Columns

ગોવામાં ગેન્ગરેપ : ૧૪ વર્ષની કન્યાઓએ બીચ પર રાતે શા માટે રખડવું જોઈએ?

ગોવાની ખ્યાતિ ભારતના રેપ કેપિટલ તરીકેની છે. ગોવાના બીચ પર મોડી રાતે પણ શરાબ અને શરાબની મહેફિલ જામે છે. ગોવામાં દર વર્ષે ૭૦ લાખ ટુરિસ્ટો આવે છે, જેમાં પાંચ લાખ વિદેશી ટુરિસ્ટો પણ હોય છે. ગોવાના દરિયાકિનારે આવેલી ઝૂંપડીઓમાં મસાજ પાર્લરો ચાલતા હોય છે, જેમાં ગેરકાયદે દેહના સોદા પણ પડતા હોય છે. જો આવા માહોલમાં કોઈ માબાપ પોતાની ૧૪ વર્ષની નાદાન કન્યાને તેના મિત્રો સાથે આખી રાત પાર્ટી કરવા બીચ પર મોકલે અને તેના પર ગેન્ગરેપ થાય તો તેમાં કોનો વાંક? બેશક, જે પુરૂષોએ માસૂમ કન્યા પર ગેન્ગરેપ કર્યો, તેઓ તો ગુનેગાર છે જ, પણ પોતાની વહાલસોયી દીકરીને આખી રાત બીચ પર પાર્ટી કરવાની પરવાનગી આપતાં માબાપોનો કોઈ વાંક નહીં? આવો સવાલ પૂછવા બદલ ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત પર વિપક્ષો દ્વારા પસ્તાળ પાડવામાં આવી રહી છે. જે માબાપો પોતાની કન્યાને આ રીતે બીચ પર દારૂની પાર્ટી કરવાની પરવાનગી આપતા હોય છે, તેમને પણ સજા કરવી જોઈએ કે નહીં?

ગેન્ગરેપની વિગતો એવી છે કે ગોવામાં જ રહેતા ૬ છોકરાઓ અને ચાર છોકરીઓ શનિવારે રાતે ૧૧.૩૦ કલાકે બેનોલિમ બીચ પર ફરવા ગયા હતા. તેમાંની બે છોકરીઓ અને એક છોકરો તો સગીર વયના હતા. રાતે વરસાદ પડ્યો એટલે ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ ઘરભેગા થઈ ગયા; પણ બે સગીર છોકરીઓ અને ત્રણ છોકરાઓ બીચ પર જ રહ્યા.

બીચ પર રહીને તેઓ શું કરતા હશે? તે કોઈની પણ કલ્પનાનો વિષય છે. બે સગીર છોકરીઓ સવારે ત્રણ વાગ્યા સુધી ઘરે ન આવી તો તેના માતાપિતા શું કરતા હશે? તે પણ કલ્પનાનો વિષય છે.  આ છોકરાછોકરીઓ સવારે ૩.૩૦ કલાકે ઘરે જવા માટે પોતાની કાર પાસે આવ્યા ત્યારે ચાર પુરૂષોએ તેમને રોક્યા હતા. તેમણે પોતાની ઓળખ પોલિસમેન તરીકે આપીને છોકરાઓને માર્યા હતા અને છોકરીઓ પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ ચારેય પુરૂષોની ગોવાની પોલિસે ધરપકડ કરી છે.

જે ચાર પુરૂષોએ સગીર કન્યા પર ગેન્ગરેપ કર્યો તેમાંનો એક તો સરકારી કર્મચારી છે. તે પોતાના હાથમાં પોલિસનો દંડો લઈને ફરતો હતો. તેણે પહેલાં છોકરાછોકરીઓની ધરપકડ કરવાની ધમકી આપી હતી. છોકરાઓને મારવામાં આવ્યા એટલે તેઓ ગભરાઈ ગયા હતા. તેમની આંખમાં દારૂ નાખવામાં આવ્યો હતો. એક પુરૂષે કન્યાને કારમાં લઈ જઈ તેની પર રેપ કરવાની કોશિષ કરી હતી. કન્યા ભાગી ગઈ ત્યારે તેનો પીછો કરીને ઝાંખરામાં લઈ જઈને ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. બીજી કન્યાને નિર્જન જગ્યા પર લઈ જઈને તેની પર ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો.

છોકરાઓની મારપીટ કરવામાં આવી અને છોકરીઓ પર રેપ કરવામાં આવ્યો તો પણ તેઓ ઘરે આવીને ચૂપચાપ સૂઈ ગયા હતા. તેમણે પોતાના ઘરે કોઈને વાત જ કરી નહોતી. રેપ કરનારાની હિંમત પણ કેવી હશે કે તેમણે ગેન્ગરેપની ઘટનાની મોબાઈલ પર ક્લિપ ઊતારી લીધી હતી. રવિવારે બપોરે તેમણે એક છોકરાને ફોન કરીને તેની પાસે ૪૦,૦૦૦ રૂપિયા માગ્યા હતા. બીજા છોકરાને ફોન કરીને તેમણે ૨૫,૦૦૦ રૂપિયા માગ્યા હતા. જો રૂપિયા ન આપે તો ગેન્ગરેપની ક્લિપ વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. છોકરાઓ પાસે રેપિસ્ટોને આપવાના રૂપિયા નહોતા માટે તેમણે પોતાના માબાપને વાત કરી હતી. માબાપે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોવાની પોલિસને ધન્યવાદ આપવા જોઈએ કે તેણે રવિવાર રાત સુધીમાં તો ચારેય આરોપીને પકડી પણ લીધા હતા.  તેમાંનો એક ૧૯ વર્ષનો લબરમૂછિયો યુવાન હતો. બીજો ૨૧ વર્ષનો હતો. બે પુરૂષો ૩૧ અને ૩૩ વર્ષના હતા. જે રીતે ૧૦ છોકરાછોકરી મોડી રાતે બીચ પર શું કરતા હતા? તેવો સવાલ થાય છે, તેમ આ ચાર પુરૂષો પર વહેલી સવાર સુધી બીચ પર કેમ આંટા મારતા હતા? શું તેમના માબાપને કે પરિવારના સભ્યોને તે વાતની જાણ હતી ખરી? આ ચાર પુરૂષોની ધરપકડ કરવામાં આવી કે તરત ગોવાના ઉચ્ચ પોલિસ અધિકારી પર ફોન આવવા લાગ્યા હતા કે તેમને છોડી દેવા જોઈએ. મતલબ કે આરોપીઓ પણ વગદાર હોવાનું જણાય છે.

