SURAT

નવસારીમાં પુરની સ્થિતિ, 12 હજાર લોકોનું સ્થળાંતર

નવસારી: નવસારી(Navsari)ની કાવેરી(Kaveri) – પૂર્ણા(Purna) અને અંબિકા(Ambika) નદીઓ(River)એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાંચ – પાંચ ફુટ સુધી પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરંભે ચડ્યું હતું. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે મોડી રાતથી જ અલગ – અલગ વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવાની સાથે સાથે સતત વધી રહેલી નદીની સપાટી પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગઈકાલ રાતથી આજે સવાર સુધી વહીવટી તંત્ર દ્વારા 12 હજારથી વધુ નાગરિકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અંબિકા – પૂર્ણા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી
નવસારી શહેર – જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને પગલે બારે મેઘ ખાંગાની જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ નવસારીમાંથી પસાર થતી અંબિકા – પૂર્ણા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી જતાં સ્થિતિ વધુ વિકરાળ બનવા પામી છે. હાલ અંબિકા નદી તેની ભયજનક સપાટી 28 ફુટ પાર કરતાં 30 ફુટે જયારે પૂર્ણા નદી 23 ફુટની ભયજનક સપાટી કરતાં વધુ 26.50 ફુટે અને કાવેરી નદી 14 ફુટની સપાટીએ વહી રહી છે. ભયજનક સપાટીને વટાવી જવાને કારણે નદીઓના નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલે સાંજથી જ જળબંબાકારની સ્થિતિ જવા મળી રહી છે. અલબત્ત, આજે સવારથી નવસારીમાં વાંસદા તાલુકાને બાદ કરતાં મોટા ભાગના તાલુકાઓમાં વરસાદે આંશિક વિરામ લીધો છે. વાંસદા તાલુકામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે.

અડધું નવસારી શહેર પાણીમાં ગરકાવ
નવસારીની ત્રણેય નદીઓ ગાંડીતુર બનતા અડધું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના કાલિયાવાડી, સ્વપ્રલોક, ઝવેરી સડક, મહાવીર સોસાયટી, રામલા મોરા, ભેસદખાડા, માછીવાડ, રિંગરોડ, રંગુનવાલા નગર, એપીએમસી, વિરાવળ, કાસીવાડ, બંદરરોડ, રૂસ્તમવાડી, નવી વસાહત, જલાલપોર સહિતના વિસ્તારોમાં પાંચ ફુટ સુધી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. નવસારી નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ઠેર – ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

12 હજાર લોકોનું સ્થળાંતર
નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલથી જ પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળતાં વહીવટી તંત્ર સાબદું થઈ ગયું હતું. ગઈકાલે મોડી રાત સુધી વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો દ્વારા અલગ – અલગ વિસ્તારોમાંથી બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી નવસારી જિલ્લામાં જ 12 હજારથી વધુ નાગરિકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જેઓને અલગ અલગ વિસ્તારમાં આવેલ શાળાઓ અને સેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જ્યાં તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અંબિકા નદીમાં પણ સતત સપાટીમાં વધારો નોંધાતા ચીખલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.ચીખલીના કાંઠા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને ભારે પુરને પગલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Most Popular

To Top