Entertainment

પ્રકાશ મહેરા, અમિતાભથી ટોપ પર, અમિતાભ વિના ડાઉન

મનોરંજક ફિલ્મનું એવું છે કે તે જેને બનાવતાં આવડે તેને જ આવડે અને આ  આવડવું તેને કહેવાય કે જે 10 ફિલ્મમાંથી આઠ ફિલ્મ સફળ ગઇ હોય. કયારેક એકાદ બે ચાલી જાય તેનાથી તે મનોરંજક ફિલ્મના દિગ્દર્શક ન ગણાય. શશધર મુખરજી, મહેબૂબ ખાન, રાજ કપૂર, નાસીર હુસેન, રાજ ખોસલા, યશ ચોપરા, મનમોહન દેસાઇ જેવાને તમે મનોરંજક ફિલ્મોના બાદશાહ કહી શકો. એવામાં ઉમેરવાનું એક નામ તે પ્રકાશ મહેરાનું. ઘણા લોકો તેમને ‘ઝંજીર’થી જાણતા થયા પણ હકીકતે તો એમની પાસે પટકથા આવી ચડી પછી આ સ્ટાર લઉં, પેલા લઉં કરતા ફિલ્મ બનાવેલી અને ફિલ્મ બની ત્યાં સુધી તેમની પાસે જાણીતા સ્ટાર તો પ્રાણ, અજિત, જયા ભાદુડી, બિંદુ જ હતા.

પણ જયા ભાદુડી સિવાય બીજા તો ચરિત્ર અભિનેતા, વિલન હતા. ફિલ્મ વેચાતી થયા પછી હીરો જયાં ઉભો હતો ત્યાંથી લાઇન શરૂ થઇ અને પ્રકાશ મહેરા એકદમ ટોપના નિર્માતા-દિગ્દર્શક બની ગયા. તમે જોશો તો ‘ઝંજીર’ પહેલાં તેઓ ફકત દિગ્દર્શક જ હતા. જો કે ‘ઝંજીર’ પહેલાની ચાર ફિલ્મોમાંથી ત્રણ સફળ ગયેલી. ‘હસીના માન જાયેંગી’, ‘મેલા’ અને ‘સમાધી’. પણ ‘ઝંજીર’ પછી ‘ખૂન પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘લાવારિસ’, જબરદસ્ત કમાણી કરનારી ફિલ્મ નીકળી. તેમણે બીજા નિર્માતા માટે ‘હાથ કી સફાઇ’, ‘હેરાફેરી’, ‘શરાબી’ બનાવી તેપણ બોકસ ઓફિસ પર ટોપ રહી. પણ અમિતાભ વિના ફિલ્મ બનાવવાનો વારો આવ્યો પછી નિષ્ફળતાની હડફટે ચઢી ગયા.

પણ અમિતાભની પહેલી સુપરહીટ ફિલ્મ પ્રકાશ મહેરાની બનાવેલી છે. સલીમ જાવેદની સ્ટાર રાઇટર તરીકે ઓળખ થઇ તે પણ ‘ઝંજીર’થી જ. તે પહેલાં ‘અંદાઝ’, ‘હાથી મેરે સાથી’ ને ‘સીતા ઔર ગીતા’ સફળ જ હતીપણ તેમની સ્ટાઇલ બની તે ‘ઝંજીર’થી અને અમિતાભ જાણે તેમના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. જો કે અમિતાભ-સલીમ જાવેદ જોડી બની પણ પ્રકાશ મહેરાની સાથે પછી ‘હાથ કી સફાઇ’ ફિલ્મ જ આવી. પ્રકાશ મહેરાના લેખકો બદલાઇ ગયા પણ અમિતાભ હતા એટલે ફિલ્મોની સફળતા અટકી નહીં. વળી તેમણે અમિતાભ સાથે શશી કપૂર, વિનોદ ખન્ના, પ્રાણ, ઓમપ્રકાશની ટીમ બનાવી.

1950માં પ્રકાશ મહેરા મુંબઇ આવ્યા ત્યારે તેમની પાસે 13 રૂા. અને સપના સિવાય કશું નહોતું. રેલવે સ્ટેશન પર સુઇ રહેતા અને દિવસે સ્ટૂડિયો સ્ટૂડિયોમાં ભટકતા. 1968માં ‘હસીના માન જાયેગી’નું દિગ્દર્શન મળ્યું અને પછી ‘મેલા’ મળી. ‘સમાધી’ની એક હીરોઇન જયા ભાદુડી હતી. આ ત્રણ ફિલ્મોમાં જે કમાયા તેમાંથી જ ‘પ્રકાશ મહેરા પ્રોડકશન્સ’ શરૂ કર્યું અને ‘ઝંજીર’ બની પછી તેઓ ટોપના નિર્માતા-દિગ્દર્શક ગણાયા. તે વખતે એક મનમોહન દેસાઇ, બીજા પ્રકાશ મહેરા ને ત્રીજા યશ ચોપરા એક સરખી ઉંચાઇએ હતા. જો કે ‘ઝંજીર’નો હીરો તો નિષ્ફળતાના લેબલવાળો હતો એટલે કોઇ વિતરક આ ફિલ્મ પકડવા તૈયાર નહોતો પણ અમિતાભે એ ફિલ્મથી નિષ્ફળતાની ‘ઝંજીર’ તોડી.

પ્રકાશ મહેરા નીરાને પરણેલા પણ પછી પદ્મિની કપિલા સાથે પ્રેમ થયો ને બીજી વાર પરણ્યા. આ તો અંગત વાત થઇ પણ તેઓ પટકથાકાર ને ગીતાકાર પણ હતા. ‘લાવારિસ’, ‘ચમેલી કી શાદી’, ‘મુકદ્દર કા ફૈસલા’, ‘મહોબ્બત કે દુશ્મન’ની પટકથા તેમની હતી. ‘ઘુંઘરું’, ‘શરાબી’ તેમની વાર્તા પરથી બનેલી. ‘ઓ દિલબર જાનીયે’, (હસીના માન જાયેગી), ‘સલામ-એ-ઇશ્ક મેરી જાન કબૂલ કર લો’ (મુકદ્દર કા સિકંદર) સહિત કેટલાંક ગીતો તેમના લખેલા છે. પણ નિર્માતા-દિગ્દર્શક તરીકે એકવાર નિષ્ફળ જવા માંડયા પછી સફળ ન જ થઇ શકયા.

બાકી તેમણે હોલીવુડ સાથે મળી ‘ધ ગોડ કનેકશન’ ફિલ્મ પણ બનાવી છે. પ્રકાશ મહેરાએ કદી ‘બોબી’, ‘એક દૂજે કે લિયે’ જેવી લવસ્ટોરી ફિલ્મ યા ‘ગુમનામ’, ‘ઇત્તેફાક’ જેવી સસ્પેન્સ ફિલ્મ યા કોઇ ઇતિહાસના વિષય પર ફિલ્મ ન બનાવી. પણ તેમની ફિલ્મમાં રોમાન્સ, મેલોડ્રામા, હાસ્ય, એકશન, મ્યુઝિક બધું જ રહેતું. અમિતાભને જે મસાલા ફિલ્મોએ મેગા સ્ટાર બનાવ્યા તેમાં પ્રકાશ મહેરાની ફિલ્મો ગણવી જ પડે. ખેર, 17 મે 2009માં તેમણે વિદાય લીધી.

Most Popular

To Top