Comments

જ્યોર્જિયાની તેજસ્વી તરુણી મેકેન્ઝી થોમ્પસનની અદ્‌ભુત સિદ્ધિ! દશ લાખ ડોલરથી વધુની શિષ્યવૃત્તિ

શિક્ષણના હરીફાઈયુગમાં શિષ્યોને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા અને સારા શિક્ષકોની શોધ હોય છે તો સારી શિક્ષણસંસ્થાઓને મેકેન્ઝી થોમ્પસ જેવી તેજસ્વી વિદ્યાર્થિની! જ્યારે પોતાની નિપુણતા પ્રમાણે કોલેજ પસંદ કરવા ફોર્મ ભરે,આવેદન કરે ત્યારે અદ્ભુત અને અપૂર્વ પ્રતિસાદ મળે! અઢાર વર્ષની જયોર્જિયા હાઈસ્કૂલની મેકેન્ઝી થોમ્પસનને 49 કોલેજો તરફથી કોલેજમાં જોડાઈ જવાનાં સ્વીકૃતિ પત્રો અને દશ લાખ ડોલરથી વધુની શિષ્યવૃત્તિનાં ઑફર્સ પ્રાપ્ત થયાં છે.એક વધુ કોલેજનો પરિપત્ર રવાના થઈ ચૂક્યો છે!

મેકેન્ઝી થોમ્પસનને મૂળ પચાસથી વધુ યુનિવર્સિટીઓમાં અરજી કરવાની યોજના નહોતી કરી. તે કોલેજમાં એડમિશન માટે યોજાતા પરંપરાગત એજ્યુકેશન કૉલેજ ફેરમાં ગઇ હતી,શ્રેષ્ઠ કોલેજો પણ શ્રેષ્ઠ તક આપી દક્ષ વિદ્યાર્થીઓ માટે તલપાપડ હોય છે જેથી તેમની શિક્ષા પ્રતિષ્ઠા સ્થાપિત થાય,દરેક વિદ્યાર્થીની જેમ તેણીએ પણ પોતાની ઉત્તીર્ણ કક્ષાની વિગત સાથે ફોર્મ જમા કરાવ્યું અને તેનાં અચરજ વચ્ચે શિષ્યવૃત્તિ સાથે જબરો આવકાર મળ્યો! મેકેન્ઝી થોમ્પસનનો હાઈસ્કૂલમાં રેકોર્ડ નોંધપાત્ર હતો તેની છાપ શિસ્તબદ્ધ સ્ટાર વિદ્યાર્થીની હતી. હાઈસ્કૂલમાં નિયમિતતા અને અભ્યાસ ઉપરાંત સર્વાંગી વિકાસ માટે સમય વ્યવસ્થાનું ચુસ્ત રહી પાલન કરતી. કાંટાના ટકોરે મલ્ટિટાસ્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જો કે ત્યારે તેને ખબર નહોતી કે તે લક્ષ્યતરફી ઉચ્ચ શિક્ષણનો પાયો રોપી રહી હતી! એટલાન્ટામાં વેસ્ટલેક હેડ ઓફ ક્લાસ હતી, બ્લુ રેઈન ડાન્સ ટીમની ચાર વર્ષની અનુભવી, સારી ડાન્સર છે, સ્પોર્ટ્સ ટીમની જોઇન્ટ-કેપ્ટન હતી. જાણીતી બીટા ક્લબની વાઇસ પ્રેસિડન્ટ છે.

આ ઉપરંત યુનિવર્સિટી બેઝબોલ ટીમ માટે બેઝબોલ મેનેજરોમાંની એક છે. જ્યોર્જિયા મેરિટ સ્કોલર પ્રાપ્તકર્તા પણ હતી. નેશનલ ઓનર સોસાયટી, નેશનલ ઓનર સોસાયટી ઓફ ડાન્સ આર્ટ્સ પર એક્ટિવ છે. તેણી ભણવા સાથે હાઈસ્કૂલમાં સમાજ સેવા મેરીટ મેળવનાર મેકેન્ઝી થોમ્પસન રાષ્ટ્રીય સન્માન સમાજની સભ્ય હતી. નૃત્ય અને ચિત્રકલાના સન્માનમંડળની સભ્ય પણ છે. તેની ડાન્સ અને આર્ટ પ્રતિભા તેનું જમા પાસું બન્યું! તે ખૂબ જ સારો અનુભવ હતો, ફક્ત મહેનતનું પરિણામ જોવા માટે ફોલ્ડરમાં જ નહિ, પરંતુ પરિણામલક્ષી કેરિયરમાં તેનો પડઘો ઉભરાયો તે પ્રોત્સાહન યાદગાર બનશે! પોતાની આવડત,સ્વભાવ અને શૈક્ષણિક વિષયોની પસંદગીઓની વિપુલતા સાથે થોમ્પસને તુસ્કેગી યુનિવર્સિટી પસંદ કરી, જે અલાબામામાં ઐતિહાસિક રીતે બ્લેક યુનિવર્સિટી છે. જ્યારે તેણીએ કેમ્પસની મુલાકાત લીધી, તેને એમ લાગ્યું કે તેણી પરિવાર વચ્ચે હતી!  તેના પરિવારનો ઉત્સાહ તો તેનાથી બમણો છે! સ્વીકૃતિઓ મેળવવી અને શિષ્યવૃત્તિ કરતાં વધુ જે ચોતરફ પ્રતિસાદ મળ્યો તે મેકેન્ઝીના પરિવાર માટે સામાજિક અને સાર્વજનિક પ્રતિષ્ઠા છે!

 મહત્ત્વાકાંક્ષા મેકેન્ઝી થોમ્પસનને ચોક્કસ સફળ કારકિર્દી સુધી લઈ જશે. તેણી એક માત્ર બાળક તરીકે ઉછરી છે પરંતુ તેનું ઘર કૂતરા, ગિનિ પિગ, માછલી અને અન્ય પાલતુ પ્રાણીઓથી ભરેલું હતું, જીવો પ્રત્યે અનુકંપાને લીધે તમામ પ્રાણીઓ પ્રત્યે અનુરાગ બંધાયો. આ પ્રેમ અને સંભાળ થકી મેકેન્ઝી પશુચિકિત્સક બનવાની આશા રાખે છે, તે તુસ્કેગી યુનિવર્સિટીમાં પ્રાણી વિજ્ઞાનનો અભ્યાસ કરશે. શાળામાં બ્લેક વેટિનરીયન બનાવવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ પણ છે, જેણે થોમ્પસનને આકર્ષ્યા હતા.  ખરેખર તો સ્વતંત્રતા શીખવા અને એક વ્યક્તિ તરીકે તે શીખવા નવાં વાતાવરણ, નવી શરૂઆત, નવા લોકો સાથે હળવા-ભળવા માટે તે ઉત્સાહિત છે! વિદ્યાર્થીઓ હજુ પણ તેમની પસંદગીની યુનિવર્સિટીમાંથી નિર્ણય સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. થોમ્પસન તેમને સંદેશો પાઠવે છે કે પ્રક્રિયા પર વિશ્વાસ કરો જ્યાં સુધી તમે સખત મહેનત કરશો, તેની ટોચ પર રહો અને હાર ન માનો ત્યાં સુધી બધું જ કામ કરશે! છેવટનું સ્મિત તમારું જ હશે!
– મુકેશ ઠક્કર
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top