Dakshin Gujarat

બેંકમાં રસીદ ભરવા પેન માંગી અને વાત વાતમાં સેલ્સમેને 50 હજાર કાઢી બે યુવકને આપી દીધા

વાપી : વાપીમાં (Vapi) ઈન્ડિયન બેંકમાં (Indian Bank) પચાસ હજાર જમા કરાવવા આવેલા સેલ્સમેન (Salesmen) યુવકને બે ગઠીયાઓએ એક લાખની લાલચ બતાવી રૂપિયા 50 હજાર પડાવી લઈ ઠગાઈ (Fraud) કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે તેવી કહેવતને સાર્થક કરતો આ કિસ્સો બેંકમાં રોકડ જમા કરાવવા જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. વાપી ટાઉન પોલીસે સેલ્સમેનની ફરિયાદને આધારે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાપીના ગોવિંદા કોમ્પલેક્ષ નજીક ઇન્ડિયન બેંકમાં વાપી કોળીવાડમાં રહેતો 19 વર્ષનો પુષ્પેન્દ્ર અશોક પાન્ડે રૂ.50,000 રોકડા જમા કરાવવા માટે ગયો હતો. પુષ્પેન્દ્ર પાન્ડે સેલ્સમેન તરીકે કામ કરે છે. પુષ્પેન્દ્રે બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો ત્યારે કેશિયરના કાઉન્ટર પાસે એક શખ્સે પેન માગી ત્યારે પુષ્પેન્દ્રએ કહ્યું કે ‘હું સ્લીપ ભરી લઉં પછી આપું છું. દરમિયાન બીજો એક શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે પણ પેન માગી હતી. ત્યારે બીજા શખ્સે તેનો એકાઉન્ટ નંબર પૂછતાં તેણે મારી પાસે એકાઉન્ટ નંબર નથી તેવું જણાવ્યું હતું. ત્યારે બીજા શખ્સે તેને તો પૈસા જમા નહીં થાય તેવું કહ્યું હતું. ત્યારે પેલા શખ્સે પુષ્પેન્દ્રને પોતે બિહારનો વતની છે. તેના શેઠે મહેનતાણાના પૈસા નહીં આપતા શેઠ પાસે એક લાખ રૂપિયા ચોરી કરીને ત્યાંથી લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ત્યારે બીજા શખ્સે કહ્યું કે તારી મદદ કરવાથી અમને શું ફાયદો? ત્યારે પૈસા જમા કરાવવા આવેલા બિહારના શખ્સે કહ્યું કે ‘હું તમને વીસ હજાર રૂપિયા આપીશ. બીજા શખ્સે કહ્યું કે આવી વાતો બેંકમાં નહીં થાય બહાર વાત કરીએ. આવું કહીને ત્રણ શખ્સો બેંકની બહાર ઇલેકટ્રોનિક દુકાનની પાછળ ઊભા રહી પૈસા ક્યાં છે તેવું જણાવતા પેલા બિહારી શખ્સે રૂમાલમાં બતાવ્યા હતા. ત્યારે પેન માગનાર શખ્સે બિહારી શખ્સને કહ્યું હતું કે ‘તમે અહીં ઊભા રહો અમે બંને નવું અકાઉન્ટ ખોલાવીને આવીએ છીએ’. તેવું કહી બંને આગળ ચાલવા લાગ્યા હતા. ત્યારે પેલા શખ્સે પુષ્પેન્દ્રને એવું જણાવ્યું હતું કે હું પેલા શખ્સને ચકમો આપીને આવું છું. આપણે હિંદી સ્કૂલ પાસે મળીએ.

પછી આ એક લાખમાંથી આપણે વહેંચી લઈશું. ત્યારે પુષ્પેન્દ્ર પાન્ડે લાલચમાં આવી ગયો હતો. પછી પેલા શખ્સે કહ્યું કે મને ગેરન્ટી માટે કઈ આપતા જાઓ. તેવું કહેતા પુષ્પેન્દ્રએ તેના ખિસ્સામાં હાથ નાંખી રૂ.૫૦,૦૦૦ રોકડા આપી દીધા હતા. ત્યારબાદ હિન્દી સ્કૂલ પાસે જઈ ઊભો રહી ગયો હતો. ત્યારે રૂમાલમાં આપેલા એક લાખ રૂપિયા ખોલીને પુષ્પેન્દ્રએ જોયા તો કાગળની ગડ્ડી ઉપર એક પાંચસો રૂપિયાની નોટ લગાડેલી હતી. ત્યારબાદ પુષ્પેન્દ્ર પાન્ડે તરત બેંક પાસે ગયો હતો પરંતુ બંને શખ્સ મળ્યા ન હતા. આમ લાલચમાં આવીને ગઠીયાઓની વાતમાં આવી ગયેલા સેલ્સમેન યુવકે રૂપિયા ૫૦,૦૦૦ ગુમાવવાનો વારો આવ્યો હતો. વાપી ટાઉન પોલીસે પુષ્પેન્દ્ર પાન્ડેની ફરિયાદને આધારે બે શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top