Editorial

મફતની રેવડી, એ કોઈપણ પક્ષની હોય, સરવાળે દેશને જ નુકસાન કરે છે

ભારત આઝાદ થયા બાદ દેશમાં અનેક ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. લોકસભાથી માંડીને વિધાનસભા, પાલિકા, મહાપાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા વચનો પણ અપાયા છે અને મતદારોને લોભાવવાનો પણ પ્રયાસ થયો છે. મતદારોએ વચનો પર વિશ્વાસ રાખીને મતો પણ આપ્યા છે પરંતુ ચૂંટણીઓમાં મોટાભાગના રાજકીય પક્ષો મફતમાં વસ્તુઓ આપવાના વચનોથી મોટાભાગે દૂર રહ્યા છે. તાજેતરમાં આપ પાર્ટી દ્વારા મતદારોને મફતમાં વીજળીની સાથે અન્ય વચનો પણ આપ્યા અને તેને કારણે ‘મફતની રેવડી’નો વિવાદ શરૂ થયો છે.

ખરેખર જોવામાં આવે તો કોઈ વસ્તુ ક્યારેય કોઈને મફત મળતી જ નથી. જે મફત મળે છે તેનો ખર્ચ અન્ય સ્થળે સરભર થતો હોય છે. જે મફતની જાહેરાતો કરે છે તે તેને સાચું ઠેરવવા જાતજાતના દાવાઓ કરશે અને તેની સામે તેના હરીફ પક્ષો દ્વારા તેનો ખોટું ઠેરવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવશે. ખરેખર મફતની રેવડીથી દેશને જ નુકસાન થાય છે. લોકોને મફત આપવાથી સરકારી તિજોરી પર બોજો પડે છે અને તેને કારણે સરકારો ખોટમાં શાસન ચલાવે છે.  ક્યારેક કોઈ કૌભાંડી બેંકને લૂટી જાય તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરીને સજાની જોગવાઈ કરવામાં આવે પરંતુ આ વાતને આધાર બનાવીને ‘મફતની રેવડી’ પીરસવામાં આવે તો તે સ્વીકારી શકાય તેમ નથી.

છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને ગુજરાતની ચૂંટણીમાં ‘મફતની રેવડી’નો વિવાદ ભારે ચગ્યો છે. આ માટે ચૂંટણી પંચ અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોને પગલે હવે ચૂંટણીપંચ કડક થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થાય તે પહેલા આ મફતની રેવડીના વચનો આપતા અટકાવવા માટે ચૂંટણી પંચ દ્વારા પોલિસી જાહેર કરી તેને અમલમાં પણ મુકવામાં આવશે.

બની શકે કે આ બે રાજ્યોની ચૂંટણીની જાહેરાત સાથે જ આ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવે. અગાઉ 2015માં સુપ્રીમ કોર્ટએ એવો નિર્ણય આપ્યો હતો કે ચૂંટણી પંચ મફતના વચનોનું નિયમન કરવા માટેનો નિર્ણય કરી શકે છે અને તેનો આદર્શ આચારસંહિતામાં પણ સમાવેશ કરી શકે છે. તાજેતરમાં જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટએ પોતાના અગાઉના નિર્ણયને બતાવીને ચૂંટણી પંચને કહ્યું હતું કે આની સત્તા ચૂંટણી પંચ પાસે છે જ.

અગાઉ ચૂંટણી પંચે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું કે ચૂંટણી વચનો અને તેની નાણાંકીય સ્થિરતા પર સંપૂર્ણ માહિતી રાજકીય પક્ષોએ જણાવવી જોઈએ. બની શકે છે કે ચૂંટણી પંચની પોલિસી આના પર જ આધારીત હશે. ચૂંટણી પંચનું માનવું છે કે ચૂંટણી ઢંઢેરો બનાવવાનો રાજકીય પક્ષોનો અધિકાર છે પરંતુ સાથે સાથે તેને લગતી માહિતી સચોટ હોવી જોઈએ. જેમાં જે વચનો અપાયા છે તે માટેનું ભંડોળ અને તેના સ્ત્રોત, ખર્ચ કેવી રીતે થશે તેની સ્પષ્ટતા, વધુ લોન લેવાશે કે કેમ? નાણાંકીય જવાબદારી કેવી રીતે હશેથી માંડીને બજેટ મેનેજમેન્ટની વિગતો પણ હોવી જોઈએ. ચૂંટણી પંચનું કહેવું છે કે પોકળ વચનોની અસર દૂરગામી હોય છે અને તેને કારણે નિષ્પક્ષ ચૂંટણી થતી નથી. મતદારોને યોગ્ય માહિતી મળતી નથી અને તેઓ ભરમાય છે. ચૂંટણી પંચ જે રીતે વિચારી રહ્યું છે તે આગામી દિવસોમાં રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો માટે બંધનકર્તા બનશે.

ખરેખર દેશમાં દરેક રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોને એ ફરજ પાડવી જોઈએ કે તે ચૂંટણી જીતીને શું કરવા માંગે છે? જો તે તેના વચનો પૂરા કરી શકે નહીં તો તેવા રાજકીય પક્ષો કે પછી ઉમેદવારોને ભવિષ્યમાં ચૂંટણી લડવાથી દૂર રાખવા જોઈએ. જે વચનો આપવામાં આવે છે તે વચનોની વાસ્તવિકતા ખરેખર છે કે કેમ?તેની ચૂંટણી પંચ દ્વારા તપાસ પણ થવી જોઈએ. જે મફતની રેવડીની જાહેરાત કરવામાં આવે છે તે મફતની રેવડી ખરેખર મફત આપી શકાશે અને તેનાથી રાજ્યની તિજોરી પર કોઈ બોજો પડશે નહીં ને? તેની પણ મતદાન પહેલા તપાસ થવી જોઈએ. પહેલા ચૂંટણી પંચની ભૂમિકા માત્ર ચૂંટણી કરાવવા પૂરતી મર્યાદિત રહેતી હતી પરંતુ હવેથી ચૂંટણી પંચે જે તે પક્ષ અને ઉમેદવારોની આ ‘મફતની રેવડી’ પર પણ ધ્યાન રાખવું પડશે નહીં તો દેશની હાલત દેવાળું ફૂંકવા જેવી થશે તે ચોક્કસ છે.

Most Popular

To Top