંદિર નજીક અગાઉ ઢોરવાડા ઉભા થયા હતા. જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા સમયમાં ગૌપાલકોએ આ ઢોરવાડા પુનઃ ઊભા કરી દીધા હતા. જેથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. સ્થાનિક રહીશોએ આ મામલે રજૂઆત કરી હતી. પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે અહીં પૂનઃ ઉભા થયેલા ઢોરવાડા તોડી પાડ્યા હતા. આ સાથે ગૌપાલકોને અહીં ફરીથી ઢોરવાડા ઉભા ન કરવાની તાકીદ પણ કરવામાં આવી હતી.

અકોટામાં 12 મકાનોના દબાણો દૂર કરાયાં
અકોટા વિસ્તારમાં દિનેશ મિલની પાસેના સંજય નગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં પહોંચી હતી એ દબાણો ઉપર જેસીબી મશીન ફેરવી દીધું હતું. આ વિસ્તારમાં 2 મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top