ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુરુવારે સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સુરતના એક જ પરિવારના બે સભ્યો સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં છે. ગંગનાની નજીક એક ઈનોવા કાર ચાલકના કાબૂ બહાર જતાં ઊંડી ખીણમાં ખાબકીને ગંગા નદીમાં પડી હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અન્ય બે મુસાફરો નદીના તેજ વહેણમાં લાપતા હોવાની આશંકા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર સાતેય મુસાફરો ગુજરાતના સાબરમતી વિસ્તારના રહેવાસી હતા. તેઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંગનાનીમાં ગરમકુંડથી આશરે 20 મીટર આગળ ડબરાની તરફ કાર અચાનક અનિયંત્રિત બની હતી અને ઊંડી ખીણમાં ખાબકીને ગંગા નદીમાં પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શિવશક્તિ રેસિડન્સી, લલિતા ચોકડી ખાતે રહેતા અશોકભાઈ પટેલ (ઉં.વ. 49) અને તેમની પુત્રી રિતિકા અશોકભાઈ પટેલ (ઉં.વ. 19)નો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) તરફથી મળેલી માહિતી મુજબ, આ અકસ્માતમાં એક જ પરિવારના આ બે સભ્યો સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં છે. પરિવારના અન્ય એક સભ્ય વેદાંત અશોકભાઈ પટેલ (ઉં.વ. 17) ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉત્તરકાશીના જિલ્લાધિકારી પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટુકડીઓએ નદી કિનારેથી અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
નદીમાં બે લોકો લાપતા હોવાની આશંકાને પગલે શોધખોળ તેજ કરવામાં આવી છે. ગંગા નદીના તેજ વહેણને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જળ પોલીસ અને ગોતાખોરોની ટીમો નદીના પ્રવાહમાં સતત શોધખોળ કરી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનેરાથી NDRFની 27 સભ્યોની ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. SDRF, NDRF અને અન્ય બચાવ ટીમો સંયુક્ત રીતે લાપતા મુસાફરોની શોધખોળ કરી રહી છે.
દરમિયાન, સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને મેડિકલ ટીમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. શોધખોળ દરમિયાન અન્ય કોઈ ઘાયલ વ્યક્તિ મળી આવે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર બચાવ કામગીરી પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે.
અકસ્માતમાં સુરતના પરિવારના સભ્યોનાં મોતની માહિતી મળતાં પરિવારજનોનો સંપર્ક કરીને તેમને જાણ કરવા અને જરૂરી વિગતો મેળવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પરિવારને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવા તેમજ સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કોઈ સહાય કે રાહત ચૂકવવાની થતી હોય તો તે અંગે કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ સંબંધિત કચેરીને મોકલવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, કાર કયા કારણોસર ચાલકના કાબૂ બહાર ગઈ અને ખીણમાં ખાબકી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. કારની ઝડપ, રસ્તાની સ્થિતિ અને અન્ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોની ઓળખ, નામ અને સરનામાની સત્તાવાર પુષ્ટિ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ગંગોત્રી ધામનાં દર્શન માટે નીકળેલા ગુજરાતના મુસાફરો સાથે બનેલી આ દુર્ઘટનાથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલ બે લાપતા મુસાફરોની શોધખોળ અને અકસ્માતના કારણોની તપાસ મુખ્ય પ્રાથમિકતા છે.