National

આસામમાં પૂરનો વિનાશ: લગભગ 3000 ગામો પાણીમાં ડૂબ્યા, અત્યાર સુધી 55 લોકોના મોત

આસામ: આસામમાં (Assam) ભારે વરસાદને (Heavy Rain) કારણે નદીઓ (River) વહેતી થઈ છે અને પૂરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, રાજ્યના 28 જિલ્લાના 2,930 ગામોમાં 18.95 લાખ લોકોને અસર થઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 55 લોકોના મોત થયા છે. શુક્રવારે મોડી રાત્રે હોજાઈમાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી બોટ ડૂબી જતાં ત્રણ બાળકો ગુમ થયા હતા જ્યારે 21 લોકોને બચાવી લેવાયા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શનિવારે રાજ્યમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. રાજ્યમાં લગભગ 1.08 લાખ લોકો 373 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં, દિમા હસૌ, ગ્વાલપારા, મોરીગાંવ, કામરૂપ અને કામરૂપ (મેટ્રો) જિલ્લામાં ભૂસ્ખલનની જાણ થઈ છે.

તે જ સમયે, નીચલા આસામના નલબારી જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 1.23 લાખ લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ નલબારી, ઘોગાપર, બરભાગ, નલબારી, ટીહુ, બરખેત્રી મહેસૂલ વર્તુળમાં 203 ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને આસામમાં પૂરની સ્થિતિ જાણવા માટે ફોન કર્યો હતો. સરમાએ ટ્વિટ કર્યું, “તેમની ખાતરી અને ઉદારતા માટે આભાર. તેમણે આ કુદરતી આફતને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને PMએ રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

ટ્રેનો આંશિક રીતે રદ
નદીઓના જળસ્તરમાં સતત વધારો અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગે ડિબ્રુગઢ અને તિનસુકિયાથી ચાલતી ટ્રેનોને આંશિક રીતે રદ કરી દીધી છે.

સેનાએ રાહત-બચાવ કામગીરીની કમાન સંભાળી હતી
આર્મીના ગજરાજ કોર્પ્સે ગુરુવારથી સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને પૂર રાહત કામગીરી શરૂ કરી છે. સેના દ્વારા બક્સા, નલબારી, દારંગ, તામુલપુર, હોજાઈ અને કામરૂપમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

NA-15 ડૂબી ગયો, 13 પાળા તૂટ્યા
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, દારંગ જિલ્લાના સિપઝાર વિસ્તારમાં પૂરને કારણે NH-15 ડૂબી ગયું છે. હાઈવે પર વાહનવ્યવહાર બંધ થવાને કારણે સેંકડો ટ્રકો અટવાઈ ગઈ છે. રાજ્યમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 13 પાળા તૂટ્યા છે, જ્યારે 64 રસ્તાઓ અને એક પુલને નુકસાન થયું છે.

બ્રહ્મપુત્રા, કપિલી સહિતની અનેક નદીએ ભયની સપાટી પાર કરી
સેન્ટ્રલ વોટર કમિશન (CWC) દ્વારા શનિવારે જારી કરાયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે નાગાંવ જિલ્લામાં કપિલી નદીમાં ઉછાળો છે. તે જ સમયે, બ્રહ્મપુત્રા, જિયા ભરાલી, પુથિમરી, માનસ, બેકી, બરાક અને કુશિયારા નદીઓનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રાજ્યમાં 43,338 હેક્ટર ખેતીની જમીન ડૂબી ગઈ છે.

Most Popular

To Top