શહેરના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ પટેલે તેના સાગરિતો સાથે મળી ગેરેજ માલિક અને તેના મિત્રને બેરહેમીથી માર્યો છે. આ બનાવના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. તેના આધારે ગેરેજ માલિકે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેના સાગરિતો સાથે મળી ગઈ તા. 12મી ઓક્ટોબરના રોજ ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેના મિત્ર દક્ષાંગ પર હુમલો કર્યો હતો. મોડી રાત્રે રાજ સ્કેવર હોટલ પાસે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે યોગેશ પટેલ રેન્જ રોવર ગાડીમાંથી લાકડી કાઢે છે અને વત્સલને માર મારે છે. તેનો સાગરિત પવનસિંગ ગુર્જર લોખંડના કાંટાવાળી તારથી વીંટાળેલી બેઝબોલ સ્ટીકથી હુમલો કરે છે. વત્સલને આ હુમલામાં ગંભીર ઈજા થાય છે.
આ મામલે ગેરેજ માલિક વત્સલ ભરત પટેલે ફરિયાદ આપી છે. વત્સલે ફરિયાદમાં કહ્યું છે કે, ગઈ તા. 12 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નં. 3 પાસે રાજસ્કેવર હોટલ નજીક હુમલો થયો હતો. મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદના સમાધાન માટે ઝઘડો થયો હતો. વત્સલ પટેલ તેના મિત્ર દક્ષાંગ સાથે વિશાલ અને કિશનને મળવા ગયો હતો. દરમિયાન અચાનક સ્થળ પર બે મોંઘી કાર એક હેરીયર અને બીજી રેન્જ રોવર આવીને ઉભી રહી હતી.
રેન્જ રોવરમાંથી ભાજપ નેતા યોગેશ પટેલે ઉતરી મા-બહેનની ગાળો દીધી હતી. લાકડીથી માર માર્યો હતો. પવનસિંગ ગુર્જર (ઉં.વ. 28) એ કમરના ભાગેથી બેઝબોલની સ્ટીક કાઢી હિતેન્દ્ર ઉર્ફે મોનુને આપી હતી. મોનુએ સ્ટીકલથી વત્સલ પટેલના ડાબા પગના ઘૂંટણી નીચે મારી હતી. પવનસિંગે ચપ્પુ કાઢી વત્સલને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું સ્પષ્ટ લખાયેલું હોવા છતાં આરોપીઓની ધરપકડ નહીં થતા ઈચ્છાપોર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. પોલીસે આ કેસમાં હિતેન્દ્રસિંગ ઉર્ફે મોનુ બિહારી અને પવનસિંગ ગુર્જરની ધરપકડ છે, પરંતુ મુખ્ય આરોપી અને ભાજપના નેતા યોગેશ પટેલને હજુ પકડ્યા નથી. તેથી એવી ચર્ચા ઉઠી છે કે પોલીસ ભાજપના નેતાને બચાવવા પ્રયાસ કરી રહી છે.