Comments

પેપર ફૂટયું એની કઈ કરચ તમારા પગમાં વાગી?

સ્પર્ધાત્મક પરિક્ષા દ્વારા યોગ્યતા નક્કી કરીને નોકરી આપવાનો ક્રમ છેલ્લાં વર્ષોમાં ચાલ્યો છે અને આવી રોજગારલક્ષી સ્પર્ધાત્મક પરિક્ષાનું પેપર  ફૂટવાની ઘટના પણ હવે દસથી વધારે વખત બની ચુકી છે ! આ લખાય છે ત્યારે અને વંચાશે ત્યારે ગુજરાતમાં જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટવાના સમાચાર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટવાના સમાચાર જૂના  થઈ ગયા છે અને આક્રોશ પૂરો થઈ ગયો છે ! પેપર ફૂટવાની આ ઘટના આમતો અનેક વિચાર માંગીલે તેવા પ્રશ્નો ઊભા કરે છે. આમાનો ક્યો પ્રશ્ન  એક જવાબદાર નાગરીક તરીકે આપણાં મનમાં ઊદભવ્યો ? એ પણ એક પ્રશ્ન છે.

આમ તો ઘરમાં કશુ ફૂટે તો તેની અનેક કરચો ચારે બાજુ વિખેરાય અને સાચવીને ન ચાલીએ તો પગમાં ખૂંચે ! ફટાકડો ફૂટે તો અનેક તિખારા  ચોતરફ ઊડે અને ત્યાં પણ ન સાચવીએ તો તે તિખારા દજાડે…. પેપર ફૂટવાની અભૌતિક ઘટના પણ ખૂંચે એવા, દઝાડે એવા અનેક મુદ્દાઓ ઊભા કરે  છે પેપર ફૂટવાની કેટલીક પિડાકારક કરચ અમને ખૂંચી છે ! પ્રથમ કરચતો એ ખૂંચી કે પેપર ફૂટી ગયું છે તે વાતની જાણ તંત્રને ચાર દિવસ પહેલા થઈ ગઈ હતી તો છેલ્લી ઘડીએ પરિક્ષા રદ કરવાનો સવાલ તો  જ ક્યાં હતો ! આરોપીઓને પકડવા માટે હજારો વિદ્યાર્થીઓને (કે લાખે ?) હેરાન શા માટે કર્યા ? વળી આવી કોઈપણ પરિક્ષામાં બે થી વધારે પેપરસેટ હાજર હોય છે  ! જો તંત્ર એમ કહેતું હોય કે પેપર ફૂટવાની જાણ તેને ચાર દિવસ પહેલા થઈ હતી તો લાખો વિદ્યાર્થીઓને હેરાન થતાં બચાવી શક્યા હોત ! અને  તત્કાળ બીજો પેપર સેટ, નવું પેપર લાવી પરિક્ષા લઈ શકાઈ હોત અથવા અગોતરી મોફુક રાખી શકાઈ હોત !

પેપર ફૂટવાની બીજી કરચ ઊડે સુધી દર્દ આપે છે તે એ કે રાજ્યના ઊચ્ચ મધ્યમવર્ગમાં આની ચર્ચા, આક્રોશ, કે સત્તાવાળાને સવાલનો સ્હેજ પણ મુદ્દો  ન દેખાયો કેમ ? વાત સ્પષ્ટ છે. જુનીયર ક્લાર્કની પરિક્ષામાં ગુજરાતના સામાજીક આર્થિક સંપ્પનં ઘરના યુવાનો પરિક્ષા આપતા જ નથી ! આ નોકરી  કે તેની પરિક્ષા તેમની ચિંતા કે ચર્ચાનો વિષય જ નથી અને સમાજના આર્થિક-સામાજીક નબળા વર્ગના લોકોની પિડા, એમની મુશ્કેલીઓ તેમને પિડા  આપતી જ નથી. સવાલ માત્ર પેપર ફૂટવાનો નથી.

