Business

CIIનું સૂચન: GST કાયદાને અપરાધ મુક્ત કરો, વ્યક્તિગત આવકવેરાના દરોમાં ઘટાડો કરો

ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સરકારને આગામી બજેટ (Budget) માટે તેનો એજન્ડા (Agenda) સુપરત કર્યો છે. તેને વ્યક્તિગત આવકવેરાના દરો ઘટાડવા, GST કાયદાના કાર્યક્ષેત્રમાંથી અપરાધની શ્રેણી દૂર કરવા અને કેપિટલ ગેઈન ટેક્સન મામલે ફરી વિચાર કરવાનો અનુરોધ કર્યો છે.

સીઆઈઆઈએ જીએસટી કાયદાને અપરાધમુક્ત રાખવાનું સૂચન કરતા કહ્યું છે કે તેમાં કરચોરી રોકવા માટે પૂરતી દંડની જોગવાઈઓ છે. ઇન્ડસ્ટ્રી બોડીના પ્રેસિડેન્ટ સંજીવ બજાજે જણાવ્યું હતું કે જટિલતાઓ અને વિસંગતતાઓને દૂર કરવા માટે કેપિટલ ગેઇન્સ ટેક્સના દરો અને હોલ્ડિંગ પિરિયડ પર નવેસરથી નજર રાખવાની જરૂર છે.

બજાજે જણાવ્યું હતું કે આ ઉપરાંત સરકારે સુધારાના આગલા તબક્કામાં વ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો કરવાનું પણ વિચારવું જોઈએ કારણ કે આનાથી ખર્ચ કરવા યોગ્ય આવકમાં વધારો થશે જે માંગ ચક્રને વેગ આપશે.

CIIએ જણાવ્યું હતું કે વ્યવસાયો માટે ફ્લેટ ટેક્સ ચાલુ રહેવો જોઈએ અને કોર્પોરેટ ટેક્સનો દર પણ વર્તમાન સ્તરે જ રહેવો જોઈએ. બીજી તરફ સિવિલ કેસોમાં જ્યાં સુધી ધંધામાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી ધરપકડ કે અટકાયતની કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં.

ચેમ્બરે જણાવ્યું હતું કે 2023-24 સુધીમાં રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના છ ટકા અને 2025-26 સુધીમાં 4.5 ટકા સુધી લાવવાના પ્રયાસો કરવા જોઈએ. આ ઉપરાંત મૂડીખર્ચ વર્તમાન 2.9 ટકાથી વધારીને 2023-24માં 3.3-3.4 ટકા કરવો જોઈએ અને 2024-25 સુધીમાં તેને વધુ વધારીને 3.8-3.9 ટકા કરવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો કરવાની જરૂર છે કારણ કે અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે માત્ર જાહેર ક્ષેત્રનું રોકાણ પૂરતું નથી.

Most Popular

To Top