મજાકથી મંઝિલ સુધી

ઈન્ટરનેટ પર એક ન્યુઝ વાંચ્યા કે અમેરિકાના એક ડીજીટલ આર્ટીસ્ટ બીપલને તેમની કલાકૃતિના ૬૯ મિલિયન ડોલર મળ્યા.સ્વાભાવિક કુતૂહલ થયું કે એવું તે કેવી કૃતિ હશે.એટલે ઈન્ટરનેટના ખજાનામાં વધુ શોધખોળ કરતાં તે કૃતિ વિષે તેના ખરીદાર વિષે અને તેના કલાકાર વિષે ઘણું જાણવા મળ્યું. અમેરિકામાં રહેતા એક યુવાન પર ધુનકી સ્વર થઇ કે મારે આર્ટીસ્ટ બનવું છે.આર્ટીસ્ટ બનવું એ કોઈ કેરિયર નથી. તેમાં કોઈ પૈસા પણ નથી.છતાં તે યુવાનને આર્ટીસ્ટ જ બનવું હતું અને સૌથી નવાઈની વાત એ કહતી કે તેનું ડ્રોઈંગ કંઈ ખાસ સારું ન હતું.તે કંઈ પણ દોરતો તે તે જોઇને બધા તેની મજાક જ કરતા.છતાં પણ તેને આર્ટીસ્ટ બનવું હતું અને તેને માટે તેને સતત…અટક્યા વિના મહેનત કરી.તેણે રોજ ડ્રોઈંગ કરવાનું શરૂ કર્યું.કોઇ પણ ચીજ વસ્તુ તે જુએ અને દોરે અને પોતાના ડ્રોઈંગ ઈન્ટરનેટ પર મૂકે.

એક પણ દિવસ ચૂક્યા વિના તે રોજ ચિત્ર દોરે જ અને ઈન્ટરનેટ પર મૂકે.આમ ૩૦ દિવસ થયા.૧૦૦ દિવસ થયા, તેનાં ચિત્રો વધુ સારાં બનવા લાગ્યાં.૩૬૫ દિવસ થયા. તેનામાં એક આર્ટિસ્ટ તૈયાર થઇ ગયો.૫૦૦ દિવસ થયા તેને થ્રી –ડી ઈમેજ સુંદર રીતે બનાવતાં આવડી ગઈ.૧૦૦૦ દિવસ થયા. રોજે રોજે તેના ચિત્રને તે વધુ હુબહુ વધુ આકર્ષક બનાવવાની કળા શીખવા લાગ્યો.આમ ૫૦૦૦ દિવસ થયા. એક પણ દિવસ ચૂક્યા વિના તેની પાસે ૫૦૦૦ ચિત્રો તૈયાર થઇ ગયાં.હવે લોકો તેને ઓળખવા લાગ્યા.કોઇ પણ પરિસ્થિતિમાં ચૂક્યા વિના તેને રોજે રોજ એક ચિત્ર દોર્યું. તેના આ પેશન લોકો વખાણવા લાગ્યા.તેના કામને વખાણવા લાગ્યા.

એક દિવસ આ ૫૦૦૦ ચિત્રો એટલે કે પોતાની લગભગ ૧૩ વર્ષની મહેનતને આર્ટીસ્ટ બીપલે એક ડીજીટલ રૂપ આપી ઈન્ટરનેટ પર વેચાણ માટે મૂકી અને તેને આશા હતી કે સારા પૈસા મળશે, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેની કૃતિ ૬૯ મીલીયન ડોલરમાં વેચાઈ.એક વખત જેના ડ્રોઈંગને જોઇને બધા મજાક ઉડાડતા હતા તેણે સતત ૫૦૦૦ દિવસ સુધી એકધારી મહેનત કરી. રોજ ચિત્ર દોરી તે ૫૦૦૦ ચિત્રોને એક સાથે જોડીને વેચીને રેકોર્ડબ્રેક પૈસા મેળવ્યા.અટક્યા વિના કરેલી મહેનત રંગ લાવી. અહીં એક સરસ વાત સમજાઈ ગઈ કે જો કોઈ કામ તમે કરો અને લોકો મજાક કરે તો તેમની મજાક સાંભળી નાસીપાસ થઈ તે કામ છોડી ન દો.ઉલટું તે કામ સતત કરતા રહો અને ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી લોકોની મજાકનો સૂર તાળીઓના અવાજમાં બદલાઈ ન જાય.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts