Columns

જેલ કેવી રીતે તૂટે છે?

દોસ્તો, આપને યાદ હશે અનિરુદ્ધ બહલે સાંસદોના લાંચ કૌભાંડનું નામ ‘ઓપરેશન દુર્યોધન’ આપ્યું હતું. અખબારોમાં એક સાથે 11 સાંસદોના ફોટા છપાયા હતા. ત્યારે વિચાર આવેલો દુર્યોધનનું ઘર સળગે ત્યારે એકલું નથી સળગતું. રાવણ, કંસ, શકુનિ, દુશાસન અને જરાસંઘની આખી વસાહતો સળગે છે. માણસ ધરતીકંપમાંથી ધૂળ ખંખેરીને બેઠો થઈ જાય તે રીતે પકડાયેલો માણસ છૂટી જઈને ફરીથી કૌભાંડનો નવો કારોબાર ચાલુ કરી દે છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ એક વાર થયેલું.. પ્રજાનું વસ્ત્રાહરણ રોજ થાય છે. સીતાની અગ્નિપરીક્ષા પૂરી થયેલી ત્યાંથી પ્રજાની ચૂંટણી પરીક્ષા શરૂ થઈ છે. દોસ્તો, સાબુ જ ગંદો હોય તો કપડાં શી રીતે શુદ્ધ થઈ શકે? જ્યોર્જ બર્નાડ શૉએ સાવ સાચું કહ્યું હતું: ‘પ્રજા જેવી હોય તેનાથી વધારે સારી સરકાર દેશને મળી શકતી નથી.’            

 આપણી કમનસીબી એ છે કે એક વાર જે ભૂલને કારણે દેશમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય તેમાંથી આપણે કાંઈ શીખતા નથી. એથી તેવી ઘટનાઓ વારંવાર બને છે. જેલની બારી તોડીને કેદીઓ ભાગી ગયાના કિસ્સાઓ અનેક વાર બન્યા છે. પ્રિઝન સ્ટેટેસ્ટિક ઈન્ડિયાના આંકડાઓ કહે છે કે ઈ.સ. 2011 અને 2015ના સમયગાળામાં ભારતમાં જેલબ્રેકની કુલ 83 ઘટનાઓ બની હતી. (જેમાંની 41 તો રાજસ્થાનમાં જ બની હતી) કંઈક એવું સમજાય છે કે આપણી જેલોની સલામતી અત્યંત કંગાળ છે. વારંવાર જેલો તૂટે છે તોય વહીવટીતંત્રની આંખ ઉઘડતી નથી. 31 ઓક્ટોબરે ભોપાળની સેન્ટ્રલ જેલમાંથી ‘સીમી’ના 8 આતંકવાદી જેલ તોડીને ભાગી ગયા હતા. જો કે પોલીસ સાથેની અથડામણમાં તે બધા ઠાર મરાયા હતા પણ  આબરૂના ખરા કાંકારા તો ત્યારે થયા હતા જ્યારે પંજાબની નાભા જેલ પર પોલીસના વેશમાં ત્રાટકીને તેઓ 10 હથિયારધારી આતંકવાદીઓને છોડાવી ગયા હતા. ત્યાર બાદ હરમિંદર સિંહ મિંટ્ટુ પણ દિલ્હીથી પકડાઈ ગયો હતો.

