Gujarat

ખાતરના ભાવ વધારાને લઈ કચ્છના ખેડૂતે કેન્દ્રીય મંત્રી રૂપાલાને ફોન કર્યો, મંત્રીની બોલતી બંધ.. હાં.. ભલે..

કચ્છ: (katch) ખાતરના ભાવ વધારાને લઈને નખત્રાણાના ખેડૂતની ઓડીયો કલીપ વાયરલ થઈ છે. નખત્રાણાના ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને (Minister Purshottam Rupala) ખાતરના ભાવ વધારા અંગે ફોન પર સવાલ કરી મૂંઝવી નાખ્યા હતા. રૂપાલાએ ફોન પર ખેડૂતને ખાતરના ભાવ મુદ્દે જવાબ દેવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં ખેડૂતની વાતનો મંત્રી કોઈ જવાબ આપી શક્યા ન હતા. તે ફક્ત.. હાં.. બોલ.. ભલે.. બોલતા રહ્યાં અને છેલ્લે ખેટૂતે કંટાઈને એમ કહીને ફોન (Phone) મુકી દીધો કે  તમારી પાસે કંઈ કહેવાનો જવાબ ના હોય તો ફોન રાખી દઉ.

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હવે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આવા જ એક નારાજ ખેડૂતોની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખેડૂત કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલાને ફોન કરી ખાતરના ભાવ વધારા અંગે સવાલ કરી રહ્યો છે અને મંત્રીએ થોડા જ સમયે પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કરેલા દાવાઓની યાદ અપાવી રહ્યો છે. કચ્છના નખત્રાણાના સાવન ઠક્કર નામના ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે ફોન કર્યો હતો અને કેટલાક સવાલો કર્યા હતા. પરંતુ મંત્રી રુપાલા એ સવાલોના જવાબ આપી શક્યા ન હતા. તેઓએ મોટાભાગના જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઓડિયો ક્લિપમાં ખેડૂત કહી રહ્યો છે કે, સાહેબ હું નખત્રાણાથી સાવન ઠક્કર વાત કરું છું. સાહેબ હું પોતે ખેડૂત છું. જ્યારે ચૂંટણી હતી ત્યારે તમે નખત્રાણા આવ્યા હતા ત્યારે તમારા ઈન્ટરવ્યૂ મેં સાંભળ્યા હતા. તમે કહેતા હતા કે, ખાતરમાં ભાવ વધારા પર કૉંગ્રેસ રાજકારણ કરે છે, ખાતરમાં કોઈ ભાવ વધારો થયો નથી. સાહેબ, ખાતરમાં તો ભાવ વધારો લાગું પડી ગયો. સાહેબ, ચૂંટણી માટે જ ભાવ વધારો બાકી રાખ્યો હતો ને. ચૂંટણી પછી તો ભાવ વધારો લાગુ પડી ગયો. તેના જવાબમાં મંત્રીએ ફક્ત હાં જી.. જવાબ આપ્યો હતો.

સાવન ઠક્કરે કહ્યું કે ભાવ વધારો તો લાગું પડી ગયો હવે અમારે ક્યાં જવું?, ત્યારે તો તમે, મનસુખ માંડવિયા, આરસી ફળદુ કહેતા હતા કે  કોઈજ પ્રકારનો ભાવ વધારો લાગુ નહીં પડે, આ કૉંગ્રેસ રાજકારણ રમી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસ ક્યાંય ના આવી, બધે ભાજપ છવાઈ ગયું, હવે અત્યારે ભાવ વધારો લાગુ પડ્યો તો ખેડૂત કોની પાસે જશે? અમારે કોને વાત કરવાની? જેના જવાબમાં મંત્રીએ. હા હા મને જ કરવાની ને, હું ક્યાં ના પાડું છું. કહી વાતને ફેરવી દીધી હતી.

સમગ્ર વાર્તાલાપ દરમ્યાન મંત્રી પુરુષોત્તમ રુપાલા સાવન ઠક્કરને કોઈ ઠોસ જવાબ આપી શક્યા ન હતા. તેમના જવાબો પરથી લાગી રહ્યું હતું કે તેઓને કદાચ ખાતરના ભાવ અંગેનો કોઈ અંદાજો કે જાણકારી હશે નહીં અથવા ભાવવધારા બાબતે અને તેના નિરાકરણ માટે ખેડૂતને શું જવાબ આપવો તે તેમને ખબર હશે નહીં. તેથી જ તેઓ સમગ્ર વાર્તાલાપ દરમ્યાન ગેં ગેં..ફેં ફેં.. થઈ ગયા હતા. ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ મંત્રીના વચનોનો ફિયાસ્કો થયો હોય તેમ તેઓ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

Most Popular

To Top