Editorial

ભારતમાં સીધા વિદેશી રોકાણનું પ્રમાણ વધારવા હજી વધુ પ્રયાસોની જરૂર છે

ભારત એક મોટું વૈશ્વિક બજાર બની ચુક્યું છે. ચીન પછી વિશ્વનો સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ ભારત છે અને ૧૯૯૧થી ભારતે ખુલ્લા બજારની નીતિ અપનાવી પછી વિશ્વભરની અનેક કંપનીઓ ભારતના વિશાળ બજારનો લાભ ઉઠાવવા અહીં દોડી આવી અને આજે સ્થિતિ એવી છે કે દુનિયાભરની કંપનીઓ ભારતના બજારને અવગણી શકે તેમ નથી. ભારતે પોતે પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં સારી એવી ઔદ્યોગિક પ્રગતિ કરી છે. માળખાકીય વિકાસ પણ ભારતમાં ખૂબ થયો છે અને તેના કારણે વિશ્વની અનેક કંપનીઓને ભારતમાં પોતાના એકમો નાખવામાં અને ભારતમાં ધંધો કરવામાં અને રોકાણ કરવામાં પણ સરળતા થઇ છે.

જો કે હજી પણ ધંધો કરવાની સરળતાની બાબતમાં ભારતમાં નોંધપાત્ર મુશ્કેલીઓ છે એવી કેટલીક ફરિયાદો છતાં ભારતનું વિશાળ બજાર જોતાં ભારતમાં વૈશ્વિક કંપનીઓ રોકાણ કરવા આકર્ષાઇ રહી છે તે એક નક્કર વાસ્તવિકતા છે. ભારતમાંની વિશાળ તકો જોતા સીધું વિદેશી રોકાણ પણ ભારતમાં મોટા પ્રમાણમાં ઠલવાઇ રહ્યું છે. એફડીઆઇના નામે ઓળખાતું આ રોકાણ વીતેલા નાણાકીય વર્ષમાં ૮૩ અબજ ડોલર કરતા પણ વધુ આવ્યું છે એવા આંકડાઓ પ્રોત્સાહક છે, જો કે હજી પણ આ રોકાણને આકર્ષવાના વધુ પ્રયાસો કરવાની જરૂર છે.

ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરનું ૮૩.પ૭ અબજ ડોલરનું કુલ સીધુ વિદેશી રોકાણ(એફડીઆઇ) મેળવ્યું છે જે નીતિ સુધારાઓ અને ધંધો કરવાની સરળતા માટેના સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે શક્ય બન્યું છે એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હાલમાં જણાવ્યું હતું. સરકાર તો પોતાના કાર્યની પ્રશંસા કરે જ, પરંતુ એક નાગરિક તરીકે આપણે માટે પણ આ સીધા વિદેશી રોકાણનું વધી રહેલું પ્રમાણ એક આનંદની વાત છે. કુલ એફડીઆઇમાં ઇક્વિટિના ઇન્ફ્લોઝ, કમાણીના પુન:રોકાણ અને અન્ય મૂડીનો સમાવેશ થાય છે.

૩૧ માર્ચના રોજ પુરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આ પ્રવાહ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ પહેલા ૨૦૨૦-૨૧માં આ પ્રવાહ ૮૧.૯૭ અબજ ડોલર અને ૨૦૧૯-૨૦માં ૭૪.૩૯ અબજ ડોલર તથા ૨૦૧૮-૧૯માં ૬૨ અબજ ડોલર હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ તથા કોવિડ-૧૯ના રોગચાળા જેવા પડકારો હોવા છતાં વિદેશી મૂડી રોકાણનો આવતો પ્રવાહ વધી રહ્યો છે. આ પ્રવાહ ૨૦૦૩-૦૪થી અત્યાર સુધીમાં ૨૦ ગણો વધ્યો છે, ૨૦૦૩-૦૪માં તે માત્ર ૪.૩ અબજ ડોલર હતો એમ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે ટોચના રોકાણકાર દેશોની રીતે જોઇએ તો ૨૭ ટકા હિસ્સા સાથે સિંગાપોર સૌથી ટોચના સ્થાને છે, જેના પછી અમેરિકા (૧૮ ટકા) અને મોરિશ્યસ(૧૬ ટકા) ગયા નાણાકીય વર્ષમાં હતા. આ પ્રવાહ વૈશ્વિક રોકાણકારોમાં ભારતના પસંદગીના રોકાણના સ્થળ તરીકેના દરજ્જાને માન્યતા આપે છે એ મુજબ મંત્રાલયે જણાવ્યું હતું. જે સેકટરોમાં રોકાણ આવે છે તે સેકટરોની રીતે જોઇએ તો કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરના સેકટરમાં સૌથી વધુ રોકાણ વિદેશથી આવ્યું છે.