 ભારતીય જેલોમાં કેદીઓ વચ્ચે જીવલેણ મારામારી થયાની ઘટનાઓ પણ અનેક વાર બની છે. ખાલિસ્તાની લિબરેશન ફ્રન્ટનો વડો હરમિંદર સિંહ મિંટ્ટુ 2014 માં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયો હતો. તેના પર કુલ 10 ફોજદારી કેસો ચાલી રહ્યા હતા. જેમાં ડેરા સચ્ચા ગુરુ રામરહિમની હત્યાનો ગુનો પણ સામેલ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI પંજાબમાં ફરી  એક વાર અશાંતિ પેદા કરવા માટે પ્રયત્નશીલ છે. જેમાં તેઓ હરમિંદરસિંહનો ઉપયોગ કરવા માંગતા હતા. સત્ય એ છે કે નાભા જેલમાં જે આતંકવાદીઓ ત્રાટક્યા હતા તેમની યોજના હરમિંદર સિંહ ઉપરાંત તેમના બીજા 5 સાગરીતોને છોડાવવાની હતી. જાણીને નવાઈ લાગશે પણ અંધારી આલમમાં મારામારી અને હિંસાની ઘટનાઓ બને છે તેવી જ જેલોમાં પણ બને છે.  2011 માં જેલોમાં મારામારીના કુલ 836 બનાવો બન્યા હતા. આ ઘટનાક્રમનું વર્ણન હજી આગળ ચાલી શકે એમ છે પણ આપણે અહીં અટકીએ કેમ કે સમગ્ર વિશ્વમાં કદાચ ગુનાખોરીનું પ્રમાણ આપણે ત્યાં નોંધપાત્ર રીતે વધારે છે.

આપણા દેશમાં જેલોની વ્યવસ્થા કેટલી કંગાળ છે તેનો આ વિગતો પરથી ખ્યાલ આવી શકે છે. જેલની દીવાલો કાચી હોય અથવા જ્યાં CC TV કેમેરા મૂક્યા હોય ત્યાં કેમેરા હોય જ નહીં અથવા હોય તો ચાલતા ના હોય. આવી નરી આંખે દેખાય એવી તો અનેક ત્રુટિઓ છે. તે માટે સ્વાભાવિક જ જેલના વહીવટદારો જવાબદાર ગણાય. તાજેતરમાં તિહારની જેલમાંથી ‘સીમી’ના 8 કેદીઓ છટકી ગયા ત્યારે જાણવા મળ્યું કે પંજાબમાંથી 1995માં વલ્લોરની ટીપુ સુલતાન જેલમાંથી તમિળ ટાઈગરના 43 આતંકવાદીઓ હતા. જેઓ ભૂગર્ભમાં 153 ફૂટ લાંબું બોગદું ખોદીને ભાગી જવામાં સફળ થયા હતા. જરા વિચારો, વહીવટી તંત્ર જો મળેલું ના હોય તો તેમની આંખ નીચે 153 ફૂટ લાંબું બોગદું ખોદવાનું શક્ય બને ખરું??

દોસ્તો, અત્રે જેલબ્રેકની બહુ ઓછી ઘટનાઓ આપી છે. તેના પરથી ખ્યાલ આવશે કે આપણું વહીવટી તંત્ર કેટલું નિષ્ફળ અને અમલદારો કેટલા ભ્રષ્ટ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ કહે છે કે 2015 ના એક જ વર્ષમાં ભારતના 6 રાજ્યોના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 200 કેદીઓ ફરાર થઈ ચૂક્યા છે. દોસ્તો, આશ્ચર્ય થશે પણ ભારતની જેલોમાં એટલો વિપુલ માત્રામાં ભ્રષ્ટાચાર ચાલે છે કે પૈસા ચૂકવી શકે તો કેદીઓને જેલમાં બેઠાબેઠા ફ્રિઝ, TV, AC, મોબાઈલ જેવી લક્ઝુરિયસ સાહ્યબી મળી શકે છે. ખરી મુશ્કેલી તો ત્યાં હોય છે કે કેટલાક નામીચા માફિયાઓ જેલમાં બેઠાબેઠા અંડરવર્લ્ડનો બધો કારોબાર ચલાવે છે. જાણકારોને યાદ હશે 2015- માં ભોપાળની સેન્ટ્રલ જેલમાંથી “સીમી”ના 8 આતંકવાદી ફરાર થઈ ચૂક્યા હતા ત્યારે કોંગ્રેસના દિગ્વિજય સિંહે એ અથડામણને બનાવટી ગણી વિવાદ પેદા કર્યો હતો.

ધૂપછાંવ
મોદીસાહેબ, દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં જેલોમાં વ્યાપેલો બેફામ ભ્રષ્ટાચાર દૂર કરવો પડશે. સ્વચ્છ પાણીની અપેક્ષા હોય તો કૂવો કે માટલું બન્ને ગંદાં નહીં ચાલે!

Most Popular

To Top