National

PM મોદીએ કાઝીરંગામાં કરી જંગલ સફારી, હાથી પર બેસીને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશની (Arunachal Pradesh) 2 દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જંગલ સફારી માટે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક (Kaziranga National Park) પહોંચ્યા હતા. અહીં તેમણે જીપમાંથી કાઝીરંગાનું પ્રાકૃતિક સૌંદર્ય માણ્યુ હતું. તેમજ વડાપ્રધાન મોદી અહીં હાથમાં કેમેરો લઇ ફોટો શૂટ કરતા પણ જોવા માળ્યા હતા.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન પીએમ મોદી પહેલા પાર્કની સેન્ટ્રલ કોહોરા રેન્જના સંલગ્ન વિસ્તારમાં હાથીની સફારી પર ગયા હતા. ત્યાર પછી તે જ રેન્જની અંદર જીપ સફારી પણ માણી હતી. પીએમ મોદીની સાથે પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હતા.

વડાપ્રધાન આસામ અને અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે શુક્રવારે સાંજે કાઝીરંગા પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી આસામ પહોંચ્યા બાદ કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને રાજ્યના કૃષિ પ્રધાન અતુલ બોરા શર્મા અને અન્ય લોકો સાથે હેલિકોપ્ટરમાં કાઝીરંગાના પાનબારી જવા રવાના થયા અને ત્યાં પહોંચતા જ વડા પ્રધાનનું ફરી એકવાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સફારી દરમિયાન પીએમ મોદી સાથે કાઝીરંગા નેશનલ પાર્કના ડિરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હાજર હતા. પીએમ મોદીએ આ સાફારી દરમિયાન ઉદ્યાનની તમામ બાબતો વિશે વાત કરી અને નેશનલ પાર્ક વિશે જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારીનો ભરપૂર આનંદ લીધો હતો. આ દરમિયાન તેમણે જંગલી પ્રાણીઓના કેટલાક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની વિશેષતાઓ
આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ગેંડાનું સૌથી મોટું નિવાસસ્થાન, પક્ષીઓની 600 થી વધુ પ્રજાતિઓ, ડોલ્ફિનની વધતી જતી વસ્તી અને વાઘની સૌથી વધુ સાંદ્રતામાંનું એક છે. કાઝીરંગા એક લોકપ્રિય વિકેન્ડ સ્થળ છે. જે દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષે છે.

અહિં 2200 થી વધુ ભારતીય એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે. જે ગેંડાની વિશ્વની કુલ વસ્તીના લગભગ 2/3 છે. મેરી કર્ઝનની ભલામણ પર 1908 માં વિકસિત આ પાર્ક ગોલાઘાટ અને નાગાંવ જિલ્લાના કિનારે સ્થિત છે. જે પૂર્વીય હિમાલયન જૈવવિવિધતાના હોટસ્પોટ છે. આ પાર્કને 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top