તેના પછી સર્વિસ સેકટર અને ઓટોમોબાઇલ ઉદ્યોગમાં રોકાણ આવ્યું છે. વિદેશમાંથી સૌથી વધુ રોકાણ મેળવનાર રાજય તરીકે કુલ વિદેશી રોકાણના પ્રવાહમાં ૩૮ ટકા હિસ્સા સાથે કર્ણાટક ટોચ પર આવે છે જયારે બીજા ક્રમે મહારાષ્ટ્ર(૨૬ ટકા) અને ત્રીજા ક્રમે દિલ્હી(૧૪ ટકા) રહ્યું હતું એમ મંત્રાલયે આપેલા આંકડાઓ પરથી જાણવા મળે છે. ગુજરાત એક વિકસીત રાજ્ય હોવાનો દાવો કરતું હોવા છતાં ગુજરાત વિદેશી રોકાણ આકર્ષવામાં પાછળ પડી રહ્યું છે તે પણ આ આંકડાઓ પરથી સમજી શકાય છે.

હવે સંરક્ષણવાદની બંધિયાર આર્થિક નીતિનો જમાનો નથી. વિશ્વના મોટા ભાગના દેશોએ હવે પોતાના દરવાજા વૈશ્વિક રોકાણો માટે ખોલી દીધા છે અને માંડ થોડાક, ઉત્તર કોરિયા જેવા ગણ્યા ગાંઠ્યા દેશો જ એવા છે કે જેમણે આર્થિક બાબતોમાં બંધિયારપણુ ચાલુ રાખ્યું છે. જો કે વિદેશી રોકાણ માટે દરવાજા બિલકુલ ઉઘાડા ફટાક રાખી દેવામાં જોખમો પણ છે જ અને ભારતની સરકારોએ સદભાગ્યે તે બાબતે પુરતી સભાનતા રાખી છે અને દેશના હિતને જોખમી થાય તેવા વિદેશી રોકાણો બાબતે સતર્કતા રાખી છે તે સારી બાબત છે.

પરંતુ આજે દેશના વિકાસ માટે વિદેશી રોકાણ આપણે માટે આવશ્યક જેવું બની ગયું છે. ભારતમાં સીધા વિદેશી રોકાણનું પ્રમાણ સારું એવું વધ્યું હોવા છતાં એ પણ એક કઠોર વાસ્તવિકતા છે કે આ બાબતમાં ભારત કેટલાક નાના દેશો કરતા પણ પાછળ છે. ભારતમાં માળખાકીય સુવિધાઓ સારી એવી વધી હોવા છતાં હજી તેમાં ઘણુ કરવાનું બાકી છે. ધંધો કરવાની સરળતા વધી હોવાના વર્તમાન સરકારના દાવાઓ છતાં ભારતમાં હજી પણ કેટલાક અવરોધો વિેદેશી રોકાણકારોને મૂંઝવી રહ્યા છે અને ભારત સરકારે આ બાબતે યોગ્ય પગલા ભરી આ અવરોધો દૂર કરવા પ્રયાસો કરવા જ જોઇએ.

Most Popular

To Top