Gujarat

રાજકોટ હાઈવે પર ટ્રકની પાછળ ઈકો કાર ઘુસી ગઈ, બે પુત્રો સાથે પિતાનું મોત

રાજકોટ: અમદાવાદ-રાજકોટ હાઈવે (Ahmedabad Rajkot Highway) પર આજે મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કારનો કાગળની જેમ ડૂચો વળી ગયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

  • રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક આયા ગામના બોર્ડ પાસે અકસ્માત
  • મંગળવારે વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે થયો અકસ્માત
  • કારમાં બેઠેલા ચાર મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા
  • મૃતદેહો બહાર કાઢવા માટે કારનું પતરું ચીરવું પડ્યું
  • રાજકોટ-અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માતોની બનતી ઘટનાઓ વચ્ચે તંત્ર નિંદ્રાધીન

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે લીંબડી નજીક આવેલા આયા ગામના બોર્ડ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી ઈકો કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી. એક જ પરિવારના ચાર પુરુષો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રકના પાછળના ભાગે ઇકો કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. બે વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે દૂર સુધી વિસ્ફોટ જેવો અવાજ થયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક રહીશોના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને 108 તથા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને 108 તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કારના પતરાં ચીરીને તેમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કાર અને તેમાં બેઠેલા પેસેન્જરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે જોઈ પણ શકાતી નહોતી. ઘટના સ્થળે જ કારમાં બેઠેલાં પિતા અને તેમના બે પુત્ર અને ભત્રીજાનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માત થતાં રહે છે. થોડા દિવસ અગાઉ અહીં ચોટીલા સાયલા વચ્ચે વણકીના પાટીયા પાસે કોલસા ભરેલા ડમ્પર સાથે કારની ટક્કર થઈ હતી, જેમાં સસરા-જમાઈના મોત થયા હતા. આ ઘટનામાં પણ કારનું પડીકું વળી ગયું હતું અને ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. થોડા દિવસ અગાઉ પોલીસવાનને પણ આ હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં મહિલા પોલીસકર્મી સહિત 4 પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા.

Most Popular

To Top