આ ગેન્ગરેપની ઘટના ગોવાની વિધાનસભામાં બુધવારે ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે ‘‘માબાપે ધ્યાન રાખવું જોઈએ કે તેમનાં બાળકો મોડી રાત સુધી ક્યાં ભટકે છે?’’ ત્યારે વિપક્ષો તેમના પર તૂટી પડ્યા હતા. વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન વિજય સરદેસાઈએ કહ્યું હતું કે ‘‘ગોવાની ઇમેજ તો એવી હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ મધરાતે પણ ગોવામાં ફરવા નીકળે તો તેનો વાળ પણ વાંકો થવો જોઈએ નહીં.’’

ગોવામાં બીચ પર મોડી રાત સુધી રખડતી યુવતીઓ કે કન્યાઓ પર ગેન્ગરેપ થાય તેની કોઈ નવાઈ નથી. તેમ છતાં માબાપો પોતાની પુત્રીઓનું ધ્યાન રાખતા નથી. આજથી ત્રણ વર્ષ પહેલાં પણ ગોવામાં ગેન્ગરેપની ઘટના બની હતી. ત્યારે ૨૦ વર્ષની યુવતી પોતાના ૨૨ વર્ષના બોયફ્રેન્ડ સાથે મોડી રાતે ફરતી હતી ત્યારે ત્રણ પુરૂષો દ્વારા તેના પર ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. આ પુરૂષો ઇન્દોરના હતા અને ફરવા માટે ગોવા આવ્યા હતા.

કદાચ તેમણે છાપાંમાં વાંચ્યું હશે કે ગોવામાં બહુ રેપ થાય છે, એટલે રેપ કરવા ગોવા આવી ગયા હશે. યુવતી પર ગેન્ગરેપ કરીને તેમણે વીડિયો ઉતાર્યો હતો અને યુગલને લૂંટી પણ લીધું હતું. આ ત્રણ પૈકી એક યુવાનની હજુ સુધી ધરપકડ પણ કરવામાં આવી નથી. તે ભાગતો ફરે છે. ગેન્ગરેપનો ખટલો પણ હજુ ચાલુ થયો નથી. જે દેશમાં ન્યાયની પ્રક્રિયા આટલી ધીમી હોય ત્યાં ગુનેગારોની હિંમત વધી જતી હોય છે.

ગોવાના દરિયાકિનારે નિયમિત રેપની ઘટનાઓ બનતી હોય છે તેની પાછળ ગોવામાં ચાલતો વેશ્યા વ્યવસાય પણ જવાબદાર છે. ગોવામાં ઘણી વિદેશી યુવતીઓ ફરવા માટે આવે છે, પણ ડોલર ખૂટી જતાં કોલગર્લ બની જાય છે. ૨૦૧૫માં દિલ્હીની બે યુવતીઓ ગોવા ફરવા માટે આવી હતી. તેમના પર પાંચ પુરૂષો દ્વારા ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. પોલિસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી ત્યારે અલગ હકીકત સામે આવી હતી.

આ બે યુવતીઓ ફરવા માટે ગોવાના અંજુના બીચ પર આવી હતી, પણ પૈસાની લાલચમાં કોલગર્લ બની ગઈ હતી. તેઓ એક એસ્કોર્ટ એજન્સી માટે કામ કરતી હતી. એજન્સી તરફથી તેમને હોટેલમાં મનોરંજન માટે મોકલવામાં આવી હતી. યુવતીઓ આરોપીઓના એક લાખ રૂપિયા અને સ્માર્ટ ફોન લઈને ભાગી હતી. તેમને પાઠ ભણાવવા પાંચ પુરૂષો દ્વારા તેમના પર ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. ગોવાના વિપક્ષો કદાચ એમ કહેશે કે પોલિસે કોલગર્લને પણ સંરક્ષણ પૂરું પાડવું જોઈએ.

આજકાલ જમાનો ફેમિનિઝમનો છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરૂષસમોવડી થવા માગે છે. પુરૂષો જે રીતે મોડી રાતે સૂમસામ જગ્યા પર ભટકે છે તેવી રીતે ભટકવાની તેમને પણ સ્વતંત્રતા જોઈએ છે. તેમની માગણી છે કે સરકારે અને પોલિસે તેમને ગમે તે સંયોગોમાં સંરક્ષણ આપવું જોઈએ. જો કોઈ તેમને મોડી રાતે ન ભટકવાની સલાહ આપે તો તેઓ સામો સવાલ કરે છે, ‘‘તમે પુરૂષોને કેમ તેવી સલાહ નથી આપતા?’’ તેમને કોણ સમજાવે કે ભટકતા પુરૂષો પર ક્યારેય રેપ નથી થતો. કમ સે કમ આ બાબતમાં સ્ત્રીએ પુરૂષસમોવડી બનવાની જિદ છોડી દેવી જોઈએ.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top