National

અરુણાચલ સહિત આ રાજ્યોમાં લાગુ નહીં થાય CAA, આસામમાં વિરોધ પ્રદર્શન શરુ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન (Notification) બહાર પાડ્યું છે. આ સાથે જ નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019 માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. તેમજ ગઇ કાલે તેની ઉપર અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આસામમા (Assam) વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે.

CAAના અમલીકરણના વિરુધ્ધમાં આસામમા આજે સવારથી જ 30 સંગઠનોએ પ્રદર્શન શરૂ કરી દીધઅ છે. તેમજ CAAની તખ્તીઓ બાળી આજે હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) એ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદા (CAA)ને સૂચિત કર્યા પછી રાજ્યમાં વિશાળ પ્રદર્શનની જાહેરાત કરી છે.

AASUના મુખ્ય સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે દરેક જિલ્લામાં CAAની નકલો સળગાવવાનો નિર્ણય લીધો છે. તેમજ મંગળવારે નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (NESO) વતી પ્રદેશના તમામ રાજ્યની રાજધાનીઓમાં CAAની નકલો સળગાવવામાં આવશે.

આસામના 16-પક્ષીય યુનાઇટેડ ઓપોઝિશન ફોરમ (UofA) એ પણ તબક્કાવાર અન્ય આંદોલન કાર્યક્રમો શરૂ કરવા ઉપરાંત મંગળવારે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કાયદાના અમલને પગલે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યભરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

આસામ પોલીસે નોટિસ જારી કરી છે
આસામ પોલીસે CAAના વિરોધમાં આસામમાં હડતાળનું એલાન કરનારા રાજકીય પક્ષોને નોટિસ જાહેર કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “તમારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની કુલ કિંમત તમારી અને તમારી સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે.”

કાયદો લાગુ થતાની સાથે જ તેનો વિરોધ
પરંતુ કાયદો લાગુ થતાની સાથે જ તેનો વિરોધ પણ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ અને કેરળની સરકારોએ આ કાયદાનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે માત્ર નિયમો જોયા છે, નિયમો જોયા પછી જ કંઈક કહેવાશે. જોકે, તેમણે કહ્યું કે જો ધર્મ, જાતિ કે ભાષાના આધારે કોઈ ભેદભાવ થશે તો અમે કાયદાને સ્વીકારીશું નહીં.

આ સાથે જ સીએમ મમતાએ કહ્યું કે જો CAA અને NRC દ્વારા કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે ચૂપ નહીં બેસીએ. અમે આ બાબતનો સખત વિરોધ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે આ બંગાળ છે. અમે અહીં CAA લાગુ નહીં થવા દઈએ.

દરમિયાન કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત કહ્યું છે કે અમે અહીં CAA લાગુ કરવા દઈશું નહીં. જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક તરીકે માન્યતા આપેે છે. આ સાંપ્રદાયિક કાયદા સામે આખું કેરળ એકસાથે ઊભું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે કેરળ પ્રથમ રાજ્ય છે જેણે CAA વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. કેરળ સરકારે ડિસેમ્બર 2019માં જ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને આ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી.

Most Popular

To Top