પૂલ તૂટવો કે બસ ખાડામાં પડવી કે શાળા-કોલેજોમાં શિક્ષક-અધ્યાપક ન હોવા જેવી કોઈપણ બાબત  સાથે ગુજરાતના ઊચ્ચ મધ્યમવર્ગને કોઈ લેવા દેવા જ નથી ! માટે જ રાજ્યમાં ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા જે જે સેવાઓ અપાય છે  તેમાંથી મોટાભાગની આઉટ સોર્સિગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને આધિન થઈ ગયું છે. છેલ્લાં દસ વર્ષમાં સફાઈ કામદારથી માંડીને શાળા-કોલેજમાં  શિક્ષક, અધ્યાપકો સૌ કોન્ટ્રાકટથી રાખવામાં આવે છે ! આ નો ક્યાંય કોઈ વિરોધ, સમાજની મુખ્ય ધારામાં જોવા જ નથી મળ્યો ! હમણાં ગુજકેટની  પેપર ફૂટે કે નીટની પરિક્ષામાં ગડબડ થાય તો તરત ખબર પડે કે સમાજની ખરી નિસ્બત ક્યાં છે !

પેપર કાંડની એક કરચ એ કોન્ટ્રાક્ટ સિસ્ટમની આડ અસર તરફ વિચારવા પ્રેરે છે ! ખરેખરતો પેપર ફૂટવાની સિલસિલા બંધ ઘટનાના પગલામાં આ  આઉટ સોર્સિગ છે ! પહેલા સરકારી તમામ સાહિત્ય સરકારી અધિકારીઓ સરકારી પ્રેસમાં છપાવતા, અહી જવાબદારી નક્કી થતી. છેલ્લાં વર્ષોમાં આ  છાપકામના કોન્ટ્રાકટ અપાય છે. ખાનગી એજન્સીઓ શાળા-કોલેજ-યુનિ. કે સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર છાપે છે. ઈવન ઓનલાઈન પરિક્ષા પણ યોજી  આપે છે ! આવાં ખાનગી કોન્ટ્રાકટરો રાજકીય પીઠબળ ધરાવતા હોય છે એટલે જેમ પૂલ સમારકામનો ખાનગી કોન્ટ્રાકટ ભયજનક બેદરકારી સર્જે છે  તેમ પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ પણ જોખમ સર્જે છે. આ રાજ્ય બહાર પેપર છાપવા આપવાના કોન્ટ્રાકટના દૂષણની વિગતે ચર્ચા ક્યાંય થઈ જ નહીં !

રોજગારલક્ષી યોગ્યતા નક્કી કરવા સ્પર્ધાત્મક પરિક્ષાઓ કેટલી યોગ્ય ? આ વાત કોઈ કેમ બોલતું નથી ! કોઈને એવો પ્રશ્ન કેમ નથી થતો કે ક્લાર્ક  માટે જૂદી પરિક્ષા, પ્રથમ વર્ગ માટે જુદી, બીજા વર્ગ માટે સચિવાલય માટે જુદી મ્યુનિસિપાલીટી માટે જુદી… આટલી બધી પરિક્ષાઓ કેમ ?  નબળુ કોણ  છે ? વિદ્યાર્થી કે શિક્ષણની વ્યવસ્થા ? આપણે આપણાં જ યુવાનોની એટલી બધી પરિક્ષા લઈએ છીએ કે આપણને જ આપણાં શિક્ષણ બોર્ડ કે  યુનિવર્સિટીની ડીગ્રીમાં વિશ્વાસ નથી ! આપણા યુવાનને તેની બોર્ડની માર્કશીટ કે યુનિ.ની  માર્કશીટના આધારે આપણે નોકરી જ આપી શક્તાં નથી !  આ વાત વિદ્યાર્થી માટે નહીં શિક્ષણ બોર્ડના ચેકમેન અને યુનિવર્સિટીના કુલપતિ માટે વિચારવા યોગ્ય છે. !

કરચો ઘણી છે પણ આમાની કોઈ કરચ આપણને ખૂંચી કે નહીં ? – એ કરચ સૌથી અગત્યની છે. એમાંય પેપર ફોડનારા અને પેપર ખરીદવા નિકળેલા  વાલીઓ-વિદ્યાર્થીનો દોષ કાઢી આખા તંત્રને બચાવવા નિકળેલા લોકોતો વધારે પિંડા દાયક છે. ‘‘ક્લાર્ક’’ની નોકરી માટે શું આમ ધાંધા થાવ છો એવું  કહેનારા દેશમાં બેરોજગારીની વિકરાળ સમસ્યાને હાસ્યાસ્પદ રીતે મૂલવે છે ! મૂળમાં વાત એ છે કે સમસ્યાનું વર્ગીકરળ કરી, વિશ્લેષણ કરી વૈજ્ઞાનિક  અભિગમથી મુદ્દાને સમજવાનો અભિગમ આપણે છોડી દીધો છે તે ખૂબ ગંભીર અને ચિંતાજનક છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top