National

હવેથી ૧૪મી ઓગસ્ટનો દિવસ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ૧૪મી ઓગસ્ટનો દિવસ હવે લોકોના સંઘર્ષો અને બલિદાનોની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવાશે અને ભાગલાનું દર્દ ક્યારેય ભૂલી શકાશે નહીં.

મોદીએ નોંધ્યું હતું કે લાખો લોકો વિસ્થાપિત થઇ ગયા હતા અને હજારો લોકોએ ભાગલાને કારણે થયેલ વિચારહીન ધિક્કાર અને હિંસામાં પોતાની જીંદગીઓ ગુમાવી હતી. આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આપણને સામાજીક ભાગલાઓના તથા વિસંવાદીતાના ઝેરને દૂર કરવાની યાદ અપાવતો રહે અને ઐક્ય, સામાજીક સંવાદિતા અને માનવ સશક્તિકરણની ભાવના વધુ મજબૂત બનાવે તેવી આશા વડાપ્રધાને વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટિશરો દ્વારા ૧૯૪૭માં ભારતના ભાગલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન એક મુસ્લિમ દેશ તરીકે જુદો કોતરવામાં આવ્યો હતો. લાખો લોકો વિસ્થાપિત થયા હતા અને તેના પછીની કોમી હિંસામાં લાખો લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. ભારત રવિવારે તેનો ૭પમો સ્વતંત્રતા દિવસ ઉજવશે. પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪મી ઓગસ્ટે આવે છે.

મોદીની જાહેરાતના કેટલાક કલાકો પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૧૪મી ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે જાહેર કર્યો હતો. આજે એક જાહેરનામુ બહાર પાડીને ગૃહ મંત્રાલયે ૧૪મી ઓગસ્ટના દિવસને દેશના ભાગલા દરમ્યાન જીવ ગુમાવનારા લોકોને સલામી આપવા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

ભાગલા દરમ્યાન ભારતના લોકોએ સહન કરેલ પીડા અને દુ:ખની હાલની અને ભાવિ પેઢીને યાદ અપાવવા ભારત સરકાર ૧૪મી ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે જાહેર કરે છે એમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૪મી ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિક સ્મૃતિ દિવસ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકાર્યો હતો. જાહેરનામામાં ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે દેશના લોકો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવતી વખતે ભારતના ભાગલા વખતે જીવ ગુમાવનાર દેશના પુત્રો અને પુત્રીઓને સલામ કરશે.

Most Popular

To Top